ઉરી; સૈન્ય કેમ્પ પર ત્રાસવાદી હુમલો

11 February 2019 11:55 AM
India
  • ઉરી; સૈન્ય કેમ્પ પર ત્રાસવાદી હુમલો

ભીષણ ગોળીબાર-અથડામણ ચાલુ: શ્રીનગરના લાલચોકમાં પણ ગ્રેનેડ હુમલાથી નાસભાગ-ડઝન ઘાયલc

Advertisement

શ્રીનગર તા.11
કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હેઠળ ત્રાસવાદીઓના થઈ રહેલા ખાત્મા વચ્ચે અકળાયેલા આતંકવાદીઓએ બે હુમલા કર્યા હતા તેમાં સૈન્ય જવાનો સહીત એક ડઝન ઘાયલ થયા હતા.
ત્રાસવાદીઓ આજે પરોઢીયે ઉરી સ્થિત સૈન્યના ફીલ્ડ રેજીમેન્ટ કેમ્પ નજીક ત્રાટકયા હતા અને ભીષણ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને પગલે સૈન્ય જવાનોએ પણ વળતી પોઝીશન લઈને સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. ત્રણ થી ચાર ત્રાસવાદી છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ તથા સૈન્ય વચ્ચે ગોળીબાર-અથડામણ ચાલુ હોવાના નિર્દેશ છે.
બીજી તરફ ત્રાસવાદીઓએ શ્રીનગરના લાલચોક નજીક એક સીઆરપીએફ ટુકડીને નિશાન બનાવીને હુમલો કર્યો હતો તેમાં અર્ધ લશ્કરી ત્રણ જવાન, ચાર પોલીસ જવાન તથા ચાર નાગરિકો ઘાયલ થયા હતા. ત્રાસવાદીઓના ગ્રેનેડ હુમલાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આતંકવાદીઓને જીવતા કે મરેલા પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો.
સૈન્ય સૂત્રોએ એમ કહ્યું કે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સૈન્ય દ્વારા મોટુ ઓપરેશન હાથ ધરીને પાંચ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. આઠ કલાકથી વધુ વખત ચાલેલી અથડામણમાં પાંચ ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને મોટાપાયે હથિયાર, દારુગોળો તથા અન્ય સમાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેલમ ક્ષેત્રમાં ત્રાસવાદીઓ મૌજૂદ હોવાની બાતમી પરથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


Advertisement