ભાવનગરમાં ચાર સ્થળે ચાર લાખની ચોરી

11 February 2019 12:04 PM
Bhavnagar Crime Gujarat
  • ભાવનગરમાં ચાર સ્થળે ચાર લાખની ચોરી

કડકડતી ઠંડીમાં ચિત્રા, સાઇબાબા મંદિર નજીક, કપીરાજનગરમાં ચાર ઘરમાં તસ્કર ત્રાટકયા : લગ્ન પ્રસંગ બગડયા

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.11
ભાવનગર શહેરમાં ચોરીનાં ચાર બનાવોમાં તસ્કરો રૂા.4 લાખની મતાની ચોરી કરી નાસી છુટયાની અલગ-અલગ પોલીસ ફરિયાદો નોંધાઇ છે.
શહેરમાં તસ્કરોની રંજાડ વધી છે. તેમ ચોરીનાં બનાવો વધી રહ્યા છે. ચોરીનાં પ્રથમ બનાવમાં શહેર ચિત્રા વિસ્તારમાં ક્રાઇસ્ટ સ્કૂલ પાસે આવેલ સુખસાગર સોસાયટીનાં પ્લોટ નં.113/114માં રહેતા અશ્ર્વિનભાઇ અનંતરાય શુકલનો પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગામ ગયો હતો. ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ડબામાં રાખેલ દાગીના તથા રોકડ મળી કુલ રૂા.12પ000ની મતાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જયારે બીજા બનાવમાં શહેરનાં મેઘાણી સર્કલ સાંઇબાબાનાં મંદિર નજીક આવેલ નવચંડા ફલેટમાં રહેતા રમેશભાઇ રૂપચંદભાઇ સિંધીનો પરિવાર પણ લગ્ન પ્રસંગે બહાર ગયો હતો. ત્યારે તેનાં બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રોકડ તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂા.1,20,400ની મતાની ચોરી કરી હતી. આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ચોરીનાં ત્રીજા બનાવમાં શહેરનાં ચિત્રા આણજી પાર્ક પ્લોટ નં.40માં રહેતા મોહનભાઇ હેમુભાઇ વાઘેલા તેના પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાનમાં ત્રાટકી રોકડ તથા ઘરેણા મળી કુલ રૂા.62500ની મતાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ચોથા બનાવમાં શહેરનાં કપીરાજ નગર દેસાઇનગર પ્લોટ નં.115માં રહેતા દેવેન્દ્રભાઇ અરજણભાઇ મકવાણાનો પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગામ ગયો હતો. ત્યારે તસ્કરોએ આ બંધ મકાનમાં ત્રાટકી તાળા તોડી રૂા.86500ની કિંમતના દાગીના-રોકડાની ચોરી કરી હતી. આ અંગે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ભાવનગર શહેરમાં ઠંડીને કારણે તથા લગ્ન સીઝનમાં લોકો બહાર ગામ જતાં હોય પોલીસનું સઘન પેેટ્રોલીંગ કરવા માંગ ઉઠી છે.


Advertisement