ઈશ્વર કૃપાનિધાન છે, કૃપાળુ છે, છતાં તેની કૃપાનો અનુભવ કેમ નથી થતો ?


મોરારિબાપુ
કોઈએ મને ગત કથામાં પૂછ્યું કે, ઈશ્વર આટલો બધો કૃપાનિધાન છે, કૃપાળુ છે, કૃપા જેનું સ્વરૂપ છે એ કૃપાનો અનુભવ કેમ નથી થતો ? ગાઢ જંગલ હોય અને વૈશાખ મહિનાનો સૂરજ ઉપર હોય તોય ઘણા જંગલ એવા હોય બાપ ! સૂરજનું કિરણ જમીન પર પહોંચે નહીં. એમાં સૂરજ તપતો નથી એમ નહીં, સૂરજ તો તપે છે પણ જંગલ એટલું ગાઢ છે કે કિરણ પહોંચતું નથી. એમ મારો ને તમારો અહંકાર એટલો ગાઢ હોય છે કે કૃપાના કિરણો પહોંચતાં નથી.
આ કથા શું કરે છે ? એક જ કામ કરે છે કે થોડું જંગલ પારવું કરી નાખે. થોડી ડાળીઓ કાપી નાખે. આજુબાજુનાં ઝાંખરા, પાંદડા ઓછાં થઈ જાય તો કિરણ પહોંચે. કથાનું પણ એ જ કામ છે.
रामकथा कलि बिटप कुठारी | सादर सुनु गिरिराजकुमारी ||
એ કુહાડો છે. રામકથાનો કુહાડો શું કરે છે ? સંશયને કાપે, સંદેહને કાપે, અહંકારને કાપે. અહંકારનું જંગલ ગાઢ થઈ ગયું છે જેથી આપણે કૃપાનો અનુભવ નથી કરી શકતા. એ અહંકાર ઓછો થઇ જાય.
એક વખત એવું બન્યું કે અહંકાર મને મળવા આવ્યો. હું યજ્ઞ પાસે બેઠો હતો. એને મને કહ્યું કે તમે બધાનાં નામ પડી આપો છો તો મારે પણ ત્રણ દીકરા છે એનું નામકરણ કરી આપો. મેં કહ્યું આવ, બાપા, બેસ. ચા-પાણી લઈશ ? કહે ના, ઓલું હોય તો આપો. એ તો એ જ પીવે ને ! મેં કહ્યું મારી પાસે ઈ તો નહીં મળે. ચાય પીવી હોય તો આપું. અહંકાર માનની મદિરા પીવે, મદની મદિરા પીવે. એનો ખોરાક જ જુદો છે. મેં કહ્યું : બેસો, શાંતિથી બેસો. આપણે એનાં નામ પાડીએ. આપ વિચારજો, અહંકાર આપણને મળવા આવે ત્યારે એના ત્રણ દીકરાઓને સાથે લઈને જ આવે છે. એ એવા ચિરંજીવી છે કે ઘરડા જ ન થાય, ન મરે. અહંકારના ત્રણ દીકરા, એકનું નામ દુરાગ્રહ, બીજાનું નામ હઠાગ્રહ અને ત્રીજાનું નામ પૂર્વગ્રહ.
આપણામાં અહંકાર હોય એટલે નાની-મોટી વસ્તુ માટે હઠાગ્રહ શરુ થઈ જાય. અને અહંકારને કારણે વ્યક્તિ તરફ પૂર્વગ્રહ થાય. આ બધાને તોડવાનું કામ રામકથા કરે છે. આપણા બધાના જીવન વિશે વિચારીએ કે વિચારની સાથે હંમેશા આપણે દુરાગ્રહ પણ રાખતા હોઈએ છીએ. જેનાં જે વિચાર હોય તે તેને મુબારક. આપણને આપણા વિચારોનો આગ્રહ હોય તે માની શકાય પણ જ્યારે દુરાગ્રહ થાય ત્યારે સમજવાનું કે અહંકારનો દીકરો આવ્યો. અહંકારનો ત્રીજો દીકરો, પૂર્વગ્રહ. વ્યક્તિઓની સાથે આપણને પૂર્વગ્રહ હોય છે એથી ઈશ્વરની કૃપાનો અનુભવ નથી કરી શકતા. મારે તમને એટલું જ કહેવું છે કે બિલકુલ પૂર્વગ્રહ, હઠાગ્રહ છોડીને ‘ માન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ ’. વેદાંતની વાતો, કથાનું રહસ્ય તો જ સમજાશે બાપ ! દુરાગ્રહ, હઠાગ્રહ કે પૂર્વગ્રહ છોડીને તુલસીની દ્રષ્ટીએ કળિયુગનું દર્શન જુઓ. ક્યાં પરશુરામજીનું મૂળ સ્વરૂપ... એ કહે છે કે મારી પાસે કુહાડો હતો પણ તેનાથી મારા ઝાડવાં ન કાપી શક્યો પણ હે રાઘવ, તારી વાણીરૂપી શસ્ત્રથી, શાસ્ત્રથી મારા જંગલને કાપી નાખ્યું. મને રામકૃપાનો સૂરજ દેખાયો. અનુભવમાં આવ્યો. ગાઢ જંગલને લીધે તારી કરુણાનાં કિરણો મારા સુધી પહોંચતાં ન હતાં. થોડું ભૂલાઈ ગયું હતું પણ જ્યારે પરશુરામજીનો મદ ગયો, માન ગયું, મોહ અને જડતા ગઈ ત્યારે એ જુદા જ રૂપે દેખાય છે. આપણું મૂળ રૂપ તો સારું જ છે બાપ ! પણ અભિમાનને લીધે, અજ્ઞાનને લીધે આપણે ભૂલી જઈએ છીએ. મોહ મારે છે, હેરાન કરે છે. મોહનો મોટામાં મોટો ઘા આ છે કે તે આપણને રામભજનથી વિમુખ કરે છે. મોહનું સીધું સાદું ગણિત એટલું કે તે આપણને રામભજનથી દૂર કરે.
कलिजुग केवल हरिगुन गाहा |
गावत नर पावहि भव थाहा ||
તેથી રામાયણનો દરેક શબ્દ દુરાગ્રહ,પૂર્વગ્રહ અને હઠાગ્રહ છોડીને એનાં મૂળ અર્થમાં સમજશો તો જ સમજાશે. કળિયુગમાં માણસ કેવળ હરિગુણનો આશ્રય કરે, ગાયા કરે બસ. સંસારનો થાહ મળી જશે કેવળ હરિગુણથી. ભવનો થાહ મળી જશે. એને જગત બરાબર સમજાઈ જશે કે દુનિયા એટલે શું ? દુનિયા કેટલા પાણીમાં છે એનો ખ્યાલ આવી જશે. બીજું કંઈ નહીં કરવું પડે, અને જગતનો થાહ મળી જશે કે બસ,જગત આટલામાં છે. આ તારું સ્વરૂપ છે, તું આટલામાં છે. બિલકુલ દુરાગ્રહ છોડીને, પૂર્વગ્રહ છોડીને અને હઠાગ્રહ છોડીને વ્યાસપીઠની નજરે આ પ્રસંગને જોજો. સંસારનો થાહ મળી જશે હરિગુણથી. કળિયુગમાં મોટો યોગ નહીં સાધી શકાય. આજે યજ્ઞની પરંપરા પ્રમાણે યજ્ઞ પણ નથી કરી શકતા. એક જ આધાર છે, રામગુણ ગાના. શર્ત એટલી જ છે કે માન રે મૂકીને તમે આવો ને મેદાનમાં. બાપ ! અભિમાનના જંગલને કાપી નાંખો. નવ દિવસ બેસીને રામાયણની કુહાડી દ્વારા જંગલ થોડું પારવું થઈ જાય ! મારા નાથની કૃપાનો, કરુણાનો તત્કાલ અનુભવ થઈ જાય. શાસ્ત્ર દ્વારા પૂર્વગ્રહ, હઠાગ્રહ અને દુરાગ્રહ જો નીકળી જાય તો સામાજિક જીવન સરસ બને. કોઈ પણ ક્ષેત્ર સરસ બની જાય. એટલા માટે આ કથા છે. જીવનના આદિમાં પણ ભગવાન અને અંતમાં પણ ભગવાન રહે તો વાંધો નહીં આવે. અહંકારના ગાઢ જંગલને કારણે કરુણાનાં કિરણો મારા સુધી પહોચતા નહોતા.
સંકલન : જયદેવ માંકડ
(માનસ-કલિધર્મ, સરલી,કચ્છ,૧૯૯૮)

Advertisement