જીભનો ઈલાજ થઈ શકે છે પરંતુ જીભના પ્રહારનો ઈલાજ સદીઓ સુધી નથી થઈ શકતો


Advertisement

એક રાજા હતો. તેને એક સુંદર નવો મહેલ બનાવ્યો. તે મહેલની રચના અને કારીગીરીને કારણે એ સમયનો એ ખૂબ સુંદર મહેલ ગણાવા લાગ્યો. દૂર-દૂરથી લોકો આ મહેલ જોવા આવવા લાગ્યા. રાજા પણ ખૂબ ખુશ થઈ બધાને પોતાનો મહેલ બતાવે. અનેક નામી-અનામી લોકો મહેલ જોવા આવે અને વખાણ કરે. પરંતુ નજીકમાં જ એક ગામ હતું તેનો મુખિયા આ મહેલ જોવા આવે નહીં ! રાજાને પણ ખ્યાલ હતો કે લગભગ બધા લોકો મારો મહેલ જોઈ ગયા છે પણ આ મુખી હજુ સુધી મહેલ જોવા આવ્યો નથી.
ઘણી રાહ જોઈ પછી છેલ્લે એક દિવસ રાજાએ સામેથી તે મુખીને મહેલ જોવા બોલાવ્યો. મુખી આવ્યા. મહેલની રચના એવી હતી કે મહેલનું જે મુખ્ય પ્રવેશદ્વાર હતું તે જરા નીચું હતું એટલે જે કોઈ પણ અંદર આવે તેને થોડું નમીને અંદર આવવું પડે. અને રાજા બરાબર પ્રવેશદ્વારની સામે જ બેસે અને જે કોઈ આવે તેની સલામ ઝીલતો જાય. રાજા તો મુખીનો હાથ પકડી તેને આખા મહેલમાં ફેરવે છે. નાની-નાની વસ્તુઓ બતાવે છે પણ મુખી કંઈ બોલતો નથી. આમ જોતાં-જોતાં આખો મહેલ જોઈ ને પાછા મુખ્ય ખંડમાં આવી પહોચે છે. રાજાએ થોડી રાહ જોઈ કે મુખી શો પ્રતિભાવ આપે છે? પણ આ કંઈ બોલે તો ને ! રાજાએ પૂછ્યું મુખી,તમને આ મહેલમાં કંઈ સારું ન લાગ્યું? તમે તો કંઈ બોલતા જ નથી. મુખીએ કહ્યું કે રાજાજી વાત એમ છે કે જેની પાસે પૈસા હોય તે આવો મહેલ તો બનાવી શકે. પણ મને એક ચિંતા થાય છે. રાજાને નવાઈ લાગી,મારા મહેલમાં તમને ચિંતા? કઈ વાતની ચિંતા છે? મુખીએ કહ્યું કે મહેલમાં બધું ખૂબ સુંદર છે પણ આ મુખ્ય દરવાજો જે છે તે બહુ નાનો છે. અને તમે મરશો ત્યારે તમને બહાર કેમ કાઢશે? રાજા તો આ સાંભળી,રાજા તો ગુસ્સાથી લાલ-પીળો થઈ ઊઠ્યો. અરે,હજી તો આ મહેલનું વાસ્તુ નથી થયું અને તું મારા મૃત્યુની ચર્ચા કરે છે ! રાજાએ તો ત્રણ તાળી વગાડી અને સેવકો દોડતાં આવ્યા. આ મુખીને પકડીને જેલમાં બંધ કરી દો. મારો મહિમા એક તરફ રાખીને મેં હાથ પકડીને આખો મહેલ બતાવ્યો અને આ મૂઢ મારા મૃત્યુની વાતો કરે છે. આને અંધારી કોટડીમાં બંધ કરી દો.
આ તરફ બપોર થઈ ગઈ હોવા છતાં મહેલ જોઈ અને પતિ પાછો ઘેર ન આવ્યો એટલે મુખીની પત્નીને ચિંતા થવા લાગી. રાજાએ મારા પતિને બોલાવ્યા હતા અને રાજ્યના કામથી ક્યાંક બહારગામ તો નહીં મોકલી દીધાં હોય. આવું વિચારી તે તપાસ કરવા રાજાના મહેલ પર જાય છે. દરવાજામાં ઝૂકીને રાજાને પ્રણામ કરે છે મહારાજ, આપે મારા પતિને બોલાવ્યા હતા. પણ તે હજી સુધી ઘેર પહોચ્યા નથી. આ સાંભળી રાજા ગુસ્સામાં આવી ગયો. ખબરદાર જો એનું નામ પણ મારી પાસે લીધું છે તો. મેં પોતે એને આખો મહેલ બતાવ્યો અને મૂઢ એમ કહે છે કે મહેલ તો સરસ છે પણ તમારું શરીર ખૂબ મોટું છે. એટલે તમે મરશો તો તમને બહાર કેમ કાઢશે? આમ કહી તેણે મારું અપમાન કર્યું છે એટલે મેં તેને જેલમાં પૂરી દીધો છે.
અરે મહારાજ,એ તો હવે વૃદ્ધ થઈ ગયા છે. એની બુદ્ધિનું કોઈ ઠેકાણું જ નથી એટલે ગમે તેવું બોલ્યા કરે છે. મહારાજ, ભગવાન આપને સો વરસના કરે. પણ માનો કે વચમાં તમને કંઈક થઈ જાય અને તમારા શરીરને બહાર કાઢવામાં તકલીફ પડે તો તમારા શરીરના બે-ત્રણ ટુકડા કરી નાંખવાના. એમાં શું મોટી વાત છે ! મર્યા પછી શરીર અખંડ રહે કે ખંડિત રહે શું ફેર પડે. બે-ત્રણ ટુકડામાં શરીરને બહાર કાઢી પાછુ સાંધી લેવાનું અને એની પર કપડું ઢાંકી દેવાનું. રાજા ક્રોધથી કાંપવા લાગ્યો,ફરી ત્રણ તાળી વગાડી,સૈનિકો આ સ્ત્રીને એના પતિની બાજુની કોટડીમાં બંધ કરી દો.
હવે તો સંધ્યાનો સમય થયો છે. મુખીનો દીકરો ખેતરેથી ખેતીકામ પૂરું કરી ઘરે આવ્યો. ઘરમાં જોયું તો માતા-પિતા કોઈ નહીં. પાડોશીઓને પૂછ્યું કે મારા માતા-પિતા ક્યાંક ગયા છે? પાડોશીઓએ કહ્યું કે તારા પિતાને સવારે રાજાએ બોલાવ્યા હતા ખરા. બપોર સુધી ન આવ્યા એટલે તારી મા પણ તેને શોધવા ગઈ છે. છોકરો તો પહોચ્યો રાજા પાસે. મહારાજ,હું મુખીની દીકરો છું. મારા મા-બાપ હજી ઘરે પહોચ્યા નથી. છોકરો હજી પોતાની વાત પૂરી કરે એ પહેલાં વચ્ચે જ રાજા બોલી ઊઠ્યો,મારી પાસે એ બંનેનું નામ જ ના લેતો. એક કહે છે કે મારું શરીર બહાર નહીં નીકળે અને તારી મા કહે છે કે શરીરના બે-ત્રણ ટુકડા કરી નાંખો. આવું બોલાય? મુખીના દીકરાએ કહ્યું અરે મહારાજ,આપ તો ઈશ્વરના અંશ કહેવાવ. મારા માતા-પિતાની બુદ્ધિનું કોઈ ઠેકાણું જ નથી. માનો કે તમને કાંઈ થઈ જાય તો એમાં તમારા શરીરના ટુકડા કરવાની કોઈ જરૂર નથી. મહેલમાં ઘણી જગ્યા છે. અહીંયા જ ક્યાંક તમને દફનાવી ન દેવાય. રાજાએ ત્રીજી વખત તાળી પાડી... !
મારા ભાઈ-બહેનો,બત્રીસ દાંત વચ્ચે જીભ રહે છે. જીભમાં હાડકું નથી હોતું. પરંતુ જીભ જો ઈચ્છે તો આપણા હાડકાં તોડી શકે છે. એટલે કે જ્યારે બોલો ત્યારે વિચારીને બોલજો. જીભ પર કાંઈ થાય તો એનો ઈલાજ જલદી થઈ જાય છે. પરંતુ જીભ જેના પર પ્રહાર કરે છે એનો ઈલાજ સદીઓ સુધી થઈ નથી શકતો. એને કહેવાય છે વ્યથાવાણી.
સંકલન : જયદેવ માંકડ

Advertisement