મહિલાઓ માટે મફત મેટ્રો મુસાફરી


કેજરીવાલ સરકાર દિલ્હીમાં મહિલાઓ માટે મુસાફરી મફત કરી રહ્યા છે. આમ તો ઈલેકશન આવે છે, એટલે આવા ગતકડા પણ આવવાના જ. અને મફતથી મોટું વધુ મફત સિવાય કશું નથી. મેટ્રો રાઈડ ફ્રી કરવાથી મહિલાઓની સુરક્ષા પણ વધશે એવો સરકારનો દાવો છે, તો એવું પણ કહે છે કે મહિલાઓ ઘરની બહાર નીકળશે તો જેમ પડ્યો પોદળો ધૂળ લઈને ઉખડે એમ ઘરની બહાર નીકળેલી મહિલા કશુક ખરીદીને જ આવશે. આમ ઇકોનોમીને પણ ફાયદો થશે. બીજા શું ફાયદા થશે?મહિલાઓ માટે બીજું શું કરવું જોઈએ?
- દિલ્હી સરકાર કહે છે કે આ મફતનો ખર્ચો સરકાર ઉપાડશે. હા,જાણે ધારાસભ્યો એમનો પગાર જતો કરવાના હોય! કાકા, તમે જે વહેંચો છો એ કોકના પરસેવાની કમાણીના રૂપિયા તમને ટેક્સમાં મળેલા છે.
- આ નિર્ણયથી ટુ અને ફોર વ્હીલર ચલાવતી મહિલાઓ રસ્તા ઉપર ઓછી ફરતી થશે. પુરુષો કહેશે, ઓહો જબરજસ્ત રાહત!પુરુષ વાહનચાલકોના હેપીનેસ ઇન્ડેક્સમાં ઉછાળો આવશે.
- મહિલાઓ ટુ-વ્હીલર ઓછી ચલાવશે એટલે ચંપલ ઇન્ડસ્ટ્રીને નુકસાન થશે, પણ મુનસીટાપલીના રોડ વધારે ટકશે.
- ઘરની ઓટલા પરિષદ હવે ટ્રેનમાં ભરાશે. અમુક તો ખાલી ગપ્પા મારવા ઘરથી છેલ્લા સ્ટેશન સુધી જઈ ને પાછી આવશે જેમ કે : ‘સુધા બેન હેંડો આ વટાણા ફોલવાના છે અહીં ગરમી બહુ છે મેટ્રોના એસીમાં ફોલીને આઇએ’.
- અમુક તો કામ માટે નીકળી હશે પણ ગપ્પા મારવા માટે એટલી બધી બહેનપણીઓ મળી જશે કે સ્ટેશન આવી જશે ને ખબર પણ નહીં પડે. જોકે આમ થવાથી મહિલાઓના હેપીનેસ ઇન્ડેક્સમાં ઉછાળો આવશે અને સરકાર આખા પાનાની જાહેરાત છપાવી એની ક્રેડીટ લઈ શકશે.
- ને સ્ટેશન પર આવુંય સાંભળવા મળશે:
‘ક્યાં ચાલ્યા મમતાબેન?’
‘મમ્મીને ત્યાં પાણીનો જગ ભરવા માયાબેન, મારું આરઓ બગડી ગયું છે.’
‘પણ તમારું પિયર તો છેક પેલા છેડે છે, અહીં કોકના ત્યાંથી ભરી લેવું’તું ને?’
‘અરે, મમ્મીને બે દિવસથી ઘૂંટણનો દુખાવો છે તો ખબર પણ કાઢી આવું’.
‘તો ઠીક, મનેય ત્રણ દિવસ થઈ ગયા મમ્મીને ઘેર ગયે, બહુ યાદ આવે છે’.
- ફેરીયાઓને રકઝકની પ્રેક્ટીસ થશે. દિલ્હીના ફેરિયાઓ છેક ચીનમાં ભાષાની જાણકારી વગર મગજમારી કરીને માલ ખરીદવા જવા સક્ષમ બની જશે.
- સવાર સવારમાં જો મહિલાઓ ઘરની બહાર નીકળી જશે તો પુરુષોએ ઓફીસ જવાની ઉતાવળ નહીં કરવી પડે, આમ પીકઅવરમાં ઓછી ભીડ થશે. ઘરમાં બાથરૂમ સંબંધિત પચાવી પાડવાના, ઘુસી જવાના, રોકી રાખવાના, બાથરૂમમાં રહેવા જતા રહ્યાના ઝઘડાઓ પણ ઘટશે.
- મેટ્રો સ્ટેશનની બહાર જાતજાતની મહિલા વિષયક વસ્તુઓના વેચાણમાં વધારો થશે. મુનસીટાપલીની દબાણ હટાવવાની ગાડીઓને પણ કામ મળશે.
- ચેઈન ચોરોને જલસા પડશે, કારણ કે વધારે ટાર્ગેટ મળશે એમને.એકની એક મહિલાઓ જે અત્યાર સુધી એક કરતા વધારે વખત શિકાર બનતી હતી એવા કેસ નહીં બને.
- વધુ મહિલાઓ મેટ્રોમાં મુસાફરી કરશે તો વધુ પુરુષો પણ નયનસુખ માટે મેટ્રોમાં ફરશે. ધારો કે ડબ્બો અલગ હોય તો પણ શું થયું? પુરુષો થોડા સુધારવાના છે!
- મહિલાઓઘરની બહાર નીકળશે, તો આપણને સાસ-બહુ સિવાયના વિષયો ઉપર પણ સિરીયલો મળશે.
- દિલ્હી પ્રદુષણ માટે પ્રખ્યાત છે. અત્યાર સુધીમાં ઘરની ચાર દીવાલોમાં જે હોંકારા-પડકારા, ચીસો, ચિત્કારો થતા હતા એ હવે બહારની મુક્ત હવામાં પ્રસરશે.
- કેટલાય પુરુષ કલાકારો પછી બુરખા, લેડીઝ ડ્રેસ, વિગ, ચોટલા, ચૂડી-ચાંદલા, ટેનિસ બોલ માર્કેટમાંથી ઉપાડશે. ઇકોનોમીને ફાયદો જ ફાયદો!
- અને પછી શ્રી રમેશ પારેખની રચના કેજરીવાલ થોડા ટ્વીસ્ટ ગાશે કે :
આ સીએમની ખુરશી બહુ ગમતી જગ્યા છે,
અહીં ટીકીટ કાઉન્ટર હતા એ ક્લોઝ થયા છે.
હવે પ્લેટફોર્મમાં સેલના પાટિયા લાગશે,
મેં મેટ્રો ફ્રી કરવાના ગુના કર્યા છે.
" જો વોટ માટે જ આ બધું થતું હોય તો બીજું બધું પડતું મુકીને સરકારે પહેલા પાણીપુરી ફ્રી કરવી જોઈએ. મહિલાઓના વોટ 100% ગજવામાં. ચાલુ ટ્રેનમાં પાણીપુરી ખવડાવો તો ધક્કામુક્કી થઈ જાય!
" મહિલાઓ માટે બીજા ઉપાયોમાં સરકારે શાકભાજી સાથે કોથમીર-મરચા ફ્રી કરી આપવા જોઈએ. આમ થાય તો મહિલાઓને દર વખતે રકઝક કરવામાંથી મુક્તિ મળશે. સરકાર શાકભાજીના વેચાણ પર જોખમાં મફત અપાતા આવા કોથમીર-મરચાની સબસીડી વેપારીઓને ક્રેડિટ આપી શકે છે.
" અને સેનીટરી નેપકીન પણ ફ્રી કરવા જોઈએ. પછી ભલે ને જેને જરૂર ના હોય એ પણ ઉઠાવે અને નેપકીનથી કિચન પ્લેટફોર્મ સાફ કરે! સ્કોચબ્રાઈટ કંપનીની દિલ્હી સેલ્સ ટીમે રોજગારના વિકલ્પ શોધવા પડેએટલું નુકસાન ખરું. પણ મહિલાઓના કલ્યાણાર્થે એટલું જતું પણ કરવું પડે! વિશાળ હ્રદય રાખો મિત્ર!
ઇનસ્વીંગર
ભારતીય પધ્ધતીના બેઠા સંડાસમાં કાણાવાળી ખુરશી મુકવાની શરૂઆત પણ કોઈ નેતાએ જ કરી હશે. ખુરશી જોઈએ એટલે જોઈએ!

Advertisement