સોમનાથ-કોડીનાર રેલ લાઇનમાં જમીન સંપાદનનું જાહેરનામુ રદ કરો

09 February 2019 03:13 PM
Veraval Gujarat
  • સોમનાથ-કોડીનાર રેલ લાઇનમાં જમીન સંપાદનનું જાહેરનામુ રદ કરો

સિંહ બચાવો : નવા રેલવે લાઇન પ્રોજેકટમાં સિંહના અસ્તિત્વ સામે ખતરો : જનકલ્યાણ સમિતિ અને ખેડૂતો દ્વારા વનમંત્રીને લેખીત રજુઆત : પ્રોજેકટનો વિરોધ

Advertisement

(રાજેશ ઠકરાર) વેરાવળ તા.9
સોમનાથ-કોડીનાર ખાસ નવી રેલ લાઇનનો પ્રોજેક્ટ સંદર્ભે જમીન સંપાદન કરવા પશ્ચિમ રેલ્વે નિર્માણ સંગઠન દ્વારા તા.19/01/2019 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલ જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ ભાલપરા, મીઠાપુર, કાજલી, આજોઠા સુત્રાપાડા તાલુકાના લાટી, ક્દવાર, સુત્રાપાડા, વાવડી, મોરસા, પ્રશ્નાવાડા, લોઢવા, સિંગસર, મટાણા, કોડીનાર તાલુકનાં ગો.ખાણ, કડવાસણ, વડનગર ગામોની ખેડૂતોની ખેતીલાયક જમીનો અને સરકારી જમીનોમાંથી પસાર થઈ નિર્માણ પામવાની છે જેમના માટે જમીનો સંપાદન કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવેલ છે પરંતુ આ માત્ર ઔદ્યોગિક એકમોની સગવડતા ખાતર હાથ ધરવામાં આવેલ કોડીનાર થી સોમનાથ સુધીના નવી રેલ લાઈન પ્રોજેક્ટ થી સ્થાનિક ખેડૂતો ઉપરાંત ગીર-સોમનાથ જીલ્લામાં વસવાટ કરતા સિંહો દીપડા જેવા વન્ય જીવો ની સુરક્ષા પણ જોખમમાં મુકનાર છે.
ગીર-સોમનાથ જીલ્લામાં સિંહોએ કરેલા સ્થાઈ વસવાટની વિગત મુજબ 18 બચ્ચાઓ, બિન-પુખ્ત 1 નર, 1 માદા, પુખ્ત 6 નર અને 18 માદા આમ ટોટલ 44 સિંહોનો સ્થાઈ વસવાટ જીલ્લાભરમાં 14 મી સિંહ પ્રજાતિ વસતી અંદાજની ગણતરીની કામગીરી અન્વયે નોધાયેલ છે જે જુનાગઢ અને અમરેલી જીલ્લા પછી ત્રીજા ક્રમે આવે છે તેમજ વર્ષ 2016 દરમ્યાન હાથ ધરવામાં આવેલ દીપડાની વસ્તી અંદાજ ગણતરીની કામગીરી મુજબ 111 દીપડાઓ ગીર-સોમનાથ જીલ્લામાં નોધાયા હતા ત્યારે માનવ જીવ અને વન્ય જીવો માટે જોખમકારક આ રેલ પ્રોજેક્ટને રદ કરવા પર્યાવરણ સુરક્ષા એવમ જનકલ્યાણ સમિતિનાં પ્રમુખ ભગવાનભાઇ સોલંકી લોઢવા દ્વારા અગ્રમુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને પર્યાવરણ મંત્રાલય દિલ્હીને રજૂઆત કરી પ્રોજેક્ટ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામું રદ કરવા માંગ કરાઈ છે.
જનકલ્યાણ સમિતિનાં પ્રમુખ ભગવાનભાઇ સોલંકી એ જણાવેલ કે ગુજરાતના ગોરવ એવા સિંહોના લાંબાગાળાના સંવર્ધન અને સંરક્ષણ સામે આ નવી નિર્માણ પામનારી રેલ્વે લાઈન સિંહોની સુરક્ષા સામે પડકાર રૂપ બનશે તેમજ એશિયાઇ સિંહો સાથે-સાથે આ વિસ્તારની અન્ય જીવસૃષ્ટીના ઉપર પણ તેમની અસર થશે તેમજ ગીર-સોમનાથ જિલ્લો દરિયાઈ કિનારે આવેલો જિલ્લો છે ગીર વન્ય જીવ અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉઘાનમાંથી દક્ષણિ અને પશ્ચિમ તરફ અરબી સમુદ્ર સુધી સિંહો નિયમિત આટા-ફેરા કરતા હોય તેથી વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા વર્ષ 2016 માં જે માર્ગ અને જમીની વિસ્તાર (ખાસ ગીર અભ્યારણ્યમાંથી વહેતી નદીઓ) નો ઉપયોગ કરી સતત આટા-ફેરા લગાવે છે તેમને લાઈન કોરિડોર તરીકે સુરક્ષિત કરી ઇકોસેન્સેટિવ ઝોન વિસ્તાર તરીકે જાહેર કરેલ છે.
સિંહોના જીવન ઉપર માઠી અસરથી સિંહોની સલામતી પણ જોખમશે અને રેલવે ટ્રેક ઉપર માલગાડીની અડફેટે આવી જતા અનેક સિંહો મોત નીપજ્યા છે અનેક બનાવો સોરાષ્ટ્રમાં બનેલ છે સોમનાથ થી કોડીનાર સુધી નવી રેલ્વે લાઈન નિર્માણ પામશે તો સિંહો ટ્રેક પર આવી જવાની પૂરી શક્યતા રહેલી છે. આથી ગીર-સોમનાથ જીલ્લમાં વસવાટ કરતા 44 સિંહોની સુરક્ષા ઉપર મોટો ખતરો ઉભો થશે જેથી પ્રોજેક્ટ રદ કરી પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરેલ જાહેરનામું રદ કરવા ઉચ્ચકક્ષાએથી કાર્યવાહી હાથ ધરવા રજૂઆતમાં માંગ કરવામાં આવેલ છે.


Advertisement