કોણ સદ્દ્ગુરુ? એમની ઓળખ શું?


Advertisement

ભગવાન બુદ્ધના કાળની આ એક કથા છે. એક સ્ત્રી એક વખત કોઈ જગ્યાએ જઈ રહી હતી. એવામાં થોડા દારૂ પીધેલા લોકોની નજર તેના પર પડી અને તે ગુંડા જેવા લોકો તેની પાછળ પડ્યા. તેનાથી બચવા તે ભાગતી ભાગતી એક સુમસામ એવા જંગલમાં પહોચી જાય છે. યોગાનુયોગ કે એ જ જંગલમાં એક ગુફામાં ભગવાન બુદ્ધ પણ ધ્યાનમાં બેઠા હતા. આ ગુંડાઓ એ વાતથી અજાણ હતા અને પેલી નિ:સહાય સ્ત્રીના વસ્ત્રો ખેંચવા લાગ્યા. તેને લગભગ નિવસ્ત્ર કરી નાખી. ખૂબ પીડા આપતા હતા. પરંતુ જેમ તેમ કરીને પેલી સ્ત્રીએ આ ગુંડાઓનો સામનો કર્યો અને ત્યાંથી ભાગી. આ બધા ખૂબ પીધેલા હતા તેથી હિંમતભેર પેલી સ્ત્રીએ એ બધાનો સામનો કર્યો,ધક્કો મારી ને ભાગી છૂટી. બચી ગઈ.
આ તરફ આ ઘટનાને કલાક-દોઢ કલાક થયો હશે એવામાં પેલા પુરુષોનો દારૂનો નશો ઊતરી ગયો. થોડું ભાન આવ્યું એટલે તેઓ પેલી સ્ત્રીને શોધવા લાગ્યા. આપણે પેલી સ્ત્રીને પકડીને લાવ્યા હતા તે ક્યાં? ભાગી ગઈ કે શું? એમ શોધતા-શોધતા જ્યાં ભગવાન બુદ્ધ ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા હતાં ત્યાં પહોંચ્યા. એમણે ભગવાનને પૂછ્યું કે શું અહીં કોઈ સ્ત્રીને તમે જોઈ છે? થોડી વાર પહેલાં અહીંથી કોઈ સ્ત્રી પસાર થઈ હતી ? ભગવાન બુદ્ધે કહ્યું કે હા,અહીંથી કોઈ ગયું છે જરૂર પણ એ સ્ત્રી હતી કે પુરુષ તેનો મને ખ્યાલ નથી ! પેલા ગુંડા જેવા માણસો કહે કે અરે,કેવી જાતના માણસ છો તમે? પુરુષ છે કે સ્ત્રી તેનો પણ તમને ખ્યાલ નથી આવતો? બુદ્ધ બોલ્યા: ‘કોઈ અહીંથી ગયું છે જરૂર પણ મારી ચેતના,મારી પ્રજ્ઞા હવે એવા સ્તરે પહોંચી છે કે કોઈ સ્ત્રી છે કે પુરુષ તેની મને ખબર નથી રહેતી. મારામાં હવે એવો ભેદ નથી રહેતો કે આ પુરુષ છે કે નારી.’ જેમ શુકદેવજી પનઘટ પરથી નીકળે ને પાણી ભરતી,કપડાં ધોતી,સ્નાન કરતી સ્ત્રીઓ એમ જ કર્યા કરે,કારણ એમને ખબર છે કે શુકદેવજીને કંઈ ભાન જ નથી,હજી વ્યાસ આવે તો કપડાં બધાં ઢાંકી દે,સરખાં કરી દે; એ કથા આપણે ત્યાં છે. પણ શુકદેવજી માટે આવું ન કરે. આ એક નિર્દોષ ચેતના છે,એક એવી ચેતના છે જેનું ત્રીજું લોચન જેનું ઊઘડી ગયું છે. બુદ્ધનો જવાબ બહુ માર્ગદર્શક હતો.
બાપ,આ વાત મેં કાશીમાં કરી ત્યારે મારી સામે એક પંડિતે પ્રશ્ન કર્યો કે આપની વાત મને ગમી. પણ બુદ્ધની આવી જાગૃતિ એક નારીની રક્ષા કરવામાં ફેઈલ ગઈ છે એમ નથી લાગતું? તેમણે તો તર્ક બહુ સુંદર કર્યો. એ અબળાનો શું દોષ? સાધુતા તો એમ કહે છે કે એમણે એ સ્ત્રીને બચાવવી જોઈએ. ત્યાં તો સમય ન મળ્યો પણ હવે અહીંની કથામાં જવાબ આપું.
મારાં યુવાન ભાઈ-બહેનો,કોણ સદ્દ્ગુરુ? જે ઇશનું ચિંતન કરે અને શિષ્યની ચિંતા કરે તે સદ્દ્ગુરુ. જેની પ્રજ્ઞા આટલી ઊંચે ગઈ હોય તેણે કોઈના શરીરની રક્ષા કરવા દોડવું ન પડે,તેની ત્રીજી આંખ જ એનું રક્ષણ કરે. નહીતર ગુરુ ક્યાં ક્યાં ભાગે તમારી પાછળ? એની ચેતના તમારું કવચ બને,બાપ ! એનું ભજન તમારું રક્ષણ કરે. નહિતર તો બત્રીસ સાલમાં શંકરાચાર્ય મહારાજે લીલા પૂરી કરી નાખી હતી અને છતાં આજે પણ મારું ને તમારું રક્ષણ કરે છે.
पुनरपि जननं पुनरपि मरणं |
पुनरपि जननी जठरे शयनम् ||
इह संसारे बहुदुस्तारे |
कृपयाऽपारे पाहि मुरारे ||
જ્યાં હું ને તમે જીવન હારીએ ત્યાં એમનું એક સૂત્ર મદદ કરે. भज गोविंदम्... નાનકનો એક શબદ મને ને તમને જાગૃત કરી દે...
नानक भगता सदा विधासू |
सुनिये दुःख पापका नासू ||
નરસિંહ મેહતાનું એક પદ,મીરાનું એક ભજન,આ બધાં મને ને તમને ઉભાં કરનારાં સાધનો છે. કબીરની એક સાખી,દોહો યાદ કરીએ. એક શબ્દ મને ને તમને બેઠાં કરી દે. મહાવીરનું એક કોઈ મહા-વાક્ય મને ને તમને તારવા માટે પ્રયાપ્ત બને તો બુદ્ધનું એક વેણ,મને ને તમને તારી દે,કૃતકૃત્ય કરી દે. પયગંબરની કોઈ આયાત માણસને બેઠો કરી દે. ધર્મની જાગૃતિ નિર્માણ કરી દે. આપણી પાછળ પાછળ બધી ચેતનાઓ ફરતી હોય છે. ભાઈ સદ્દ્ગુરુ તો માછીમાર જેવો હોય છે. નદીને કિનારેથી માછલાં પકડે,મોટી જાળ નાંખે આમ ને પછી અંદર પકડી લે. એમાંથી જે માછલાં મજબૂત રહી જાળમાં પકડાઈ જાય,એને લઈ જાય,બાકી ઘણા નીકળી જાય,એ રહી જાય. કોઈવાર બુદ્ધે જાળ ફેંકી,મહાવીરે ફેંકી,ક્યારેક અવતારોએ તો ક્યારેક આચાર્યોએ. એમ શંકરાચાર્ય અને આ મહાપુરુષે તો જાળ નાંખેલી,આપણે ખબર નહીં,આપણે તેમાં ટક્યા નહીં, જન્મોજન્મથી જાળમાંથી નીકળતા જ રહ્યા. આટલા આટલા આચાર્યોએ શબ્દોની,અનુભૂતિની,અજવાળાની અને પ્રજ્ઞાની જાળ ફેંકી પણ આપણે જીવ એટલે કેમ પકડાઈએ ? કોઈ આચાર્યની જાળમાં પકડાઈ જાવ જેથી કરીને મુક્તિનું દ્વાર બને. એ મુક્તિનો એક મારગ બને. મને ને તમને ધન્ય કરી દેશે. કોઈ સદ્દ્ગુરુની જાળમાં જો ફસાઈ ગયાં હોઈએ તો ઉદ્ધાર થાય. જે પોતાના શિષ્યની ચિંતા કરતો હશે અને ઈશ્વરનું ચિંતન કરતો હશે અને એ બે ની વચમાં બેઠો હશે તે સદ્દ્ગુરુ. બાપ,એક તાર પ્રભુ સાથે જોડે અને એક તાર તમારી સાથે જોડે તેનું નામ સદ્દ્ગુરુ. માથું આપવાથી પણ જો મળે તો આનંદ કરજો કે સસ્તામાં સોદો થઈ ગયો છે. સદ્દ્ગુરુ અમૃતની ખાણ છે અને તુલસીદાસજી આ જગતને ભવપ્રવાહ કહે છે.
સંકલન : જયદેવ માંકડ
(માનસ-નર્મદે હર,સિસોદરા-૧૯૯૬)

Advertisement