અનિલ અંબાણી ગ્રુપના શેરોમાં કડાકાથી વિવાદ: ગીરવે મુકેલા શેરો ફુંકી દેવાયા

09 February 2019 12:30 PM
Ahmedabad Gujarat
  • અનિલ અંબાણી ગ્રુપના શેરોમાં કડાકાથી વિવાદ: ગીરવે મુકેલા શેરો ફુંકી દેવાયા
  • અનિલ અંબાણી ગ્રુપના શેરોમાં કડાકાથી વિવાદ: ગીરવે મુકેલા શેરો ફુંકી દેવાયા

એલ એન્ડ ટી ફાઈનાન્સ અને એડલવીસીસ દ્વારા અંબાણીની કંપનીઓના શેરોનું ધોમ વેચાણ ; સપ્ટેમ્બર 2017માં માર્કેટ કેપીટલાઈઝેશનની દ્રષ્ટીએ ત્રીજું સ્થાન ધરાવતા અનિલ જૂથની કંપનીઓને માર્કેટ વેલ્યુ રહી માત્ર 26,776 કરોડ : બન્ને ફાઈનાન્સ કંપનીઓએ આક્ષેપ નકારી વેચાણ કોન્ટ્રેકટની શરતો મુજબ કર્યાનું જણાવ્યું : પ્લેજડ શેરો વેચી નાખવામાં આવતા 72 લાખ સંસ્થાકીય અને રિટેલ શેરધારકોને નુકશાન : રિલાયન્સ કોમ્યુનીકેશન: નાદારીના માર્ગે જતા ગ્રુપની અન્ય કંપનીઓના શેરમાં ભારે વેચવાલી

Advertisement

મુંબઈ તા.9
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ અને લેન્ડર્સ એસએન્ડટી ફાઈનાન્સ અને હેડલવીસીસ વચ્ચે શાબ્દીક યુદ્ધ ફાટી નીકળ્યું છે. અનિલ અંબાણીએ લેન્ડર્સ સામે ગીરવે રખાયેલા શેરો વેચી નાખવાના પગલાને હેતુપ્રેરીત અને બિનજરૂરી ગણાવ્યું હતું. આ આક્ષેપનું ખંડન કરી લેન્ડર્સે જણાવ્યું છે કે રિલાયન્સ ગ્રુપની કંપનીઓએ કોન્ટ્રેકટ મુજબની જવાબદારી નિભાવી નથી અને બોરોઅર દ્વારા વારંવાર ડિફોલ્ટના કારણે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
અનિલ અંબાણીની અન્ય એક કંપની રીલાયન્સ કોમ્યુનીકેશને નાદારીની પ્રક્રિયા માટે ઈન્સોલ્વન્સી ટ્રાઈબ્યુનલમાં જવા જાહેર કર્યા પછી અન્ય ગ્રુપની અન્ય કંપનીઓના શેરમાં વેચવાલીનું દબાણ સર્જાયુ હતું. 4 ફેબ્રુઆરી પછી રિલાયન્સ કોમ્યુનીકેશનમાં 54%, રિલાયન્સ પાવર 59%, રિલાયન્સ કેપીટલમાં 32% અને રિલાયન્સમાં 56%નું ગાબડું પડયું હતું.
શેરોના ભાવમાં ધરખમ ઘટાડો થતાં લેન્ડર્સે પ્લેજડ (ગીરવે રખાયેલા) શેરો વેચવા કાઢયા હતા. એલએન્ડટી ફાઈનાન્સે રિલાયન્સ કોમ્યુનીકેશનના 2 કરોડ શેર, રીલાયન્સ કેપીટલના 78 લાખ શેર, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના 49 લાખ શેર અને રિલાયન્સ પાવરના 6.25 કરોડ શેર ગુરુવારે વેચ્યા હતા. એડલવીસીસે કેટલા શેર વેચ્યા તેની વિગતો એકસચેન્જની વેબસાઈટ પર ઉપલબ્ધ નહોતી.
રિલાયન્સ ગ્રુપના આક્ષેપ મુજબ આવું વેચાણ ગેરકાનુની અને વધુ પડતું છે, અને બોરોઈંગ ડોકયુમેન્ટેશનની પ્રક્રિયા અને જરૂરિયાતથી વિપરીત છે.
જો કે શુક્રવારે ગ્રુપ કંપનીઓના શેરમાં પાંચથી માંડી 12% વધારો જોવા મળ્યો હતો. એલએન્ડટી ફાઈનાન્સ અને એડલવીસીસે તેમના પગલાનો બચાવ કરતા જણાવ્યું હતું કે કાયદા મુજબ પ્લેજડ શેરોનું વેચાણ કરવામાં આવ્યું છે.
એલ એન્ડ ટી ફાઈનાન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી નોટીસ અપાયા છતાં ડિફોલ્ટના બનાવો ચાલુ રહ્યા હતા. એ કારણે એલએન્ડટી ફાઈનાન્સને બાકી રહેતી રકમના પ્રમાણમાં પ્લેજડ શેર વેચવા ફરજ પડી હતી અને કોન્ટ્રેકટ અને કાયદાની પ્રક્રિયા અનુસરી વેચાણ કરવામાં આવ્યું હતું.
બીજી બાજુ, એડલવીસીસ જુથે પણ અનિલ અંબાણી જુથની કંપની તરફથી જરૂરી પગલાં ન ભરાતા કોન્ટ્રેકટની શરતો મુજબ શેર વેચ્યાનો દાવો કર્યો હતો.
ભારતીય બજારમાં તાજેતરમાં વ્યક્તિગત રોકાણ માટે નાણાં ઉભા કરવા પ્રમોટરોએ તેમનું મોટી લીસ્ટેડ કંપનીઓમાં હોલ્ડીંગ ઘટાડયા પછી ઉથલપાથલ સર્જાઈ છે. ઝી ગ્રુપના સુભાષચંદ્રએ લેન્ડર્સ સાથે તાજેતરમાં સમજુતી કરી ડિફોલ્ટ ન સર્જવા અને એસેટ વેચી પુન: ચૂકવણી કરવા સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો હતો.
રિલાયન્સ કોમ્યુનીકેશનનું દેવું રૂા.42,000 કરોડનું છે. ગત સોમવારે તેણે નેશનલ કંપની લો એપેલેટ ટ્રાઈબ્યુનલમાં ધા નાખી બેંકરપ્સીની કાર્યવાહી સામેની અરજી પાછી ખેંચી હતી.
રિલાયન્સ કેપીટલન 75% પ્રમોટર્સ શેર 31 ડીસેમ્બર, 2018એ ગીરવે મુકાયેલા હતા. રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં 85% પ્રમોટરોનો હિસ્સો ગીરવે મુકવામાં આવ્યો છે. જાણકારો કહે છે કે રોકાણકારો નીચા ભાવે પણ તે શેર ખરીદવા તૈયાર નથી.
રિલાયન્સ મુકેશ અંબાણી ગ્રુપ અને તાતા ગ્રુપ પછી સપ્ટેમ્બર 2017માં બે લાખ કરોડના માર્કેટ કેપીટલાઈઝેશન સાથે અનિલ અંબાણી જુથ ત્રીજું મોટું ઔદ્યોગીક ગૃહ હતું. તેણે એ પછી 88% માર્કેટ વેલ્યુ ગુમાવી છે, અને હાલ તેનું માર્કેટ કેપીટલાઈઝેશન માત્ર રૂા.26,776 કરોડનું રહ્યું છે.


Advertisement