જો કોઇ વસ્તુને તમે ખરા દિલથી ચાહો તો ...


Advertisement

અગર કિસી ચીઝ કો દિલ સે ચાહો તો સારી કાયનાત ઉસે તુમ સે મિલાને મેં લગ જાતી હૈ. આ જમરૂખના ગણ્યાગાંઠ્યા જાણીતા ડાયલોગ પૈકીનો એક ડાયલોગ છે. પણ હકીકત કૈંક જુદી છે.
એના બાપા એને ક્યાંક બીજે પરણાવી દે છે. કોક એનારાઈ જોડે કે પછી એમની જ્ઞાતિમાં.
જો કોઈ મોબાઈલ તમને ખુબ ગમતો હોય,
તો એનું નવું, તમને ના પોસાય એવું મોડલ બજારમાં આવી જાય છે.
જો કોઈ વસ્તુને તમે ખરા દિલથી ચાહો તો,
એ છોડી દેવા તમારી ગર્લફ્રેન્ડ પ્રતિજ્ઞા લેવડાવે છે.
જો કોઈ પિક્ચર તમને ખુબ ગમતું હોય તો,
ટીવી પર એ રોજ ચાર જુદી જુદી ચેનલ પર જોવા મળે છે અને એક જ અઠવાડિયામાં તમે એનાથી કંટાળી જાવ છો.
જો કોઈ ખાવાની વસ્તુ તમને ખુબ ભાવતી હોય તો,
ઘરમાં એ બનવાની બંધ થઈ જાય છે. અને એ કેમ નથી બનતી? એના તમારા ગળે ના ઉતરે એવા ટેકનીકલ કારણો આપવામાં આવે છે.
જો કોઈ હિરોઈન તમને ખુબ ગમતી હોય તો,
એ તમારી પત્નીને નથી ગમતી, અને એનું ગીત કે પિક્ચર આવે એટલે એ ચેનલ બદલી નાખે છે.
કોઈ હીરો તમારી પત્નીને ખુબ ગમતો હોય તો,
હરીફરીને એના જ પિકચરો ઉપર એ અટકે છે. સ્વાભાવિક છે કે એ હીરો તમને દીઠો નથી ગમતો.

જો કોઈ વસ્તુને તમે ખરા દિલથી ચાહો તો,
એના ભાવ વધી જાય છે.
જો કોઈ પેન તમને ખુબ ગમતી હોય તો,
એ ભૂલમાં ખુલ્લી ખિસ્સામાં મુકાઈ જાય છે અને તમને ખુબ ગમતા શર્ટને બગાડે છે.
જો કોઈ નેતા તમને ખુબ ગમતો હોય તો,
એ બફાટ કરતો હોય એવા વાઈરલ વિડીયો વારંવાર લોકો તમને ફોરવર્ડ કરે છે.
જો કોઈ છોકરીને તમે ખરા દિલથી ચાહો તો,
તમારી પત્નીને ખબર પડી જાય છે!
જો કોઈ વસ્તુને તમે ખરા દિલથી ચાહો તો,
સરકાર એના ઉપર ટેક્સ કે ડ્યુટી વધારી દે છે.
જો કોઈ વસ્તુને તમે વિદેશથી મંગાવી હોય તો,
એ આવી જાય એના અઠવાડિયામાં જ ઇન્ડીયામાં એનાથી પણ સસ્તી મળવા લાગે છે.
જે પ્રવાસના સ્થળે તમે ખરા દિલથી જવા માંગો છો,
ત્યાં તમે પહોંચો ત્યારે ત્યાં પહેલેથી સવાસો ઇન્ડીયન અને દોઢસો ગુજરાતીઓ કલબલાટ કરતા જોવા મળે છે.
જો કોઈ સ્ત્રીને તમે ખરા દિલથી ચાહો,
તો એના પતિને એ નથી ગમતું.

જો કોઈ સાડી કે ડ્રેસને તમે ખરા દિલથી ચાહો છો તો,
એવી જ સાડી કે ડ્રેસ તમારી કટ્ટર સહેલી તમારાથી પહેલા ખરીદી લાવે છે.
જો કોઈ સીરીયલ તમને ખુબ ગમતી હોય તો,
એ બંધ થઈ જાય છે. પણ ન ગમતી સિરિયલ ૫૦૦ એપિસોડ પછી પણ બંધ થવાનું નામ નથી લેતી.
આનું જ નામ જિંદગી છે દોસ્ત !
એક્સ્ટ્રા કવર ડ્રાઈવ
નવી કહેવત: ચાવાળા કરતા કીટલીવાળા વધારે ગરમ

Advertisement