સ્વાઈન ફલુનો કાળોકેર 2018 માં આખા વર્ષના કેસ 2019 માં માત્ર એક માસમાં

01 February 2019 03:22 PM
Rajkot Health
  • 
સ્વાઈન ફલુનો કાળોકેર 2018 માં આખા વર્ષના કેસ 2019 માં માત્ર એક માસમાં

ગંભીર ચેપી રોગ પગદંડો જમાવે છે; ખાનગી તબીબોની ખાસ તકેદારી રાખવા સલાહ :સરકારી હોસ્પીટલના કેસોનો ચોંકાવનારો આંકડો, ખાનગી હોસ્પીટલના દર્દીઓ જુદા: આરોગ્ય તંત્ર હજુ ગંભીર ન હોવાની છાપ: રોજેરોજ નવા કેસો:ગુજરાતમાં સ્વાઈનફલુના કેસોની સૌથી વધુ વૃધ્ધિ વડોદરા અને ભાવનગરમાં ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 29; 200 થી વધુ દર્દી હજુ સારવાર હેઠળ

Advertisement

રાજકોટ તા.1
શિયાળાની ઋતુમાં ઠંડીની સાથે સ્વાઈન ફલુનો રોગચાળો પણ ચરમસીમાએ પહોંચતા સૌરાષ્ટ્રની સાથે રાજકોટ સિવીલ હોસ્પીટલના મૃત્યુ આંકમાં દિન પ્રતિદિન વૃધ્ધિ થવા પામી છે. જાન્યુઆરીમાં ફકત રાજકોટ સિવીલમાં 3 દર્દીઓ પોઝીટીવ સાથે નવ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ચુકયા છે. જીવલેણ સ્વાઈન ફલુના રોગચાળાને ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની તમામ મહેનતો એળે જતી હોય તેમ સ્વાઈન ફલુનો રોગચાળો મચક આપતો નથી. ભાવનગર, જુનાગઢ, જિલ્લામાં ખાસ કરીને સ્વાઈન ફલુના પોઝીટીવ કેસો અને મરણ આંકનો ગ્રાફ ઉંચો જોવા મળે છે.
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા,આણંદ, સુરત, ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર જીલ્લામાં સ્વાઈન ફલુના રોગચાળામાં અનેક દર્દીઓ સપડાયા છે.
રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ગત બે વર્ષના સ્વાઈન ફલુના આંકડા પર નજર માંડતા સન 2017 માં 233 પોઝીટીવ કેસો સાથે 89 દર્દીઓના મોત અને સન 2018 ના વર્ષમાં 38 પોઝીટીવ કેસો સાથે 24 દર્દીઓના મોત થયા હતા. જેની સરખામણીએ 2019 ના પ્રારંભીક જાન્યુઆરી માસમાં 33 પોઝીટીવ કેસો સાથે 8 દર્દીઓના મોત થયા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી માસમાં સ્વાઈન ફલુ રોગના દર્દીઓનો વધારો જોવા મળ્યો છે. આ આંકડા માત્ર રાજકોટ સિવીલ હોસ્પીટલના છે. ખાનગી હોસ્પીટલનાં દર્દીઓના આંકડા પણ ચિંતાજનક રહ્યા છે.
ગુજરાત લેવલે વડોદરા અને ભાવનગર શહેરમાં સ્વાઈન ફલુનો રોગચાળો બેફામ બન્યો છે.આ માસમાં 27 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ 334 દર્દીઓને જરૂરી સારવાર મળતા સાજા થયા છે. હજુ 298 દર્દીઓ સારવાર હેઠળ છે.
સૌરાષ્ટ્રભરની સાથે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં દરરોજ 3 થી 4 દર્દીઓ આઈશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ઘણા દર્દીઓના સેમ્પલના રિપોર્ટ આવે તે પહેલા મોતને ભેટી રહ્યા છે. આરોગ્ય વિભાગની તાકિદની સારવાર છતાં ચેપી રોગ ગણાતા સ્વાઈન ફલુ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે. દિન પ્રતિદિન સ્વાઈન ફલુ રોગચાળો બેકાબુ બની રહ્યો છે. રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ગત વર્ષે ટોટલ 38 દર્દીઓ પોઝીટીવ સાથે 14 મોત જેની સરખામણીએ વર્ષના પ્રારંભમાં જાન્યુઆરીમાં 38 પોઝીટીવ કેસો સાથે 9 દર્દીઓના મોત થયા છે. એક માસમાં ગત વર્ષનો રેકોર્ડ સર્જે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જાન્યુઆરી માસમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ પલટાતા અને ઠંડીનુ જોર વધતા સ્વાઈન ફલુના રોગને પાંખો આવી હોય તેમ વકરી રહ્યો છે અનેક દર્દીઓ સ્વાઈન ફલૂની ઝપટમાં આવી જતા સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં સારવાર લઈ રહ્યા છે. દર્દીઓ માટે સ્વાઈન ફલુ જીવલેણ બની રહ્યો છે.
સ્વાઈન ફલુનાં રોગચાળાને ફેલાતો અટકાવવા લોકોએ જાગૃતિ દાખવવી જોઈએ. સ્વાઈન ફલુ ચેપી રોગ હોવાથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેવા સંજોગોમાં આમ જનતાએ સાવધાન રહેવુ જરૂરી બન્યુ છે.
વાયરલ ઈન્ફેકશનથી બચવા ગરમ પાણીનું સેવન ફાયદાકારક : ડો.ચેતન લાલચેતા

હાલ શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ અવારનવાર વધઘટ થઈ રહ્યું છે.ઠંડીના લીધે સ્વાઈન ફલુનાં રોગચાળામાં વધારો જોવા મળે છે ત્યારે
આ ચેપી રોગ સ્વાઈન ફલૂથી બચવા વધારે પ્રમાણમાં પાણી પીવું સાથે ગરમ પાણી, લીકવીડનું સેવન ફાયદાકારક રહેશે તેમ ડો.ચેતનલાલ લાલચેતાએ જણાવ્યું છે.
તેઓએ વધુમાં જણાવેલ કે સ્વાઈન ફલુથી બચવા નાના બાળકો અને મોટી ઉંમરના વડીલોએ ખાસ કાળજી દાખવવી જોઈએ રોગ પ્રતિકારક શકિત સારી હશે તો વાયરલ ઈન્ફેકશનથી માત્રા જરૂર ઘટી શકે છે.
શરદી ઉધરસવાળા વ્યકિતઓએ મોઢા પર
માસ્ક પહેરવુ જોઈએ: ડો.પિયુષ ઉનડકટ
સ્વાઈન ફલુના રોગચાળાને અટકાવવા જન સમુદાયે પણ તકેદારી દાખવવી જોઈએ. આ જીવલેણ રોગને ફેલાતો અટકાવવા તાવ, શરદી, ઉધરસવાળા દર્દીઓએ માસ્ક પહેરવુ જોઈએ જેના કારણે અન્યને ચેપ ન લાગે તેમ જાણીતા ડો.પિયુષ ઉનડકટે જણાવ્યું હતું.
ડો.પિયુષ ઉનડકટે વધુમાં જણાવેલ કે શરદી-ઉધરસવાળા દર્દીઓએ છીંક આવે ત્યારે મોઢે રૂમાલ અવશ્ય આડો રાખવો જોઈએ.સામાન્ય શરદીમાં ઘરગથ્થુ ઉપચારને બદલે તુરત જ તબીબ પાસે નિદાન કરાવી, દવાનો કોર્ષ કરવો જોઈએ. જેના લીધે સ્વાઈન ફલુથી બચી શકાશે. ઠંડી ઋતુમાં સ્વાઈન ફલુ વધુ ફેલાય છે માટે સૌ કોઈએ ઠંડા ખોરાક, પીણા, આઈસ્ક્રીમથી દુર રહેવુ જોઈએ શરીરની રોગ પ્રતિકારક શકિત જાળવી રાખવી.
ગળાના દુ:ખાવા અને લાલાસને સામાન્ય ન
ગણવી સ્વાઈન ફલુ હોઈ શકે:ડો.હાપાણી
મોટાભાગના દર્દીઓ ગળામાં દુ:ખાવો અને લાલાસની ગંભીરતાને સામાન્ય ગણી ઘરગથ્થુ ઉપચાર શરૂ કરે છે.બાદમાં સ્વાઈન ફલુના રોગચાળામાં સપડાય છે માટે આવા લક્ષણો ધરાવતા દર્દીઓએ તુરત જ ખાનગી અથવા સરકારી દવાખાનામાં નિદાન-સારવાર મેળવે તો સ્વાઈન ફલુ સામે મહામુલી જીંદગી બચાવી શકાય છે તેમ જાણીતા ડો.અમીત હપાણીએ જણાવ્યું હતું. ડો.અમીત હપાણીનાં જણાવ્યા પ્રમાણે શકય હોય તો વ્યકિતએ ભીડભાડવાળી જગ્યાઓથી દુર રહેવુ અને વારંવાર સાબુથી હાથને ધોઈને સ્વચ્છ રાખવા,ખાસ કરીને સગર્ભા મહિલાઓ, કિડની, કેન્સરના દર્દીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ. રોગ પ્રતિકારક શકિત જળવાઈ રહે તેવો ખોરાક લેવો, પુરતી ઉંઘ કરવી જોઈએ. જેમને શરદી-ઉધરસ આવતી હોય તેમણે ઘરમાં જ રહેવુ ઠંડા પવનથી બચવુ, મોઢા પર રૂમાલ અથવા માસ્ક પહેરવો જોઈએ. જેના પરીણામે અન્ય વ્યકિતઓને શરીરના ચેપથી બચાવી શકાય.
હાથ મીલાવવાને બદલે નમસ્કાર કરો તો વાયરલ
ઈન્ફેકશનથી બચી શકાય: ડો.ભાવેશ સચદે
વર્તમાન સમયમાં ઠંડીની સાથે વાયરલ ઈન્ફેકશન લાગવાના કારણે તાવ, શરદી, ઉધરસ અને સ્વાઈન ફલુનાં રોગચાળાનાં પ્રમાણ જરૂર વધ્યા છે. પરંતુ આ રોગચાળાથી બચવા માટે તકેદારી રાખવી આવશ્યક છે તેમ ડો.ભાવેશ સચદેએ
જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવેલ કે સ્વાઈન ફલુથી બચવા હાથ મીલાવવાનું ટાળી નમસ્કાર કરવા, ગરમ ખોરાક લેવો, વધુ પાણી પીવુ વારંવાર સાબુથી હાથ ધોઈને સ્વચ્છ રાખવા તાવ કે નબળાઈ જણાય તો તુરત જ એન્ટી બાયોટીકનો કોર્ષ કરવો. શરીરની રોગ પ્રતિકારક શકિત જાળવી રાખવી. તાવ, શરદી, ઉધરસનાં લક્ષણો જણાય તો તુરત જ તબીબ પાસે નિદાન સારવાર લેવાથી સ્વાઈન ફલુથી બચી શકાય છે.
વાતાવરણમાં અવારનવાર ચેન્જીસ થતા
વાયરલ ઈન્ફેકશનમાં વધારો: ડો.હિરેન કોઠારી
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ મહાનગરની સિવીલ હોસ્પીટલમાં સ્વાઈન ફલુના કેસોમાં વધારા સાથે ખાનગી હોસ્પીટલોમાં આ પ્રકારના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. આ બાબતે રાજકોટના જાણીતા તબીબ ડો.હિરેન કોઠારીએ સાંજ સમાચાર સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં અવારનવાર વાતાવરણમાં ફેરફારો થતાં સ્વાઈન ફલુનો ચેપ લાગવાનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે જાહેર સ્થળોએ એકઠી થતી ભીડ ન થાય તેની તકેદારી રાખવી આવશ્યક છે. શરદી, તાવ,ઉધરસનાં પ્રારંભીક તબકકામાં તુરત જ કાળજી દાખવી નજીક સરકારી કે ખાનગી હોસ્પીટલોમાં તબીબ પાસે નિદાન-સારવાર લેવામાં આવે તો દર્દીઓ સ્વાઈન ફલુથી જરૂર બચી શકે.


Advertisement