ફિશરીઝ કૌભાંડમાં પરસોતમ સોલંકી સામે કોર્ટનું વોરંટ: રાજકીય પડઘાની શકયતા

09 February 2019 12:44 PM
Ahmedabad Gujarat
  • ફિશરીઝ કૌભાંડમાં પરસોતમ સોલંકી સામે કોર્ટનું વોરંટ: રાજકીય પડઘાની શકયતા

તત્કાલીક કૃષિપ્રધાન દિલીપ સંઘાણી સામે પણ આ પ્રકરણમાં કાર્યવાહી

Advertisement

અમદાવાદ તા.9
ગાંધીનગરની વિશેષ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) કોર્ટે રાજયના મત્સ્યોદ્યોગ ખાતાના રાજયપ્રધાન પરસોતમ સોલંકી સામે 400 કરોડના કૌભાંડમાં જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કેસની સુનાવણીમાં યુવાન ઉપસ્થિત ન થતાં સ્પેશ્યલ કોર્ટ જજ આરએમ વોરાએ સોલંકી સામે વોરંટ જારી કરી આગળની સુનાવણી 2 માર્ચ મુકરર કરી એ તારીખ પહેલા ભાજપ નેતાએ વોરંટ રદ કરાવવા કોર્ટનો સંપર્ક સાધવો પડશે.
સોલંકી ઉપરાંત કોર્ટે પુર્વ પ્રધાન દિલીપ સંઘાણી સામે પણ કાર્યવાહી કરી છે, ભૂતકાળમાં કોર્ટે બન્નેને સમન્સ પાઠવ્યા હતા. જો કે સંઘાણીના વકીલ રાજેશ રૂપારેલ અસીલ વતી ગઈકાલે કોર્ટમાં હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપમાં અન્ય કોળી નેતા કુંવરજી બાવળીયા પગદંડો જમાવી રહ્યા છે એ ટાણે સોલંકી સામેની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. આ ઘટનાક્રમને સોલંકી અને એના ભાઈ હીરા સોલંકીને પડકાર તરીકે જોવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોળી સમુદાયમાથી પક્ષમાં હરીફ પેદા થતા પરસોતમભાઈ નાખુશ છે. કોર્ટ દ્વારા કોઈ વિપરીત હુકમ થાય તો તેમના રાજકીય ભવિષ્યને નુકશાન થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બાવળીયાના પક્ષમાં પ્રવેશ પછી સોલંકીબંધુઓને ભાજપમાં પહેલા જેવું મહત્વ અપાતું નથી. પરસોતમ સોલંકી કોળી સમુદાયમાં લોકપ્રિય છે, પણ તે ડાયાબીટીસ અને અન્ય બીમારીઓથી પીડાઈ રહ્યા હોવાથી ઝાઝા સક્રીય નથી. હાલમાં તે વિદેશમાં સારવાર લઈ રહ્યા છે.
આ કેસ 2008નો છે એ વખતે સોલંકી ફિશરીઝ ખાતાના રાજયપ્રધાન અને સંઘાણી કૃષિપ્રધાન હતા.
એ વખતે પાલનપુરના બિઝનેસમેન ઈશાક મારડીયાએ હાઈકોર્ટમાં ધા નાખી કોન્ટ્રેકટ આપવામાં સોલંકીએ નિયમભંગ કર્યાનો આક્ષેપ કર્યો હતો. રાજયના 58 જળાશયોમાં મચ્છીમારી માટે ગેરકાયદે કોન્ટ્રેકટ આપી સોલંકીએ કૌભાંડ આચર્યાની તેણે રજુઆત કરી હતી. 2013માં મારડીયાએ એસીબી કોર્ટમાં અરજી કરી સોલંકી અને સંઘાણી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. ગાંધીનગર કોર્ટે એ પછી એસીપીને તપાસ કરી રીપોર્ટ રજુ કરવા જણાવ્યું હતું. 2015માં એ મુજબ એસીબીએ રિપોર્ટ રજુ કરી ફિશરીઝ કોન્ટ્રેકટમાં અનિયમિતતા થઈ હોવાનું તારણ રજુ કર્યું હતું. ત્યારબાદ એસીબીએ બન્ને સામે કાનુની કાર્યવાહી શરુ કરી હતી.


Advertisement