આત્મીય અભિગમથી સુખ અને સમૃદ્ધિનો વ્યાપ વ્યકિતથી વિશ્ર્વ સુધી વિસ્તરી શકે


આત્મીયતામાં હકાર કે નકારની નહિ, સ્વીકારની વાત આવે, સુખને કેન્દ્રગામીને બદલે કેન્દ્ર ત્યાગ બનાવવાની વાત છે, અન્યને સુખી કરીને ધન્ય થવાની વાત છે : મનુષ્ય માટે શું મૂલ્યવાન છે ? તે ટેકનોલોજી નકકી ન કરી શકે, મૂલ્યનિષ્ઠ શિક્ષણ તો જ સર્વ સ્વીકૃત બની શકે જો એ વૈશ્ર્વિક હોય

આદિ શંકરાચાર્યજીએ ‘નિર્વાણાષ્ટકમ્’માં કહ્યું છે કે મારામાં રાગદ્વેષ નથી, લોભ અને મોહ નથી, અભિમાન  કે ઇર્ષ્યાનો ભાવ નથી, ધર્મ, અર્થ, કામ, મોક્ષ નથી, હું ચિત્તનો આનંદ છું; શિવરૂપ છુ

ક ભિક્ષુક હતો. મંદિરની બહાર પડેલાં લાકડાંના બોક્સ પર બેસીને ભીખ માંગે. એકવાર કોઈ યુવાન ત્યાં આવ્યો. તેણે ભિક્ષુકને પુછયું, ‘તમે જેની પર બેસીને ભીખ માંગો છો, એ બોક્સમાં શું છે?’
‘હું વર્ષોથી અહીં બેસીને ભીખ માંગું છું. પણ બોક્સમાં શું છે તે ખબર નથી. ક્યારેય જોયું નથી.’ - ભિક્ષુકે જવાબ આપ્યો.
પેલા યુવાને આગ્રહ કર્યો, ‘ચાલો, આપણે જોઈએં તો ખરા આ બોક્સમાં શું છે?’
ભિક્ષુકે કહ્યું, ‘ જો ભાઈ, આ બોક્સમાં શું છે ? એ જાણવાની મને ઈચ્છા નથી. તને ઈચ્છા હોય તો એકાદ કલાક પછી આવ. અત્યારે મંદિરમાં દર્શન ખુલ્લાં છે એટલે તું જુએ છે ને, ભક્તોની ભીડ છે... લોકો માંગ્યા વગર ભિક્ષા આપી રહ્યાં છે...મારે ખોટી થવું નથી.’
યુવાન તો થોડે દૂર જઈને ઉભો રહ્યો. ભિક્ષુક નવરો થયો એટલે ફરી તેણે પેલા બોક્સમાં શું છે ? તે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી.
ભિક્ષુક અનિચ્છાએ ઉભો થયો. વર્ષોથી બંધ રહેલું એ બોક્સ બન્નેએ સાથે મળીને ખોલ્યું. ખુલેલું બોક્સ જોઇને બન્ને આર્શ્ર્ચચકિત રહી ગયા! આખું બોક્સ સોનાની ઇંટોથી ભરેલું હતું!
આ ઘટના ભલે એક દ્રષ્ટાંત હશે. પણ, સમાજની વાસ્તવિકતાને વ્યક્ત તો કરે જ છે.પરિવારના સંદર્ભમાં આ દ્રષ્ટાંત સમજીએં તો ઈશ્વર દરેક બાળકને સંભાવનાના સુવર્ણની સમૃધ્ધિથી સભર કરીને મોકલે છે. પેલા ભિક્ષુકની જેમ અજાણ રહી જઈએં છીએં. અન્યના બાળકની જેવી અને જેટલી સફળતા આપણા સંતાનમાં શોધતા રહીએં છીએં. ઈશ્વર દરેક બાળકને ‘યુનિક’ બનાવે છે અને આપણે તેને ‘કોમન’ બનાવવા મથ્યા કરીએં છીએં!
‘અમે તો મુશ્કેલી ભોગવી, બાળકોને નથી ભોગવવા દેવી ...’ એવું વિચારીને જાણે-અજાણે આપણે સંપતિને સફળતાની પારાશીશી ગણવાની ભૂલ કરી. પરિણામે, ધનપ્રાપ્તિના સઘન પ્રયાસોમાં પ્રવૃત્ત થઇ ગયા અને આપણને અનુસરતાં બાળકમાં એ ઘેલછાની પ્રતિષ્ઠા કરી બેઠા. બાળકને શેમાં રસ છે ? તે જાણવાની પરવા કર્યાવગર તેનો કસ કાઢવા માંડયા ! પોતાનું બાળક ડોક્ટર, એન્જીનીયર કે ઉદ્યોગકાર બને એ જ સફળતા કહેવાય એવી માન્યતા ઘર કરી ગઈ.
સંયુક્ત પરિવારની ભાવના લુપ્ત થવા લાગી તેને કારણે દાદા-દાદી-ફઈ કે નાના-નાની-માસીની દ્રષ્ટિમાં ઉછરતાં બાળકોમાં જીવનમૂલ્યો આપોઆપ વણાઈ જતાં તે ન રહ્યું. નજીકના સગાં કે મિત્ર પરિવારો સાથે કેવો સંબંધ હોય ? તેથી બાળક અજાણ રહેવા માંડયું. બાળકના વયસહજ વ્યવહારો/ ફેરફારોમાં કેવું વલણ અપનાવવું ? તે સંયુક્ત પરિવારમાં સહેજે અભિપ્રેત રહેતું. જે હવે શક્ય નથી હોતું. રોકટોક વગર બાળકો પણ ટેલીવિઝન, ફિલ્મો અને સોશિયલ મીડિયાના વિવેકહિન ઉપયોગને કારણે જાણેઅજાણે કાલ્પનિક હરીફાઈ, વ્યસનો, ખોટી માન્યતાઓ અને વિચારશૈલીનો ભોગ બને છે.
સંપૂર્ણ ભોજન મળે તો જ શરીરને પોષણ મળે. કોઈ એક જ વસ્તુ જમ્યા કરીએં તો શરીરને પોષક તત્વો ન મળે અને માંદા પડાય. સમાજનું પણ એવું જ છે. એમાં જેટલી ડોક્ટરની જરૂર છે એટલી જ પ્લમ્બરની જરૂર છે. એન્જીનીયરની જરૂર છે એટલી જ કલાકારની જરૂર છે. શિક્ષણનું સ્તર કથળ્યું છે તેનું એક કારણ સંપતિસર્જનને સફળતા ગણવાનીભૂલને ગણાવી શકાય.
શિક્ષણનું વ્યાપારીકરણ,ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ, વાલીઓના આગ્રહ, સરકારની નીતિઓ, શિક્ષકોનાં સ્તર, શિક્ષણ વ્યવસ્થા વગેરે બાબતો સમાજમાં અવારનવાર ચર્ચાની એરણ પર ચડતી રહે છે. દરેક ઘટકને પોતાની માન્યતા અને તર્ક હોય છે. પણ, તેના મૂળમાં સંતાનના હૈયાંમાં રહેલા ખજાના સુધી પહોંચવાનું ચુકી જવાયું તે છે.
પહેલાંના સમયમાં સાધનો ટાંચા હતા. પણ, શિક્ષકો સાચા હતા. ‘ગુગલ’ની મદદ વગર તેમણે મેળવેલ જ્ઞાનનાં‘બ્યુગલ’ના સૂર વિદ્યાર્થીના જીવનને સૂરીલું બનાવતા. સ્વીકારવી પડે તેવી હકીકત એ છે કે અત્યારે પોતાની પસંદગીથી નહીં, બીજે ક્યાંય તક ન મળી એટલે મજબુરીથી શિક્ષક બન્યા હોય તેવા લોકોની બહુમતી છે! જીવનનિર્માણ માટે નહીં, જીવનનિર્વાહ માટે શિક્ષક બન્યા હોય તેની પાસેથી ‘5ૂ,ઈં ટઋરુણ હૠઉઋ‘6 ઞખગ ઉથિ 5,ઝિ ઈરુથ દૃ’ની આશા રાખવી વ્યર્થ છે.
શિક્ષણનું કે શિક્ષકનું સ્તર કથળ્યું તેની સામુહિક જવાબદારી સહુએ સ્વીકારવી જ પડે તેમ છે. શિક્ષકની મહત્તા સ્વીકારવાનું સહુ ચુક્યા. સરકારે તેમને શિક્ષણકાર્યના ભોગે વસ્તી ગણતરી અને મતદારયાદીનાં કામ સોંપ્યા. તો વાલીઓએ પોતાનાં સંતાનને બીજાથી આગળ રાખવા ટયુશનનાં કમિશનની લાલચ આપી. શૈક્ષણિક અભિગમ સાથે વ્યાપારી બુધ્ધિ ધરાવતા લોકોએ સારા શિક્ષકોની સાખને સાધન બનાવી લીધું. આથી પોતાનાં જ્ઞાનને વહેંચતા શિક્ષકોએ માહિતી વેંચીને સંપતિ સર્જવા માટે દોટ મૂકી. ને પછી તો અન્ય માટે મહેનત કરતા શિક્ષકોએ પોતે જ શૈક્ષણિક સંસ્થાઓનાં નિર્માણ કર્યા. શિક્ષણના કેન્દ્રમાં રહેલો વિદ્યાર્થી પરિઘ પર પહોંચી ગયો તેની કોઈને ખબર જ રહી નહીં !


બાળક થોડું સમજણું થાય તે પહેલાં જ તેને શેમાં રૂચી છે? તે જાણવાની દરકાર કર્યા વગર જ સંગીત, નૃત્ય, ડ્રોઈંગ, ક્રાફ્ટ, સ્વીમીંગ,સ્કેટિંગ, કોમ્પ્યુટર ક્લાસ જેવી જુદી જુદી કેટલીયે પ્રવૃત્તિમાં જોતરી દેવામાં આવે. શ્ર્વાસ ખાવા નવરું ન થતું બાળક જીવનનો પ્રાસ મેળવવાનું ચુકી જાય ! શાળા પાસે વાલીઓ એવો જ આગ્રહ રાખે. સ્કુલમાં શિક્ષણ કેવું છે? તે નહીં, ઈતર પ્રવૃત્તિઓ કેવી અને કેટલી કરાવવામાં આવે છે? તેને આધારે એડમિશન મેળવવાનું નક્કી થાય છે. સંચાલકે મોટું રોકાણ કરેલું હોય એટલે વિદ્યાર્થીને નહીં, વાલીને આકર્ષવા માટે આખુંય વર્ષ અવનવી પ્રવૃત્તિઓ કરવી-કરાવવી પડે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ફિલ્મ સ્ટાઈલની મંચ સજ્જા કરવી પડે. બીજી સંસ્થા કરતાં પોતાની સંસ્થા ચડિયાતી છે તે દર્શાવવા વિવિધ ઉપાયો અજમાવાતા રહે છે. આ બધાંની પાછળ થતો ખર્ચ તો સ્વાભાવિકપણે ફીના ઊંચા દરોમાં જ વ્યક્ત થવાનો ને !
ભૂતકાળમાં એવું બનતું કે મોટેભાગે શિક્ષકે જે સંસ્થામાં કારકિર્દીની શરૂઆત કરી હોય તે જ સંસ્થામાં તેની કારકિર્દી પૂરી થતી. વિદ્યાર્થીઓના જીવનમાં એ શિક્ષકનાં વિચાર-વાણી-વર્તન-શિક્ષણની અસર અમીટ રહેતી. એ શિક્ષકોને પોતાની પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓનાં નામ વર્ષવાર યાદ હોય. એટલું જ નહીં એ શિક્ષકોને યાદ કરતાં વિદ્યાર્થીઓ અનેરી કૃતજ્ઞતા અનુભવે.
આ માત્ર શિક્ષણક્ષેત્રની જ સમસ્યા નથી. દરેક ક્ષેત્રની આવી જ સ્થિતિ છે. ખેડૂત દ્વારા વધુ અને વહેલો પાક મેળવવા અપનાવતા અનૈતિક ઉપાયો કે ડોક્ટર દ્વારા દર્દીઓ સાથે થતો અમાનવીય વ્યવહાર, દહેજને કારણે પુત્રવધુને અપાતો ત્રાસ, બિલ્ડર દ્વારા થતાં નબળાં બાંધકામ, વેપારીઓ દ્વારા થતી છેતરપીંડી, સરકારી અધિકારી દ્વારા થતી અનૈતિક કમાણી, લોકશાહીની સંસ્થાઓની ચુંટણીમાં અપનાવાતી અનૈતિકતા જેવા કેટલાયે સમાચારો પ્રસાર માધ્યમો દ્વારા આપણા સુધી પહોંચે જ છે ને.
આ બધાના મૂળમાં ‘સેન્સેક્સ’ના વધઘટની ચિંતા કરતા લોકોને ‘હ્યુમનસેન્સ’માં થયેલા-થઇ રહેલા ઘટાડાની દરકાર નથી રહી તે છે. કવિ વેણીભાઈ પુરોહિતના શબ્દોમાં કહીએં તો , ...સહુસૂતા હોય એમ કાં લાગે ? આપણામાંથી કોક તો જાગે! જાગવાનો સમય આવી ગયો છે. ઈશ્વરે બાળકના હૈયાંમાં મુકેલા સારપના ખજાનાને સહુના હિતમાં વાપરવાનો સમય આવી ગયો છે. પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના મતે દરેક સમસ્યાનો અનિવાર્ય ઉકેલ છે - આત્મીયતા! આ આત્મીયતાની યાત્રા ‘સ્વ’થી શરૂ થઈને વિશ્ર્વ સુધી વિસ્તરે છે! આત્મીયતામાં હકાર કે નકારની નહીં, સ્વીકારની વાત આવે. સુખને કેન્દ્રગામીને બદલે કેન્દ્રત્યાગી બનાવવાની વાત છે! અન્યને સુખી કરીને ધન્ય થવાની વાત છે! આ ‘આત્મીય અભિગમ’થી સુખ અને સમૃધ્ધિનો વ્યાપ વ્યક્તિથી વિશ્ર્વ સુધી વિસ્તરી શકે!
શિક્ષણની સાથે સંસ્કારનો સમન્વય આ અભિગમ વિકસાવવાનો ઉત્તમ ઉપાય છે. વૈશ્ર્વિક માનવીય મૂલ્યોનો પધ્ધતિસરનો અભ્યાસ એ દિશામાં મહત્વનું અને અનિવાર્ય કદમ છે. તેના દ્વારા વિદ્યાર્થીઓને ‘જાતની જાત્રા’- આત્મનિરીક્ષણ માટે કેળવીને તેમના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નીતિમત્તાની પ્રતિષ્ઠા કરી શકાય છે. કૌશલ્ય પ્રાપ્તિની હરિફાઈ, સ્વકેન્દ્રિત વલણ અને ઉપભોક્તાવાદને કારણે વિદ્યાર્થીનાં જીવનનું સત્વ સરી ન જવું જોઈએં. આંતરિક શાંતિ, સમૃધ્ધિ અને સંવાદિતા જીવનની સાર્થકતા માટે પાયાની જરૂરિયાત છે તેવી સમજ વિકસે તેમજ કોઈપણ ક્ષેત્રના સફળ વ્યવસાયી બનવાની સાથે સારો મનુષ્ય બને તે આ અભ્યાસનો ઉદ્દેશ છે. મનુષ્ય માટે શું મૂલ્યવાન છે? તે ટેકનોલોજી નક્કી ન કરી શકે. મૂલ્યનિષ્ઠશિક્ષણ તો જ સર્વસ્વીકૃત બની શકે જો એ વૈશ્વિક હોય. એટલે કે જે શીખવવામાં આવે તે મનુષ્યમાત્રને લાગુ પડે અને સર્વકાલીન સત્ય હોય. જાતિભેદ, ધર્મ-સંપ્રદાય અને રાષ્ટ્રીયતાથી ઉપર હોય. સાથેસાથે તે તર્કસંગત અને અંધશ્રધ્ધામુક્ત હોય. અનુભવની એરણે સાબિત થઇ શકે અને માનવ-માનવ કે માનવ-પ્રકૃતિ વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વની ભાવના પ્રેરનાર હોય.
વિદ્યાર્થીઓ ઉપર સૌથી અસરકારક પરિબળ હોય તો તે છે પરિવારમાં સંવાદિતા. એ માટે પરિવારના દરેક સભ્યોનો પરસ્પર વિશ્ર્વાસ અને સ્વીકાર હોય, ધર્મ અને ભક્તિના સંસ્કાર હોય તેમજ સાદગી અને સરળતા હોય તે જરૂરી છે. એ વર્ધમાન રહે તે માટે પરિવાર રાત્રિભોજન સાથે લેવાનું રાખે. આખા દિવસ દરમિયાન થયેલા અનુભવ શે’ર કરે. સારાં પુસ્તકોનું વાંચન થાય. ભક્તિની બે વાતો થાય. બાળકોની સામે કોઈ બાબતે ઉગ્ર ચર્ચા કરવાનું ટાળીએ. તેમની સમસ્યાને સમજીને ઉકેલ માટે પ્રયત્ન કરીએં. ટેલીવિઝન અને સોશિયલ મીડિયાથી બ્રેક લઈએ. બાળકને કુદરત સાથે સમય વિતાવવાની ટીકે આપીએ. ક્યારેક આકાશદર્શન કરાવીએ. થોડીક અસુવિધા સાથે રહેવાની આદત કેળવીએ.
કહેવત છે ને કે, એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. તેમાં એક હાસ્ય કલાકાર ઉમેરો કરતાં કહે છે - હાથમાં મોબાઈલ ન હોય તો!’ ઘણા પરિવારની એ પરિસ્થિતિ છે કે ઘરની ચાર વ્યક્તિ એક જ રૂમમાં બેઠાં હોય પણ, હાથ અને દ્રષ્ટિ મોબાઈલ પર હોય. સારા -માઠા સમાચાર કે સારી બાબતો મોબાઈલ પર ફોરવર્ડ કરીને જ શે’ર કરતાં હોય. પારિવારિક અને વ્યક્તિગત ગુણવત્તા માટે આ જોખમકારક અભિગમ છે. જે નિવારવો જ રહ્યો.
આ પ્રકારે થતા બહુઆયામી ઉપાયથી વ્યક્તિગત જીવનની ગુણવત્તા સુધરશે તો સમાજ, રાષ્ટ્ર અને વિશ્ર્વનાં જીવનની ગુણવત્તા સુધરશે જ.
આદિ શંકરાચાર્યજીએ ‘નિર્વાણાષ્ટકમ્’માં કહ્યું છે તેમ

(મારામાં રાગ-દ્વેષ નથી, લોભ અને મોહ નથી, અભિમાન કે ઈર્ષ્યાનોભાવ નથી,
ધર્મ-અર્થ-કામ-મોક્ષ કાંઈ નથી. હું ચિત્તનો આનંદ છું, શિવરૂપ છું!)
માનવીય મૂલ્યોનાં શિક્ષણથી આ શક્ય છે. શિક્ષણ અને સમાજ વચ્ચે વધી રહેલાં અંતરને ઘટાડવાનો આ સારો ઉપાય છે. સંતાન સારૂં પ્રોફેશનલ બને તેની ચિંતા કરતાં પહેલાં તે સારો મનુષ્ય બને તેનો વિચાર કરીશું તો આ ઉપાય કારગત નીવડવાની સંભાવના વધી જશે! પછી અરાજકતાનું સ્થાન આત્મીયતા, વિખવાદનું સ્થાન સંવાદ, આતંકનું સ્થાન આનંદ અને કલેશનું સ્થાન કરુણા લેશે! આપણામાંથી કોક તો જાગે!

Advertisement