હવે મહાપાલિકામાં ડેપ્યુટી મ્યુ. કમિશ્ર્નર આસી. કમિશ્ર્નરની સીધી ભરતી

09 February 2019 04:32 PM
Gujarat

સરકાર દ્વારા વિધાનસભામાં ખરડો લાવવા તૈયારી: જો કે નિયંત્રણ સરકારનું જ રહેશે

Advertisement

ગાંધીનગર તા.9
રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓ માં હવે પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ કમિશનરની સીધી ભરતી અથવા કોર્પોરેશનમાંથી સિનિયર અધિકારીની નિમણૂક કરવાની સત્તા મહાનગરપાલિકા ઓને આપવામાં આવશે. અને આ મંજૂરી આપતા વિધેયકને આગામી વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહ સમક્ષ લાવવામાં આવશે. જોકે હાલ આ હોદ્દાની તમામ નિમણૂકો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે.. ત્યારે રાજ્ય સરકાર ની જગ્યાએ હવે આ મહત્વના હોદ્દાની નિમણૂકો મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવશે. પરંતુ આ નિમણૂક બાદ સરકારને યોગ્ય નહીં લાગે તો મ્યુનિસિપલ તંત્ર એ જે અધિકારીની નિમણૂક કરી હશે તેને રદ કરવાની સત્તા સરકાર હસ્તક રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આગામી 18મી ફેબ્રુઆરી થી શરૂ થનારા લેખાનુદાન ના ટૂંકા બજેટ સત્ર દરમિયાન સરકાર કેટલાક વિધેયકો રજૂ કરશે જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યના રાજકોટ , સહિત અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર સહિત આઠ મહાનગરપાલિકાઓમાં કાર્યરત કોર્પોરેશન તંત્ર ને સક્ષમ અધિકારીની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવશે.
તો બીજી તરફ મહાનગરપાલિકાનું તંત્ર નિમણૂકો માટે યોગ્ય માપદંડ ,અનુભવ અને પદ ની જરૂરિયાત મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોની સીધી ભરતી થી નિમણુક કરી શકશે. એટલું જ નહીં મ્યુનિસિપલ વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા સિનીયર અધિકારી ની પણ આ પદ ઉપર બઢતી આપીને નિમણૂક કરી શકાશે .જોકે આ નિમણૂક રાજ્ય સરકારની યોગ્ય લાગશે ત્યાં સુધી જ તે અધિકારીને ફરજ ઉપર રાખી શકાશે અથવા આ નિમણૂક જરૂર જણાય રદ કરી શકાય તેવી સત્તા શહેરી વિકાસ વિભાગ હસ્તક રાખવાની જોગવાઈ વિધેયકમાં કરવામાં આવી છે. એટલે કે સરકારના એજન્ડા સામે મેળ ખાતો ન હોય અથવા સરકારની સામે ન હોય અને નિમણૂક પામેલ અધિકારીની કામગીરી અયોગ્ય જણાય તો તેવા અધિકારીને નિમણૂક બાદ પણ તેમને પદ પરથી હટાવી શકાશે આમ રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓમાં
ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને અન્ય અધિકારીઓની નિયુક્તિ કોર્પોરેશન હસ્તક કરી છે.
પરંતુ તેને હટાવવા ની સત્તા સરકાર હસ્તક રાખવામાં આવી છે.


Advertisement