જીવનમાં આપણે આશ્રય કોનો કરવો ? શરણાગતિ કોની કરવી ?


Advertisement

યુવાન ભાઈ-બહેનો,બહુ સાવધાન રહેજો. તમારે ભારતવર્ષની સભ્યતાનું ગૌરવ કરવાનું છે. એટલે હું વારંવાર બોલતો રહું છું કે તમે કોની શરણાગતિ કરશો ? વિભીષણ પણ આજે લંકાનું એક મહત્વનું મંત્રીપદ છોડીને પ્રભુના શરણે આવી રહ્યો છે. વિભીષણ એવા તત્વનો આશ્રય કરે છે જ્યાં કોઈ કંટક નથી. જ્યાં કાંકરા નહીં પણ માનસરોવરના મોતી હોય એવા માણસ પાસે જવું. જેને સંપત્તિ એકઠી કરવી છે,ધર્મના નામે કાંકરાઓ જ ભેગાં કરવા છે એવી જ્યાં સ્થિતિ છે તો એવાની શરણાગતિ ન લેશો. મને હમણાં એક અમેરિકાનો પરિવાર કહેતો હતો કે ભારતમાંથી કોઈ એમની પાસે આવ્યું અને કહ્યું કે આટલું સોનું આપો તો એમાંથી તમને ભસ્મ બનાવીને આપશું. મેં પૂછયું કે ભસ્મ આવી? કહે ના. તમે કેમ ફસાવ છો ? શા માટે પોતાને ગુમરાહ કરો છો ? અને આ બધું ધર્મના નામે થાય છે ! તમે હનુમાન ચાલીસા કરો,રામાયણનો આશ્રય કરો જે તમને ક્યારેય દગો નહીં દે. એવા પરમહંસોનો આશ્રય કરો કે જેની આંખમાં અશ્રુ છે. કૃષ્ણપ્રેમના આંસુ ટપકતાં હોય. મેં અનેકવાર આપને કહ્યું છે કે શરણાગતિ એકની જ હોય અને એક જ વારની હોય. અનેકની ન હોય અને અનેક વાર ન હોય. આપણો સમય ન બગડે,આપણને આ જન્મ જ અનુભવ થાય એટલા માટે આ જરૂરી છે. શરણાગતિ માટે મહાપુરૂષો બહુ બોલ્યા છે.
એક વાર્તા મેં તમને કદાચ સંભળાવી હશે કે નહિ,ખ્યાલ નથી. એક વખત સ્ટીમરમાં થોડાં માણસો યાત્રા કરતા હતા. જે સમુદ્રમાંથી આ સ્ટીમર જઈ રહી છે એ સમુદ્રમાં એક બહુ મોટી માછલી,બહુ મોટી,માને બહુ મોટી,પુરી સ્ટીમરને ગળી જાય એટલી મોટી માછલી રહેતી હતી. આખા વહાણને ગળી જાય. પેલી સ્ટીમર જઈ રહી હતી ત્યાં એ માછલીએ એકદમ સ્ટીમર ઉપર હુમલો કર્યો. બધાં જાણતા હતા કે આ માછલી ખતરનાક છે,એને ખાવાનું આપી દો તો એ કૂદવાનું બંધ કરી દેશે. એટલે સ્ટીમરમાં જેટલું ખાવાનું,સ્ટીમરમાં જેટલી ખાવાની ચીજ હતી,એ બધી માછલીના પેટમાં નાખવા લાગ્યા. તો પણ તે વ્હેલ માછલી તો કૂદતી જ રહી. મુસાફરોને એમ થયું કે જહાજને તોડી નાખશે,ડૂબાડી દેશે.ખાવાનું તો જેટલું હતું તેટલું બધું નાખી દીધું. બધા વિચારવા લાગ્યા કે હવે શું કરવું? લોકો ફર્નિચર એના પેટમાં નાખવા માંડ્યા. ટેબલ,ખુરશી,સોફા બધું એના મોઢામાં નાખવા માંડ્યા,કારણ એ હતી એટલી મોટી. તો પણ એ માછલીએ હુમલો કરવાનું ચાલુ રાખ્યું ! લોકોએ વિચાર્યું કે હવે તો નક્કી મરવાના. હવે શું કરવું? નક્કી કર્યું કે આપણામાંથી જેટલા મુસાફરો છે,તેમાંથી કોઈ એક ને એનાં મોઢામાં નાખી દો એટલે જો માનવભક્ષી હશે તો શાંત થઈ જશે.
મનુષ્યને ફેંકો,પણ હવે જાય કોણ ? એમાં એક વેપારી ઊભો થયો. કહે કે મને ફેંકી દો. મરદ કહેવાયને? પણ કાકા તમે? કાકા,કાકા નહિ કરો. અત્યારે બહુ ગંભીર પ્રશ્ર્ન છે,ફેંકી દો તમતમારે મને. તમે જો બચતા હો તો કુરબાન છે આ કાયા. શરીર તો આજે છે ને કાલે નથી. બધાં બહુ રાજી થયા કે ચાલો,આ તૈયાર થયો. બધાએ ઉઠાવીને એને માછલીના પેટમાં નાખી દીધો. બધાને થયું કે હવે તો શાંત થઈ ગઈ,એટલે કોઈ ચિંતા નથી. છતાંય માછલી ઉછળી. હવે એક જ રસ્તો છે,ભાલા,તલવાર,બરછી,જે જે હથિયાર છે એ લઈને માછલીને મારવા લાગ્યા. માછલી મરી ગઈ પછી એને કાપી. આશ્ર્ચર્ય ! અંદર પેલો વેપારી બેઠેલો ! આ લોકોએ જે ફર્નિચર નાખેલું તેમાંથી આગળ ટેબલ મૂક્યું,ખુરશી મૂકી ને અંદર ખાવાનું જે નાખેલું,તેના પડીકા કરી કરી માછલી પહેલા જેને ખાઈ ગયેલી તેને વેચતો હતો. લે,આ બ્રેડ આટલા રૂપિયાની,આ બ્રેડ આટલા રૂપિયાની ! આ માછલી તો પહેલેથી ગળતી હતી. ઘણાને ગળી ગયેલી. ટેબલ-ખુરશી બધું સરખું કરી દીધું,દુકાન કરી દીધી અને બ્રેડ,બટર જે બધું નાખ્યું હતું એ લઈ લઈને એક એક પાઉન્ડમાં ત્યાં વેચવા માંડ્યો !
આશ્રય કોનો કરવો બાપ? હું વારંવાર આશ્રય ઉપર બોલી રહ્યો છું અને અતિ નિતાંત આવશ્યક છે. સાધક ભૂલ ન કરી બેસે. એક સંસારી જ્યાં જાય ત્યાં દુકાન ઊભી કરી દે,મારા બાપ ! ગૃહસ્થ કદાચ સાધુચરિત હશે તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઘરને તપોવન બનાવી દેશે. એક સંસારી કોઈપણ વેશમાં હશે,સંસારિક ભાવમાં રહેશે તો મંદિરને પણ દુકાન બનાવી દેશે,વ્યાપાર બનાવી દેશે,એનો કોઈ ભરોસો નહીં. સંસારીનું કંઈ ઠેકાણું નહીં. ખોટું નહિ લગાડતા પણ વેપારીને ગમે ત્યાં બેસાડો,વ્યાપાર કરી નાખે. ઈશ્ર્વરની શરણાગતિ ત્યાં થશે જ્યાં માનસ સમ હશે. તેથી જેનું ચિત્ત સમાન છે,જેનું સમાન દર્શન છે તેનો આશ્રય કરવો. ભગવાન રામ સમ પણ છે. ભગવાન રામ જેવા સમાન કોણ? બીજું,જે પવિત્ર છે તેનો આશ્રય કરવો. પ્રભુનો યોગ કોણ સાધી શકશે? જે પવિત્ર હશે. આશ્રય એનો કરવો જે પવિત્ર હશે,બહારથી શુદ્ધ અને ભીતરથી પવિત્ર. ભગવાન પવિત્ર છે. રામજીની પવિત્રતા માટે કોઈ સવાલ નથી. દુનિયાની જેટલી પવિત્રતાઓ જેનાથી પવિત્ર થાય છે તે છે-રામ. એવા માણસ પાસે ન જવું જેનું જીવન આપણને ચૂભે,દંશ દે. શાંતિ પમાડે તેને સંત કહીએ. સંત સૌને શાંતિ આપશે પરંતુ સંત પાસે પોતાના માટે શાંતિ નહીં હોય ! વિશ્ર્વના કલ્યાણ માટે જેનું ચિત્ત સદા વ્યગ્ર રહે છે તે છે સંત. જેનું અંત:કરણ પ્રભુ પ્રેમમાં ભીનું રહેતું હોય તેનો આશ્રય કરો. જ્યાં કોલાહલ નથી અને જ્યાં જવાથી આપણે મૌન થઈ જઈએ એવાનો આશ્રય કરો.     
 સંકલન: જયદેવ માંકડ

Advertisement