કોઈ તમારી નિંદા કરે અને તે તમને લાગુ પડતી હોય તો તમારામાં સુધારો કરો


Advertisement

મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર. જાગૃત,સ્વપ્ન,સુષુપ્તિ અને તુરિઆ અવસ્થા. આ બધું વાતોમાં સહેલું પડે ક્રિયામાં બહુ અઘરું પડે. આપણે એમાં નથી જવું. બાકી છે વિજ્ઞાન પણ આપણો એમાં પ્રવેશ નહીં. એમાં કંઈ સળ સૂઝે નહીં. અને જેટલી ખબર ન પડે એટલો માણસ વધારે જ્ઞાની ! એટલો વધારે ગંભીર કે કોઈ દિવસ હસે જ નહીં. હું તો વારેવારે કહું છું,ધર્મજગતે હસવું જોઈએ,મુસ્કુરાઈએ. તિબેટમાં બૌધ લોકોએ લાફીંગ બુદ્ધા પ્રગટ કર્યા છે. હું ઉપનિષદના ન્યાયથી બોલી રહ્યો છું. છાંદોગ્ય ઉપનિષદ કહે છે - હસો. પ્રસન્ન રહો એ જ ધર્મનું લક્ષણ છે. કેટલાંક લોકો કહે છે કે શ્રોતાઓને હસાવવા ન જોઈએ. આનું શું કરવું મારે? આખી જિંદગી તો બધા રડે છે. તો ત્રણ કલાક તો હસાવવા દો. લોકો હસતાં નહોતા એટલે લાફીંગ ક્લબો ખોલવી પડી. હું આશ્ચર્યચકિત હતો કે લાફીંગની પણ ક્લબો હોય? એટલે કથામાં આપણે ક્યારેક ક્યારેક હસીએ છીએ અને એવી વાતો કરીએ તો ઘણા જ્ઞાનીઓને ગમતું પણ નથી. ઘણા મને કહે છે કે અમુક લોકોને નથી ગમતું. એ લોકોને ન ગમે તો હું શું કરું? ન ગમે એ એનો સ્વભાવ,આ મારો સ્વભાવ. બ્રહ્મને તમે સત્ત,ચિત્ત અને આનંદ કહો છો તો આનંદ આખરી સીડી છે. ત્યાંથી જો પહેલાથી શરુ કરવામાં આવે તો ખરાબ શું? એ સાચા છે કારણ કે આપણે ગાઈએ છીએ અને એ નથી ગાતાં. આનંદ આમાર ગોત્ર,આનંદ આમાર જાતિ. હમણાં મને કોઈએ કહ્યું કે કાશીમાં એક વિદ્વાન કથા કરતાં હતા અને આડકતરી રીતે તમારા માટે કહેતા હતા. મારે શું વાંધો?
ભીખુદાનભાઈ કહે છે કે ખાટલામાં સુએ પણ ઊંઘ ન આવે ને પડખાં ફેરવ્યાં કરે. કોઈ પ્રિયને યાદ કરવાના હોય તો બરોબર. પરંતુ સૂતો-સૂતો વિચારે છે કે ચંદુભાઈ છે ને એ મંગુભાઈ જેવો નહીં. ચંદુભાઈ મંગુભાઈ જેવો કેમ હોય? ચંદુભાઈ કાઠીયાવાડમાં રહે અને મંગુભાઈ ચરોતરમાં રહે. બંનેના મા-બાપ જુદાં,સ્વભાવ જુદાં,જાતિ જુદી,વર્ણ જુદાં તારા ખાટલામાં તું બંને ને શું કામ ભેગાં કરે છે? નિંદા મોટાં-મોટાંને છોડતી નથી. ધર્મજગત તો ખાસ. એનાથી મુક્ત રહો. શું લેવા-દેવાનું છે?
પ્રસિદ્ધ સંત ઉડિયાબાબાના જીવનનો આ સુંદર પ્રસંગ છે. ઉડિયાબાબા એટલે સિદ્ધ,શુદ્ધ અને અનુભૂત માણસ. એક વખતની વાત છે. કોઈ કાર્યક્રમ હતો. અને હજ્જારો લોકોની ઉપસ્થિતિમાં ઉડિયાબાબા અને સાધુ-સંતો એક મંચપર બેઠાં છે. મોટાં-મોટાં મહામંડલેશ્વરો અને મહાપુરુષો મંચપર બિરાજમાન છે. શાસ્ત્રોમાં એમની પહોચ પણ હતી એવા લોકો મંચપર બેઠાં હતાં. વારાફરતી બધાં લોકોને સંબોધન કરતાં હતાં. એટલામાં અચાનક એક મહાપુરુષે ઉડિયાબાબાની ઉપસ્થિતિમાં એમની નિંદા કરી. સભા સ્તબ્ધ થઈ ગઈ. એમની ઉપસ્થિતિમાં જ એમની કડી નિંદા કરી. ઉડિયાબાબા જેવા મહાન સંત અને એમની આટલી અભદ્ર નિંદા ! કેટલી મોટી ઘટના? સભા ચૂપ છે.
એ સભામાં ઉડિયાબાબાના 20-25 શિષ્યો પણ સાથે હતાં. એ બધા ખૂબ ગુસ્સામાં આવી ગયાં કે જાહેરમાં અમારા ગુરુની નિંદા? અને અમે ચૂપચાપ સહી લઈએ? બાબા તો મસ્ત મહાપુરુષ. મંચપર ઊભા થયા છે. બધાંને લાગ્યું કે બાબા કંઈક બોલશે. આટલી મોટી નિંદા થઈ છે તો કંઈક જવાબ આપશે. પરંતુ બાબા કંઈ જવાબ આપવાને બદલે ફક્ત હસી રહ્યાં છે. જે વ્યક્તિ એમની નિંદા કરતાં હતા તેમની પાસે બાબા જાય છે. કહે,બાબા પ્રણામ. મારે થોડું કામ છે,હું જાઉં? આમ કહી બાબા નીકળી ગયા. આખી સભાને ખબર પડી ગઈ. પેલા નિંદા કરનારા મહાપુરુષને પણ ખબર પડી ગઈ કે કંઈક ગરબડ થઈ છે. પરંતુ ચિડિયા ચૂગ ગઈ ખેત. પકડાયેલાં શિષ્યોએ બાબા પાસે જઈને કહ્યું કે બાબા,આપની આટલી મોટી નિંદા થઈ રહી હતી. તમારા ભયને કારણે મર્યાદાને કારણે અમે કંઈ બોલ્યાં નહીં. પણ અમારે એનો જવાબ આપવો જોઈએ કે નહીં? શિષ્યો ગુસ્સામાં હતાં એટલે બોલ્યાં કે અમે આ કેમ સહન કેમ કરીએ?
એજ ધીરતા અને સમતાથી બાબાએ શિષ્યોને કહ્યું કે જુઓ ભાઈ,એ મહાત્માએ મારાં દેહની નિંદા કરી તો દેહની નિંદા તો હું પણ કરું છું. તમને ઉપદેશમાં નથી કહેતો કે દેહ નરકની ખાણ છે. જીર્ણ-શીર્ણ છે,એને છ-છ વિકારો લાગ્યાં છે. દેહ નશ્વર છે એવી નિંદા તો આપણે પણ કરીએ છીએ. તો એમાં એણે શું ખરાબ કર્યું? અને જો તેણે જો મારાં આત્માની નિંદા કરી તો એમનો અને મારો આત્મા ક્યાં જુદા છે? એટલે એ તો ખુદની જ નિંદા કરી રહ્યાં હતા. એમાં આપણે વચ્ચે શું કામ આવવું જોઈએ?
મારાં ભાઈ-બહેનો,આ છે વિવેકી લોકોની પહોચ. આ છે મહાપુરુષોની સ્થિતિ. આ છે સંતોનો મહિમા. હું તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમારે ભજન સફળ કરવાનું છે. મનન સફળ કરવું હોય,સાધના સફળ કરવી હોય,કથા સફળ કરવી હોય અને સ્મરણ કરવું હોય તો કદી પણ કોઈની નિંદા નહીં કરતાં. શું લેવા-દેવાનું છે? જે કરતાં હોય એ એમને મુબારક. કોઈ તમારી નિંદા કરે તો બે જ વાત કરજો. નિંદા જો તમને લાગુ પડતી હોય કે આ માણસ ખરું કહી રહ્યો છે તો પોતાનામાં સુધારો કરો અને તમને લાગુ ન પડતું હોય તો ડોન્ટ માઈન્ડ. જે ચીજ તમને પણ ડીસ્ટર્બ કરે,બીજાને પણ ડીસ્ટર્બ કરે અને સાંભળવાવાળાને પણ ડીસ્ટર્બ કરે એ ચીજમાં શું કામ પ્રવેશ કરવો? તમે કોઈની નિંદા કરશો તો પછી તમને પોતાને ક્યાંય ચેન નહીં પડે. સત્સંગ પણ આ જ શીખવે છે.

Advertisement