ગુજરાતમાં 74 ટકા EVM-VVPAT ની ચકાસણી પૂર્ણ

09 February 2019 12:12 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં 74 ટકા EVM-VVPAT ની ચકાસણી પૂર્ણ

લોકસભા ચૂંટણીમાં નવા 67000 ઈવીએમ તથા 50000થી વધુ વીવીપેટ ઉપયોગમાં લેવાશે

Advertisement

અમદાવાદ તા.9
ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈલેકટ્રોનીક વોટીંગ મશીનની સચોટતા વિશે સવાલ અને તેનો વિવાદ પુરો થવાનું નામ લેતો નથી ત્યારે ગુજરાતમાં ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા ઈવીએમ તથા વીવીપેટ (વોટર વેરીફીયેબલ પેપર ઓડીટ ટ્રાયલ)ની ચકાસણીનો પ્રથમ રાઉન્ડ પુરો થઈ ગયો છે. ગુજરાતમાં ઉપયોગમાં લેવાનારા ઈવીએમ-વીવીપેટ પૈકીના 74 ટકાની ચકાસણી કરવામાં આવી છે.
રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું કે લોકસભાની આગામી ચૂંટણીમાં 67000 નવા ઈવીએમ મશીન તથા 50000થી વધુ નવા વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીનો ‘ભેલ’ દ્વારા બનાવવામાં આવ્યા છે. નિયમ મુજબ ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી છે. 74 ટકા ટેસ્ટીંગ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
ચૂંટણી પંચના સૂત્રોએ એમ કહ્યું છે કે નવી ઈવીએમ-વીવીપેટમાં બેટરી લાઈફ પ્રેડીકશન ડીસ્પ્લે સહીતના અત્યાધુનિક ફીચર્સ છે. અન્ય ઉપકરણ સાથે પણ તેનું જોડાણ નહીં થઈ શકે એટલું જ નહીં ઈવીએમ તથા વીવીપેટની જોડી બદલવામાં આવે તો પણ કામ કરતુ બંધ થઈ જશે અને નવેસરથી પ્રક્રિયા કરવી પડશે.
દેશના પુર્વ મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર ટી.એસ.ક્રિષ્નમૂર્તિએ તાજેતરમાં એવુ સ્પષ્ટ કર્યુ જ હતું કે વીવીપેટ વિના પણ ઈવીએમ વિશ્ર્વસનીય જ છે. ઈવીએમ સામે શંકા ઉઠાવનારાઓનો ઈરાદો જુદો હોવાથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કયારેય તેનો અંત આવવાનો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈવીએમની વિશ્ર્વસનીયતા સામે શંકા ઉઠાવીને અનેક રાજકીય પક્ષોએ મતપત્રકથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી. ઈવીએમ સાથે ચેડા-ગરબડ થઈ શકતી હોવાનો આ પક્ષોનો આરોપ છે. જો કે, ભાજપ આવા આક્ષેપોને ફગાવી રહ્યું છે.
દરમ્યાન મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે ઈવીએમ સંપૂર્ણ વિશ્ર્વસનીય જ છે અને તેને ફુલપ્રુફ રાખવા માટે સતત અપગ્રેડ કરવામાં આવતા રહ્યા છે. જુની મતપત્રક પદ્ધતિની ચૂંટણી કરવાની વાત તેઓએ ફગાવી દીધી હતી. સંરક્ષણ સાધનોનુ ઉત્પાદન કરતી ટોચની કંપનીઓ ઈવીએમબનાવે છે અને ટેકનીકલ નિષ્ણાંતો તેનું પરિક્ષણ કરે છે. રાજયોની ચૂંટણીઓમાં સફળતાપૂર્વક ઉપયોગ થયો જ હતો અને હવે લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં વપરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014માં 3.63 માંથી 1.74 કરોડ મતદારોએ મતદાન કર્યુ હતું.


Advertisement