ભારતીય ચૂંટણીઓનું સોશિયલ મીડિયા પોલિટિક્સ!


બિહારની ચૂંટણી ગઈકાલથી તેના પ્રથમ તબક્કામાં પ્રવેશી. 7 નવેમ્બર સુધી ચાલનારા આ પોલિટિકલ યુદ્ધની છાવણી સોશિયલ મીડિયા એકે-એક પ્લેટફોર્મ પર પથરાયેલી જોવા મળી. સાચા-ખોટા વીડિયો, ફેક ન્યુઝ, પક્ષપાતી સમાચારો અને ડાબેરી-જમણેરી વિચારધારાનો ડિજિટલ જંગ પણ ખેલાયો. આવનારા દિવસોમાં પરિણામ જે આવે તે, પણ પરફેક્ટ મસાલા હિન્દી ફિલ્મની માફક અહીં ભરપૂર થ્રીલનો અનુભવ મતદારોને મળ્યો.

ફક્ત ત્રણ દેશો- બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને ભારત મળીને આખા દિવસમાં વોટ્સએપ પર કુલ 60 અબજ મેસેજની આપ-લે કરે છે..!! આજનાં સમયમાં ખૂબ ઉપયોગી અને ટોચનું સોશિયલ મીડિયા માધ્યમ બની ગયું છે. તેનાં પર એક્ટિવ રહેલા યુઝર્સ પણ દિવસે ને દિવસે તેની મહત્તા સમજી રહ્યા છે. પરંતુ હવે આપણા દ્વારા ફોરવર્ડ થઈ રહેલા મેસેજની સત્યતા ચકાસવી પણ અગત્યની છે. ક્યાંક એવું ન બને કે આપણે પોસ્ટ કરેલો એક નાનકડો મેસેજ મોટા-મોટા કોમી રમખાણો માટે નિમિત્ત બની જાય! પોતાની ગમતી પોલિટિકલ પાર્ટીઓને સપોર્ટ કરવામાં કંઈ જ ખોટું નથી. પરંતુ સમાજમાં નકારાત્મકતા ન ફેલાય એનું ધ્યાન રાખવું એ પણ આપણી પ્રાથમિક ફરજ છે.

જોશીલી શરૂઆત, ફુલ્લ-ઓન સસ્પેન્સ, મિડ-નાઇટ કોર્ટ-રૂમ ડ્રામા અને સનસનાટીભર્યો ક્લાયમેક્સ! ઉત્તરપ્રદેશ આજ વખતે એક ફુલ-ફ્લેજ્ડ પિક્ચરની માફક ભારતીયો સમક્ષ ઉપસીને બહાર આવ્યું. હાથરસ કાંડથી શરૂ કરીને મીડિયા કવરેજ સુધી સનસનાટી વ્યાપેલી રહી. છબી સુધારવા માટે ‘મિશન શક્તિ’ લોન્ચ થયું. ટવીટર બાબાએ પણ બિહારની ચૂંટણીને ‘ટોપ ટ્રેન્ડિંગ’ ગણાવી. પરંતુ શું આપને ખ્યાલ છે કે બિહારના રિઆલિસ્ટીક ઇલેક્શન ડ્રામામાં સૌથી મહત્વની ભૂમિકા કોણે ભજવી!? ’વોટ્સએપ’! જી હાં, આપનું અનુમાન સો ટકા સાચું છે.


2019ની સાલમાં લોકસભાની ચૂંટણી યોજાઇ એ વખતે ફેસબુકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થયો હતો. છેલ્લા ત્રણ-ચાર વર્ષના સમયગાળાની અંદર ભારતમાં સ્માર્ટફોન-યુઝર્સની સંખ્યામાં ધરખમ વધારો થયો હોવાને લીધે બિહારની ચૂંટણીમાં પણ વોટસએપનો ડિજીટલ પ્રચાર-માધ્યમ તરીકે બહોળો વપરાશ થયો. 2017માં યોજાયેલ ઉત્તરપ્રદેશનાં ચુનાવ યાદ છે ને? બીજેપી સરકાર લગભગ 6000થી પણ વધુ વોટ્સએપ ગ્રુપ પર પોતાનું પોલિટિકલ કેમ્પેઇન ચલાવી રાજ્યનાં ગામે-ગામ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતાં. જેનાં પરથી ધડો લઈને કોંગ્રેસ પાર્ટીને પણ થયું કે વોટ્સએપને નજરઅંદાજ કરવા જેવું નથી! એટલે બિહાર ચૂંટણીમાં બંને પાર્ટીઓ પૂરજોશમાં વોટ્સએપ પર ઉમટી પડી.


ભારતભરમાં દરરોજ પચ્ચીસ કરોડ લોકો વોટ્સએપ પર મેસેજની આપ-લે કરે છે. દર મહિને સક્રિય રહેનારા યુઝર્સની સંખ્યા દોઢ અબજ છે! આટલી મોટી સંખ્યામાં ઓનલાઇન થનારા યુઝર્સ પર પોતપોતાની પોલિટિકલ પાર્ટીઓનો પ્રભાવ ઉભો કરવો એ સહેલી વાત તો નથી જ! આ માટે લાખોની સંખ્યામાં સ્વયંસેવકોને નીમવામાં આવ્યા, જેમનું કામ ફક્ત ઓનલાઈન પોલિટિકલ કેમ્પેઇન ચલાવવાનું હતું. એક ઉદાહરણ લઈએ. 18 વર્ષનાં બીજેપી સપોર્ટર કોલેજીયન પ્રણવ ભટ્ટને તેનાં અલાયદા 60 મતદારો ફાળવી દેવામાં આવ્યા હતાં. પ્રણવે પોતાનાં વોટ્સએપ ગ્રુપ પર 60 લોકોને પોતાની પોલિટિકલ પાર્ટીની ખાસિયત જણાવતાં હજારો મેસેજ ફોરવર્ડ કર્યા. ચોક્ક્સ સમય પર મેસેજીસનો મારો સતત ચાલુ રાખવામાં આવ્યો. બીજેપીનું કામ દર્શાવતાં હકારાત્મક વીડિયો, ફોટો, મેસેજ તેમજ અન્ય પાર્ટી-લીડર્સને ટ્રોલ કરતાં મેમે (ખયળય) પણ ફોરવર્ડ થયા. હવે વિચારો, પ્રણવ ભટ્ટ જેવા લાખો સ્વયંસેવકો એકીસાથે પોતાનાં ગ્રુપ્સ પર મેસેજ ફોરવર્ડ કરે તો કેવડું મોટું પોલિટિકલ કેમ્પેઇન ચલાવી શકાય! આ પ્રકારે, કોંગ્રેસે સહિત અન્ય પાર્ટીઓએ પણ ઉપરોક્ત ટેકનિક અપનાવીને વોટ-બેન્ક ઉભી કરી.

 


આ વખતે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કરતાં પણ વધુ મહત્વ વોટ્સએપને અપાયું છે. ભાજપ અને કોંગ્રેસનો દાવો છે કે તેમણે વોટ્સએપ પર અંદાજે 50,000 ગ્રુપ બનાવ્યા છે, જેમાં રાત-દિવસ તેમનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. બીજી બાજુ, વોટ્સએપ પોલિસીને લીધે દરેક યુઝરે મન ફાવે એવા સાચા-ખોટા મેસેજ પણ પોતાનાં અકાઉન્ટમાંથી શેર કર્યા છે. આથી કોમી-રમખાણો અને વિખવાદો પેદા થવાની સંભાવના વધી ગઈ! સમસ્યા એ હતી કે આવા મેસેજ ક્યાંથી અને કોણ ફેલાવી રહ્યું છે એ જાણવું અશક્ય હતું. હિન્દુ-મુસ્લિમને લગતાં ફોરવર્ડ મેસેજ, ફેક ઇલેક્શન રિઝલ્ટ પોલ, ઇમોશનલ અત્યાચારવાળા લખાણોનો પણ ભરપૂર ઉપયોગ થયો. તમને પ્રશ્ર્ન થશે કે, આવા મેસેજ ફેલાય નહીં એ માટે વોટ્સએપ શું કરતું હશે?


તો એનો જવાબ છે, કશું જ નહીં! 2016નાં અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શન સમયે રશિયાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જે રીતે કેમ્પેઇન ચલાવ્યું એ જોઈને એ બંને પ્લેટફોર્મ પર તો પુષ્કળ નિયંત્રણો લાદવામાં આવ્યા. પરંતુ ખૂબીની વાત તો એ છે કે ફેસબુકનો જ ભાગ હોવા છતાં વોટ્સએપ આ સ્ક્રુટિનીમાંથી બાકાત રહી ગયું. કારણકે અમેરિકા કરતાં પણ તેનો વધુ ઉપયોગ ભારત, બ્રાઝિલ તથા ઇન્ડોનેશિયા જેવા દેશોમાં થઈ રહ્યો છે! પોતાનો પક્ષ મૂકવા માટે ફેસબુક-ઇન્સ્ટાગ્રામની સરખામણીએ વોટ્સએપ એપ્લિકેશન ઘણી અંગત અને સુરક્ષિત માનવામાં આવે છે. અહીંયા આપખુદની મરજી વગર અન્ય કોઇ ત્રીજો વ્યક્તિ આપણી વાતોમાં દખલગીરી નથી કરી શકતો.


ઉપરાંત, એક યુઝર અનેક વોટ્સએપ ગ્રુપમાં સક્રિય રહીને પોતાની કામગીરી કરી શકે છે. જેનાં લીધે અહીંયા એકવાર મેસેજ ફોરવર્ડ થવાનાં શરૂ થાય પછી વારંવાર રીપીટ થયા રાખે એવું પણ સંભવ બને. ખોટા-ફેક મેસેજ પણ આ કારણોસર કેટલીકવાર સાચા લાગવા માંડે! ભારતનાં રાજકારણ અને સરકારી દાવાઓ પર નજર રાખતી કંપની ‘બુમ’ અને ‘ઇન્ડિયા સ્પેન્ડ’નાં સંસ્થાપક ગોવિંદરાજ એથિરાજ, વોટ્સએપને ફેક મેસેજીસ ફેલાવવા માટેનું સૌથી મોટું માધ્યમ માને છે. ‘બુમ’ કંપનીએ વોટ્સએપ પર ફરી રહેલા મેસેજ પર ચાંપતી નજર રાખવાનું કામ કર્યુ હતું. વોટ્સએપ પર એકીસાથે હજારો ગ્રુપ બનાવતી ઓટોમેશન ટીમ તેમનાં ધ્યાનમાં આવી હતી. એક એવી સિસ્ટમ ઉભી કરવામાં આવે, જ્યાં વોટ્સએપ યુઝર આપોઆપ જ ગ્રુપમાં જોડાવા માંડે. આવું કામ કરતી તમામ ટીમોને પકડી-પકડીને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દેવામાં આવી!


વોટ્સએપ ડેવલપર્સ દ્વારા જાહેરમાં એ વાતનો સ્વીકાર થયો હતો કે વોટ્સએપ ઘણા-બધા દંગાફસાતનું મૂળ બની રહ્યું છે અને તેઓ આને રોકવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. કઇ રીતે સેફ્ટી ફિચર્સ વધારવા, સાચા-ખોટા ન્યુઝને પારખી તેમને અલગ કેવી રીતે તારવવા એ બાબતે હાલ ઘણી મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.


ચૂંટણી સમયે મતદારોનાં વર્તનનો અભ્યાસ કરી રહેલા નીલાંજન સરકારનું કહેવું છે કે વોટ્સએપ પર ફોરવર્ડ થનારા સાદા મેસેજ નહી, પરંતુ જાતિ અને ધર્મને ટાર્ગેટ બનાવીને સ્પ્રેડ થનારા મેસેજ થકી બિહાર ઇલેક્શનમાં બહુ મોટો ફરક જોવા મળ્યો છે. વોટ્સએપ ચેઇન-રીએક્શનની માફક કામ આપે છે. એક મેસેજ ઓનલાઇન મૂકાયો કે તરત જ ફોરવર્ડ થતાં-થતાં દેશ-દુનિયાની સીમા લાંઘી વિદેશમાં વસતાં ભારતીયો સુધી પહોંચશે!


વોટ્સએપ બેશક, આજનાં સમયમાં ખૂબ ઉપયોગી અને ટોચનું સોશિયલ મીડિયા માધ્યમ બની ગયું છે. તેનાં પર એક્ટિવ રહેલા યુઝર્સ પણ દિવસે ને દિવસે તેની મહત્તા સમજી રહ્યા છે. પરંતુ હવે આપણા દ્વારા ફોરવર્ડ થઈ રહેલા મેસેજની સત્યતા ચકાસવી પણ અગત્યની છે. ક્યાંક એવું ન બને કે આપણે પોસ્ટ કરેલો એક નાનકડો મેસેજ મોટા-મોટા કોમી રમખાણો માટે નિમિત્ત બની જાય! પોતાની ગમતી પોલિટિકલ પાર્ટીઓને સપોર્ટ કરવામાં કંઈ જ ખોટું નથી. પરંતુ સમાજમાં નકારાત્મકતા ન ફેલાય એનું ધ્યાન રાખવું એ પણ આપણી પ્રાથમિક ફરજ છે.

Advertisement