સ્વાઈન ફલુથી વધુ 2નાં મોત: જુનાગઢ અને જસદણના દર્દીએ દમ તોડયો

11 February 2019 12:06 PM
Jamnagar Gujarat
  • સ્વાઈન ફલુથી વધુ 2નાં મોત: જુનાગઢ અને જસદણના દર્દીએ દમ તોડયો

રાજકોટની સિવિલ-ખાનગી હોસ્પિટલમાં મળી 48 દર્દીઓ સારવારમાં: સરકારી હોસ્પિટલમાં દાખલ 14ના રિપોર્ટ પોઝિટિવ

Advertisement

રાજકોટ તા.11
એક તરફ લગ્નસરાની મોસમ ચાલી રહી છે. બીજી તરફ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુ મહેમાન બન્યો હોય તેમ ટપોટપ દર્દીઓના મોત થઈ રહ્યા છે. ગઈકાલ રાજકોટની ગુંદાવાડીના વૃધ્ધનું સ્વાઈન ફલુથી મોત થયા બાદ આજરોજ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ જસદણના સાંથળી ગામના આધેડનું તેમજ વહેલી સવારે જુનાગઢના પ્રૌઢનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. જોકે તેમનો રિપોર્ટ આવવાનો બાકી હતો.
સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુનો સકંજો દિનપ્રતિદિન ફેલાઈ રહ્યો છે. એક તરફ ઠંડીની સિઝન અને બીજી બાજુ લગ્નસરાની મોસમને લઈ સ્વાઈન ફલુની સ્થિતિ ગંભીર બની રહી છે. રાજકોટના ગુંદાવાડીમાં ઈશા એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષના વૃધ્ધનું ગઈકાલ સ્વાઈન ફલુથી મોત થયા બાદ આજરોજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ જસદણના સાણથલી ગામના 50 વર્ષીય આધેડનું મોત થયુ હતું. જો કે આધેડને સ્વાઈન ફલુની શંકાએ દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ આવવાનો બાકી હતો. જયારે જુનાગઢના રત્ના એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષના પ્રૌઢને સ્વાઈન ફલુના લક્ષણો જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમનું સારવાર દરમ્યાન વહેલી સવારે મોત નિપજયુ હતું.
સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યા છે. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મળી 48 દર્દી સ્વાઈન ફલુની સારવારમાં છે. જેમાં નવ દર્દી વેન્ટીલેટર પર છે. રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ 14 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.


Advertisement