એન્ટિ-ગ્રેવિટી યોગ: કસરત-વ્યાયામની દુનિયાનો નવો ટ્રેન્ડ


ફિટનેસની દુનિયામાં છાશવારે અવનવા ટ્રેન્ડ આવતાં રહે છે. લોકો એકસરખા રૂટિનથી બહુ જલ્દી કંટાળી જાય છે, તે હકિકત છે. દરરોજ એકસરખા માહોલમાં, એકસરખી કસરતો કરતા કરવામાં એક્સાઇટમેન્ટ ગુમ થઈ જાય છે. યોગ અને પ્રાણાયામ નવી જનરેશનને પ્રિય છે, કારણકે તેના ફાયદા અનેક છે. બાકીની સ્ટ્રેન્થ એક્સરસાઇઝ (ડમ્બેલ્સ, પુલ-અપ્સ, ડેડ-લિફ્ટ વગેરે)માં કેટલીક વખત મોટી ઈજા થવાની સંભાવના રહે છે, પરંતુ યોગ બાબતે આ પ્રકારનું જોખમ સાવ ઘટી જાય છે. અને એટલે જ, તેનું એક હાઇબ્રિડ સ્વરૂપ હાલ ‘એન્ટિ-ગ્રેવિટી યોગ’ તરીકે ટ્રેન્ડમાં છે.

એવું બિલકુલ નથી કે કમરની તકલીફ ધરાવનારા લોકો એન્ટિ-ગ્રેવિટી યોગ ન કરી શકે! વાસ્તવમાં યોગનો આ પ્રકાર સાવ સરળ હોવાથી તેનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય એમ છે. હવે તો મેટ્રો સિટીમાં એવા પ્રકારના જિમ ખૂલવા માંડ્યા છે, જે એરિયલ યોગ કરાવનારા ટ્રેનર્સને ભરતી કરીને તેમને અલગ હોલ ફાળવે છે. મોંઘીદાટ ફી ભરીને પણ સેલિબ્રિટી એરિયલ યોગ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે 200 કિલો સુધીનું વજન ધરાવનારા લોકો એરિયલ યોગ કરીને પોતાના શરીરને તંદુરસ્ત બનાવી શકે છે. તેની કોઈ આડઅસર ન હોવાથી હવે ‘એન્ટિ-ગ્રેવિટી યોગ’ ફિટનેસ સેન્ટર્સ ધમધમી રહ્યા છે.

રોજબરોજના એકધારા જીવનમાં બેઠાડું જીવનશૈલી અને કમાવા જવાની ભાગદોડને લીધે કરોડરજ્જુમાં ક્રમશ: ઘસારો લાગે છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ તે નબળી પડતી જાય છે. વૃદ્ધાવસ્થામાં ઘણી વખત તે એટલી નબળી થઈ જાય છે કે વ્યક્તિના ઉઠવા-બેસવા તથા ચાલવા-દોડવા પર પણ પ્રતિબંધ લાગી જાય! પરંતુ એરિયલ યોગ આ પ્રકારની સમસ્યામાં ઘટાડો કરવાનું કામ કરે છે. તેના લીધે કરોડરજ્જુ પર આવતું તાણ ઘટાડી જાય છે. હેલ્ધી અને ફિટ રહેવા માટે આજકાલ ઘણા લોકો જિમમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગને બદલે એરિયલ યોગ પર પણ પોતાની પસંદગી ઉતારી રહ્યા છે.

‘એરિયલ યોગ’ તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, એવા ’એન્ટિ-ગ્રેવિટી યોગ’ની આજકાલ મુંબઈ અને ખાસ કરીને બોલિવૂડમાં ખાસ્સી બોલબાલા છે. હોલિવૂડની હિરોઈન વાયનેથ પેલ્ટ્રો, નતાલી પોર્ટમેનથી શરૂ કરીને બોલિવૂડ હિરોઇન્સ જેક્લીન ફર્નાન્ડિસ, સારા અલી ખાન, આલિયા ભટ્ટ, મલાઇકા અરોરા અને એલી એવરામ પણ એન્ટિ-ગ્રેવિટી યોગ કરતી જોવા મળી રહી છે. છત સાથે બાંધેલા એક મજબૂત દોરડા અથવા કાપડના ટેકે આખા શરીરને ઊંધુ લટકાવવાની કસરતને એન્ટિ-ગ્રેવિટી યોગનું નામ અપાયું છે. આમ જોવા જાઓ તો એ શીર્ષાસનનું જ અપડેટેડ સ્વરૂપ ગણી શકાય!

પાછલા કેટલાક મહિનાઓમાં જિમ-સેન્ટર્સમાં એરિયલ યોગની ઇન્કવાયરી વધવા માંડી છે. ગુરૂત્વાકર્ષણની વિરૂદ્ધ દિશામાં આ પ્રકારની કસરત થતી હોવાને લીધે તેને ‘એન્ટિ-ગ્રેવિટી યોગ’ પણ તેનું એક પ્રચલિત નામ છે. હોટસ્ટાર પર સુસ્મિતા સેનની એક વેબસીરિઝ ‘આર્યા’ રીલિઝ થઈ હતી, જેમાં તેને એરિયલ યોગ કરતી દર્શાવાઈ છે. સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, છત સાથે મજબૂત રીતે બાંધેલા દોરડા અથવા કાપડ બંને પગ ઉપરની તરફ તથા માથું નીચેની તરફ રાખીને કાપડના સહારે હવામાં લટકવાની ટેક્નિકને એરિયલ યોગ કહેવાય છે. કરોડરજ્જુ અને મણકાંની ગાદી માટે આ એક્સરસાઇઝ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે. સામાન્યત: જિમની દરેક એક્સરસાઇઝમાં આખું શરીર સ્ટ્રેચ થતું હોય છે. વોર્મ-અપ અથવા કૂલ-ડાઉનનો સમાવેશ પણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝમાં જ થાય છે. પરંતુ સ્પાઇન અર્થાત કરોડરજ્જુને કેટલીક વખત જોઈએ એટલું સ્ટ્રેચિંગ નથી મળતું અને એના લીધે કમર ઝલાઈ જવી અથવા પીઠમાં દુ:ખાવાની સમસ્યા જોવા મળતી હોય છે.

આજકાલ હવે એરિયલ યોગને જિમ ટ્રેનિંગના સ્થાન પર મૂકી દેવામાં આવ્યું છે. ઘણા લોકો એવા છે, જે જિમ પર આવીને કાર્ડિયો કે સાઇકલિંગ નહીં, પરંતુ એરિયલ યોગને મુખ્ય કસરત તરીકે સ્વીકારે છે અને એક કલાક સુહી અલગ અલગ પ્રકારની એરિયલ એક્સરસાઇઝ કરીને પોતાના બોડીને ફિટ રાખવાનું કામ કરે છે. ટેલિવિઝન એક્ટ્રેસ આશકા ગોરડિયાના વીડિયોથી વાકેફ હશો તો ખ્યાલ હશે કે તે એરિયલ યોગ અને પોલ-ડાન્સિંગ સંબંધિત ઘણી કસરતો પોતાના પ્રેક્ષકો અને ફોલોઅર્સ માટે સોશિયલ મીડિયા પર મૂકતી રહે છે. પરંતુ એરિયલ યોગ કરવા માટેના પણ કેટલાક નિયમો છે. તે કરતા પહેલાં ફિટનેસ ટ્રેનરની જરૂર પડે છે. ઘર બેઠા એરિયલ યોગ ન કરી શકાય. તેના માટે માર્ગદર્શનની જરૂરિયાત પડે છે. યોગ્ય પોઝિશન ન હોય તો એરિયલ યોગ આખા શરીરમાં દુ:ખાવો પેદા કરી શકે.


જેઓ કરોડરજ્જુની ગંભીર સમસ્યા જેમકે, સ્લિપ ડિસ્ક, હાયપર-ટેન્શન વગેરેથી પીડાઈ રહ્યા છે એમણે પોતાના ડોક્ટર્સને ક્ધસલ્ટ કર્યા બાદ જ એરિયલ યોગ કરવો જોઈએ. હેમોક (દોરડા)નો ઉપયોગ કરતા પહેલાં શરીરને વોર્મ-અપ કરવું જરૂરી છે. સીધું કાપડ પર લટકી જવાથી કેટલીક વખત શરીરને ઝાટકો લાગવાની સંભાવના રહે છે. આથી એરિયલ યોગ કરતા પહેલાં શરીરને તૈયાર કરવું અત્યંત જરૂરી છે. આ માટે અન્ય પ્રકારના યોગ અથવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકાય. ચાલવા અથવા દોડવાની પ્રવૃત્તિ પણ આ માટે ઉપયોગી છે. એરિયલ યોગ શરૂ કરતા પહેલાં અને પૂર્ણ કર્યા પછી પાણી પીઓ. કારણકે એરિયલ યોગ શરીરની ઊર્જા નિચોવી નાંખે છે.

પરસેવો નીકળી જવાને લીધે શરીરમાં પાણીની ઘટ અનુભવાય છે, જેને પહોંચી વળવા માટે પાણી પીતાં રહેવું જરૂરી છે. હળવો નાસ્તો ઠીક છે, બાકી એરિયલ યોગ સેશન પહેલાં જમવાનું ટાળો. આખું શરીર ઊંધુ થવાને કારણે આરોગેલો ખોરાક મોં વાટે બહાર આવી શકે છે અને પાચનને લગતી સમસ્યા ઉભી થઈ શકે છે. એરિયલ યોગ માટે શરીરને વધુ પડતો ત્રાસ ન આપો. જેટલું જોર લગાડી શકાય એટલું જ લગાડો. ધીમે ધીમે આપોઆપ પ્રોગ્રેસ જોવા મળશે. સાવ ઢીલા કપડાં પહેરશો નહીં. એરિયલ યોગ માટે સ્ટ્રેચ કરી શકાય તેવા કમ્ફર્ટેબલ ક્લોથ જરૂરી છે.તો આશા રાખીએ કે, એરિયલ યોગ પ્રત્યે તમને પણ જિજ્ઞાસા તો પેદા થઈ જ હશે. રોજબરોજના એકધારા જિમ અને તેની એકસરખી કસરતોથી કંટાળી ગયા હો તો નવીનતા મેળવવા માટે એરિયલ યોગ એક સારો વિકલ્પ છે.

Advertisement