કેબલ પેકેજ ઈફેકટ! કેબલમાં પે-ચેનલોનું પ્રસારણ બંધ; દેકારો

11 February 2019 12:09 PM
Rajkot Gujarat
  • કેબલ પેકેજ ઈફેકટ! કેબલમાં પે-ચેનલોનું પ્રસારણ બંધ; દેકારો

નવા કાયદા પછી ટીવી પ્રસારણની ગાડી પાટે ચડતી નથી; ગ્રાહકોની કફોડી હાલત : જીટીપીએલ જેવી કંપનીએ પેકેજ નહીં લેનારા ગ્રાહકોના પે-ચેનલ પ્રસારણ અટકાવ્યુ, માત્ર ફ્રી-ટુ-એર ચેનલોનું જ પ્રસારણ : ડેન દ્વારા પણ બે-ત્રણ દિ’માં પેકેજની કાર્યવાહીં નહી કરનાર ગ્રાહકોના પે-ચેનલ પ્રસારણ બંધ થવાનો નિર્દેશ : નવા દરના પેકેજ સરવાળે મોંઘા પડતા હોવાનો ઉહાપોહ: ડીટીએચ કંપનીઓએ ઓફર-સ્કીમો બંધ કરી દીધી

Advertisement

રાજકોટ તા.11
ટ્રાય દ્વારા સમગ્ર દેશમાં ટીવી ચેનલોના એમ.આર.પી. લાગુ પાડવામાં આવતા ડીટીએચ અને ડીશ કેબલ ઓપરેટરો, બ્રોડ કાસ્ટીંગ કંપનીઓ, એમ.એસ.ઓ. અને લોકલ કેબલ ઓપરેટરોમાં નવા દર મુજબની ચેનલો દર્શાવવા માટે પેકેજથી સીંગલ ચેનલના ચાર્જ, જીએસટી એનસીએફ ચાર્જના આંકડાઓની મથામણ ચાલી રહી છે. બીજી તરફ રાજકોટ મહાનગરમાં જીટીપીએલ દ્વારા માત્ર ફ્રી ટુ એર સિવાયની ચેનલો દર્શાવવાનું પ્રસારણ બંધ નિયત પેકેજ અને પસંદગીની ચેનલો જોવાનો વિકલ્પ લાગુ કરતા દર્શકોમાં દોડધામ મચી છે. ડેન દ્વારા આગામી બે ત્રણ દિવસમાં ફ્રિ ટુ એર સિવાયની ચેનલો સિવાયની ચેનલો નિહાળવા દર્શકોને પેકેજથી માંડી પસંદગીની ચેનલો નિહાળવા લોકલ કેબલ ઓપરેટરોનો સંપર્ક સાધવાના દિવસો આવશે.
ટ્રાયના નવા દર લાગુ પડયા પહેલા લગભગ તમામ ચેનલો મંથલી દર્શાવતા હતા પરંતુ ગત તા.1લીથી ચેનલોના નવા દર અમલી થતા જીટીપીએલ, ડેન સહિતના એમએસઓ દ્વારા ફ્રી ટુ એર સિવાયની ચેનલો પર નવા દર મુજબ પ્રસારણ બતાવવાની કાર્યવાહી શરૂ થતા દર્શકોને હવે ચેનલોના પેકેજ, ચાર્જ, પસંદગીની ચેનલોના ચાર્જના ગણિત મંડાયા છે. એક તરફ સરકાર પ્રસારણ સસ્તુ થવાનું જણાવે છે તો બીજી તરફ ટ્રાયની એનઆરપી દરમાં જેનું જુજ ચેનલો નિહાળવી છે તેને ફાયદો છે તો ગૃહસ્થો- ગૃહીણીઓને વિવિધ ચેનલોનું મનોરંજન મેળવવા મનોરંજન મોંઘુ થયું છે.
કેબલ કનેકશનમાં દર માસે રૂા.300થી રૂા.350માં તમામ ચેનલ નિહાળતા દર્શકોને હવે ઝી, સ્ટાર, સોની, કલર્સ સહિતની પે ચેનલો નિંહાળવા 450 થી 500 ઉપરનો મંથલી ચાર્જ સહન કરવાના દિવસો આવી ગયા છે. અપવાદરૂપ ઓછી પે ચેનલો પસંદ કરનારને ફાયદાકારક છે.
રાજકોટ મહાનગરના જીટીપીએલ એમએસઓના વિરેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણ ટ્રાયની એમઆરપી મુજબ હવે ફ્રી ટુ એર ચેનલો સિવાય પે ચેનલો દર્શાવવામાં આવશે. હાલ રૂા.150ના દરેક મંથલીફ્રુ ટુ એર ચેનલોનું પ્રસારણછે. ગ્રાહકો માટે સ્ટાર, સોની, પોતાની પસંદગીની ચેનલ પસંદગીના વિકલ્પો અપાઈ રહ્યા છે. દર 25 ચેનલ એનસીએફ ચાર્જ રૂા.20 લાગે છે. એટલે હવેપહેલા રૂા.250થી 300માં જોવા મળતી તમામ ચેનલોની સામે હાલ મંથલી રૂા.414 જોવો ચાર્જ લાગે છે. એકંદરે ટ્રાયના નવા એમઆરપી લાગુ પડતા ગ્રાહકોને મોંઘુ બન્યુ છે જેને ઓછી પે ચેનલો નિહાળવી છે તેને કદાચ વતા ઓછા દરે મામુલી ફાયદો થશે. ટ્રાયની એમઆરપી લાગુ પડતા લોકલ કેબલ, ઓપરેટરોનું માર્જીન તળીયે આવી ગયું છે. બ્રોડ કાસ્ટીંગ, જીએસટી, એમએસઓ ચાર્જ કપાતા લોકલ કેબલ ઓપરેટરોને મોટો આર્થિક ફટકો સાથે ગ્રાહકો ચેનલ પસંદગી, પેકેજોની લમણાઝીંક રહેશે. હજુ બે ત્રણ માસ પરિસ્થિતિ થાળે પડવાની શકયતા. જીટીપીએલ હવે અંમેશા ગ્રાહકો સારુ સસ્તુ મનોરંજન પીરસવા તત્પર છે. છેલ્લા ત્રણ દિવસી પે ચેનલોમાં પ્રાઈમ ટાઈમ પ્રસારણ અને બે મેચનું પ્રસારણ ગ્રાહકોને વિનામૂલ્યે પીરસવામાં આવ્યું છે.
રાજકોટ ડેનના નીતીનભાઈ નથવાણીના જણાવ્યા પ્રમાણે હજુ ડેન દ્વારા ગુજરાતમાં તમામ ચેનલોનું પ્રસારણ શરૂ છે. પરંતુ બે ત્રણદિવસ કંપની દ્વારા ફ્રી ટુ એર ચેનલો સિવાયની પે ચેનલો માટે પેકેજ અને પસંદગીની ચેનલ આપવામાં આવશે. એક માસ માટે પ્રાયોગિક ધોરણે મંથલી રૂા.216નું પેકેજ અમલી કર્યા બાદ ગ્રાહકોની પસંદગી સ્થાનીક કેબલ ઓપરેટરોની મદદથી ગ્રાહકોને સેટઅપમાં પસંદગીના પેકેજ/ ચેનલો સેટ કરી આપવાની કાર્યવાહી શરૂ થશે. હજુ સુધી ગ્રાહકો નવા એમઆરપી દરની પસંદગી મુજવણ અનુભવે છે. ધીમે ધીમે મનોરંજનની પરિસ્થિતિ થાળે પડશે ડેન કંપની પોતાના દર્શકો અને ગ્રાહકો માટે સ્વચ્છ પ્રસારણ માટે અગ્રેસર રહેશે.
મહાનગરમાં ડીશ ટીવી ડીટીએચ મારફત લાખો દર્શકો ટીવી ચેનલોનું મનોરંજ માણે છે તેમને માટે પેકેજમાં ફેરફાર થતા હાલ ડીસ ટીવીમાં ચાલતી આકર્ષક ઓફર પણ ગાયબ થઈ છે અને તેના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્કાઈ, વિડીયોકોન, એરટેલ, ડીસ ટીવી જેવી ડીટીએચ કંપનીઓ અને ડીલરો વચ્ચે પણ ટ્રાયના નવા કાયદા મુજબના દરો લાગુ કરવા બાબતે પણ હજુ ગાડી જોઈએ તેવી સ્પીડે પાટે નહીં ચડતા વેચાણમાં પણ મહદઅંશે ઘટાડો હોવાનું ડીલરોએ જણાવ્યું હતું.

‘મનોરંજન-મૌજ હવે મોંઘી’
દર 25 ચેનલોની પસંદગી પર જીએસટી ઉપરાંત રૂા.20નો એનસીએફ ચાર્જ
ટ્રાય દ્વારા નવી એમઆરપી લાગુ થતા હવે કેબલ અને ડીસ ટીવીના ગ્રાહકોને ચેનલ પસંદગી માટેની ઉપાધી આવી પડી છે. દરેક પે ચેનલોમાં પેકેજ સાથે મન પસંદ ટીવી ચેનલની પસંદગીનો વિકલ્પ છે. તેમ છતા હજુ કેબલ ઓપરેટરો અને ગ્રાહકો વચ્ચે હજુ જોઈએ તેવો સેતુ નહીં બંધાતા હાલ કેબલ ઓપરેટરો ફ્રી ટુ એર ચેનલ સાથે પ્રાયોગિક ધારણે પેકેજ મુકી પ્રસારણ શરૂ રાખ્યું છે.
એમએસઓના જણાવ્યા પ્રમાણે ટ્રાયની નવી એમઆરપી યોજના લાગુ પડતા 18 ટકા ટેકસ સાથે દર 25 ચેનલો પર રૂા.20નો એનસીસી એફ લાગુ પડશે જે ગ્રાહકોના શીરે રહેશે. ગ્રાહકધારો કે 50 ચેનલ પસંદ કરે તો રૂા.40 એનસી ચાર્જ પ્લસ જીએસટી ચાર્જ લાગશે.


Advertisement