શેરબજારની સ્ટેમ્પ ડયુટીની વસુલાત કેન્દ્ર હસ્તક: બ્રોકરોની ઝંઝટ દુર થશે

02 February 2019 11:39 AM
Business India
  • શેરબજારની સ્ટેમ્પ ડયુટીની વસુલાત કેન્દ્ર હસ્તક: બ્રોકરોની ઝંઝટ દુર થશે

Advertisement

નવી દિલ્હી તા.2
શેરબજારના વેપાર-સોદા પર વસુલાતી સ્ટેમ્પ ડયુટી પ્રક્રિયા સરળ અને સેન્ટ્રલાઈઝડ કરી દેવામાં આવી છે જેથી સેંકડો શેરબ્રોકરોને રાહત થશે.
કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં આ દરખાસ્ત કરવામાં આવી હતી જે અંતર્ગત શેરબજારના વેપાર પરની સ્ટેમ્પ ડયુટીની વસુલાત સંબંધીત સ્ટોક એકસચેંજો જ કરશે અને કેન્દ્ર સરકારમાં જમા કરાશે. ત્યારબાદ કેન્દ્ર સરકારે રાજયોને વ્હેંચણી કરશે. સ્ટેમ્પ ડયુટીના દર પણ એક સમાન કરવામાં આવ્યા છે.
પ્રવર્તમાન કાયદા હેઠળ શેરબ્રોકરો રાજય સરકારે નિયત કરતા દર મુજબ સ્ટેમ્પ ડયુટી વસુલે છે અને રાજય સરકારમાં જમા કરાવે છે.
કેન્દ્રના વચગાળાના બજેટમાં શેરબજારના સોદા પર સ્ટેમ્પ ડયુટી એક સમાન કરવા અને સેન્ટ્રલાઈઝ ધોરણે વસુલવાની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રવર્તમાન પ્રક્રિયામાં સ્ટેમ્પ ડયુટી વસુલવામાં અને વિવિધ રાજયોને ચુકવવામાં ઘણી ઝંઝટ થતી હતી તે દૂર થશે.
સ્ટોક એકસચેંજના પ્લેટફોર્મ પર થયા ન હોય તેવા સોદામાં પણ સ્ટેમ્પ ડયુટી વસુલવા ડીપોઝીટરોને દબાણ થાય છે. નવા નિયમથી તે ગુંચ પણ દૂર થશે.
અત્યારે જુદા-જુદા રાજયોમાં સ્ટેમ્પ ડયુટીના દર જુદા છે એટલે મોટા વેપાર કરનારા બ્રોકરો-ઈન્વેસ્ટરો સ્ટેમ્પ ડયુટીના નીચાદર ધરાવતા રાજયો મારફત વેપાર કરતા હતા તે પણ દુર થશે. દમણ અને ગોવા જેવા રાજયોએ સ્ટેમ્પ ડયુટી દર નીચા હતા એટલે અનેક બ્રેકીંગ હાઉસોએ ત્યાં ઓફીસો ખોલી નાખી હતી.
મહારાષ્ટ્રમાં ડીલીવરી બેઈઝડ સોદા પર 0.01 ટકા સ્ટેમ્પ ડયુટી છે. જે દમણમાં માત્ર 0.005 ટકા જ છે. એક સમાન સ્ટેમ્પ ડયુટી દરથી છટકબારી બંધ થશે. જો કે, કેન્દ્ર સરકારે હજુ નવા દર જાહેર કર્યા નથી છતાં મહારાષ્ટ્રના 0.01 ટકાના દરને અપનાવવામાં આવે તેવી શકયતા છે.


Advertisement