ઇવીએમ સહિત હારના કારણોનું સચોટ અનુમાન


Advertisement

એક્ઝીટ પોલના રીઝલ્ટ આવી ગયા છે. અમુક ચેનલના એન્કરો રડમસ ચહેરે તો અમુક પોતે જીત્યા હોય એટલી ખુશીથી એનડીએની જીતના વર્તારો આપી રહ્યા છે. અમુકે હાર સ્વીકારી અત્યારથી ઈવીએમને ગાળો દેવાનું શરૂ કર્યું છે તો દીદી જેવા હજુ જીતની ત્રાડો નાખે છે. દિલ્હીવાળાને ઉધરસ મટી ગઈ છે. અમુક દીવાલ પર બેઉ બાજુ પગ લટકાવીને બેઠા છે અને પરિણામ પછી જે બાજુ લાભ મળશે ત્યાં કુદી પડશે. પક્ષના ટેકેદારો સોશિયલ મીડિયા પર અંદર અંદર લડીને હવે થાક્યા છે. આવામાં અમે અમુક આગાહીઓ કરીએ છીએ જે તમે 23 મી તારીખે ચેક કરી લેજો સાચી પડે છે કે નહીં.
1. અમુક નેતાઓ પોતાની અને પક્ષની હારનો ટોપલો ઈવીએમ પર નાખી દેશે. આ હવે રિવાજ બની જશે. જોકે રાજ્ય કક્ષાએ એમની પાર્ટી આ જ ઈવીએમ છતાં કઈ રીતે જીતી હતી એ વિષે પૂછો તો એ વાત બદલીને રાફાયલ અને મહિલા સશક્તિકરણની કરવા લાગશે.
2. અમુક પોતાની હારનો વાંક અસંતૃષ્ટ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પર નાખશે. જોકે પોતે પક્ષ બદલીને બીજી પાર્ટીમાં આવ્યા એ સગવડતાપૂર્વક ભૂલી જશે.
3. અમુક પોતાની હાર માટે સાંપ્રદાયિક તાકાતોને જવાબદાર કહેશે. આવું કહેનારનો અવાજ જીતનારના  ‘જય શ્રી રામ’ ના નારામાં દબાઈ જશે.  
4. અમુક હાર માટે ઓછા વોટીંગને જવાબદાર માનશે. ઓછા વોટીંગ માટે ગરમીને, ગરમી માટે ગ્લોબલ વોર્મિંગને અને ગ્લોબલ વોર્મિંગ માટે પાછલી સરકારોએ કંઈ નથી કર્યું એને જવાબદાર ઠેરવશે.
5. અમુક જાતીવાદી સમીકરણોને હાર માટે કારણભૂત ગણાવશે. આ ઉમેદવાર પોતે જાતિને આધારે ઉભા હતા એ ભૂલી જશે. મૂળમાં એમને સમીકરણો ઉકેલવાનું તો સ્કુલમાં પણ ફાવતું નહોતું.
6. અમુકની મદદે એમના જ્યોતિષી આવશે, ‘કહ્યું હતું તમને કે રાહુની મહાદશા ચાલે છે અત્યારે શાંતિ રાખો પણ ના માન્યા’. તમને આમાં રાહુલ વંચાયું હોય તો એમાં અમારો કોઈ વાંક નથી.
7. અમુક અંગારક યોગને કારણે દાઝ્યા હોવાનું જણાવશે.
8. અમુક ઉમેદવારોની જીત માટેનો જશ વિરોધી પાર્ટીના નેતા પાકિસ્તાનને આપશે. પાકિસ્તાન બિચારૂં પોતાના બચાવમાં કંઈ નહીં કહે. એને ટપલા ખાવાની ટેવ પડી ગઈ છે.
9. જેમણે બાંકડા અને બસ સ્ટેન્ડ બનાવવાથી વધુ કામ નહીં કર્યા હોય એ ‘અમે કામ તો બહુ કર્યું પણ મતદારો સુધી પોતાની વાત ના પહોંચાડી શક્યા’ એવો દાવો કરશે.
10. અમુક કહેશે કે અમને મોંઘવારી નડી ગઈ. પણ કાકા તમારી બાજુના જ મતવિસ્તારમાં તમારી પાર્ટીને મોંઘવારી કેમ ના નડી?  
11. અમુક ઈલેકશન કમિશનને જવાબદાર ઠેરવશે પણ એ ભૂલી જશે કે ઈલેકશન કમિશને જો એમના યુવા નેતાને ભાષણ કરવા પર પ્રતિબંધ મુક્યો હોત તો પક્ષને દસ સીટ વધારે આવત!
12. અમુક કે જેમની પાસે હજુ પાંચ-દસ કરોડની જૂની નોટો બદલાવ્યા વગરની પડી હશે એ નોટબંધીને પોતાની હારનો યશ આપશે. વડીલ, સરકાર આ ગુલાબી નોટ બંધ કરે ને તો પણ પ્રમાણિક કરદાતાને કોઈ પ્રોબ્લેમ નથી. જસ્ટ ચીલ!
13. અમુક પક્ષ તરત પ્રતિક્રિયા નહીં આપે. ‘અમે હારના કારણો સમજવા ચિંતન બેઠક કરીશું’. આ ચિંતન બેઠકમાં સમોસા ખાઈને છુટા પડશે. અમુકના હાથમાં બબ્બે સમોસા હાથમાં લઈને નીકળશે.
14.    કેટલાક એવું કહેશે કે માલ્યા-મોદી ભાગ્યા એ કારણે વોટરોનો અમારા પરથી ભરોસો ઉઠી ગયો. ના ભાઈ ના. ઘણા બધા તો આ દેશમાં કરીને નાસી છૂટવાની સગવડને કારણે જ ઘણા તો ધંધો કરે છે.
15. જોકે હારનાર અંદરખાને પોતાને ‘બલિનો બકરો’ બન્યો હોવાનું વહેતું કરશે. ઈદ નજીક છે ત્યારે બકરા બચાવવાની ઝુંબેશ ચલાવતા લોકો આ બલિના બકરા અંગે ચુપ રહેશે.
16. અમુક જનતાના ચુકાદાને માથા પર ચઢાવશે. બીજું કરી પણ શું શકે? જનતા જોડે બથ્થ્મ્બથ્થા કરવા થોડું જવાય છે?
17. અમુક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને દોષ દેશે. એમના નેતાને ચૂંટણી લડવા દીધી હોત તો ચોક્કસ જીત્યા હોત.
18. અમુક પોતે જીતનાર જેટલા રૂપિયા વેરી ના શક્યા, પ્રેશર કુકર વહેંચવાનો ખર્ચોય માથે પડ્યો, એનો અફસોસ વ્યક્ત કરશે.
19. અમુક તમુક કોમના મતોનું ધ્રુવીકરણ થયું એટલે ઉમેદવાર હાર્યા, આવું કહેશે. પણ જે થયું એ સારું થયું, ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે એવો એમને દિલાસો આપવાનો.
20.‘બધું રૂપિયાના જોરે, લાંબો સમય સત્તા બહાર છીએ રૂપિયા લાવીએ ક્યાંથી?’ આવું ઉમેદવારના ટેકેદારો કહેશે જેમને પુરતું બજેટ કે પીવા નહીં મળ્યું હોય.
21. જોકે પોતાના બાલીશ નેતાને લીધે પક્ષની હાર થઈ એવું કોઈ નહીં કહે. અમે કોઈ વ્યક્તિનું નામ અહીં નથી દીધું, પછી તમે જે સમજ્યા હોવ એ!
લેગ કટર
કેસર કેરી ખાવામાં અમને એવો ટેસ પડે છે કે ક્યારેક ડર લાગે છે કે ક્યાંક સરકાર કેસર કેરીને નશીલો પદાર્થ જાહેર ના કરી દે!

Advertisement