હાર્દિક પટેલ પોરબંદર કે અમરેલીથી ઝુકાવશે?

06 February 2019 11:37 AM
Porbandar Gujarat Politics
  • હાર્દિક પટેલ પોરબંદર કે અમરેલીથી ઝુકાવશે?

લોકસભા ચૂંટણીમાં પાટીદાર વર્ચસ્વ ધરાવતી સૌરાષ્ટ્રની બેઠક પરથી લડે તેવી અટકળો તેજ

Advertisement

અમદાવાદ તા.6
પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે હવે સૂચિત બેઠકની પણ અટકળો જામી છે. પાટીદારોની બહુમતી ધરાવતા અમરેલી અથવા પોરબંદરથી ઝુકાવે તેવી શકયતા વ્યક્ત થવા લાગી છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થન સાથે જીજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી કરી હતી તે રીતે હાર્દિક પટેલ પણ અપક્ષ ઉમેદવાર તરીકે લડે તેવી શકયતા છે. હાર્દિક પટેલની ઉંમર 25 વર્ષની થઈ ગઈ હોવાની તે હવે લોકસભા ચૂંટણી લડવાને પાત્ર થઈ ગયા છે. કોંગ્રેસના એક સીનીયર નેતાએ નામ નહીં દેવાની શરતે એમ જણાવ્યુ હતું કે હાર્દિક પટેલ જે બેઠક પરથી લડે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા નહીં રાખવાની વિચારણા છે તેના બદલામાં કોંગ્રેસને રાજયના અન્ય ભાગોમાંથી પાટીદાર મતોનો ફાયદો મળી શકે છે.
જો કે, કોઈ અંતિમ નિર્ણય લેતા પુર્વે સ્થાનિક કોંગ્રેસના આગેવાનોના અભિપ્રાય મેળવવા પડશે. ઉપરાંત હાર્દિકને સમર્થન આપવા પાછળનુ ગણીત-મહત્વ સમજાવવુ પડશે. હાર્દિક માટે અમરેલી કે પોરબંદર જેવી જ બેઠક સૌથી સુરક્ષિત ગણી શકાય તેમ છે.
અમરેલી બેઠક સૌથી સુરક્ષિત છે. કારણ કે પાટીદાર બહુમતી હોવા ઉપરાંત પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત તથા અન્ય કોંગી ધારાસભ્યોના પ્રભાવનો લાભ મળી શકે. આ સિવાય અમરેલી જીલ્લાના પાટીદારો સુરતમાં ઠરીઠામ થયા છે તેનું પણ સમર્થન મળી શકે. જો કે, સ્થાનિક નેતાઓ પણ લડવા ઈચ્છુક હોવાથી તે શકય બને છે કે કેમ તે જોવાનું રહેશે.
પોરબંદર લોકસભા બેઠક માટે તક વધુ ઉજળી છે. કોંગ્રેસ ધોરાજી અને માણાવદર એવી બે વિધાનસભા બેઠક ધરાવે છે. કુતિયાણાની બેઠક પર એનસીપીનો કબ્જો છે તેનો પણ ટેકો મળી શકે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ કહ્યું કે હાર્દિક પટેલ તરફથી હજુ કોઈ સતાવાર દરખાસ્ત આવી નથી. કોઈ પ્રસ્તાવ આવ્યા બાદ વિચારણા-નિર્ણય થઈ શકે.


Advertisement