દિલ પુકારે આરે આરે, લેફ્ટ રાઈટ લેફ્ટ!


મસ્કાબન:
સોશિયલ મીડિયા પર ઝઘડતા લોકો અમુમન જાહેર કાર્યક્રમમાં સાથે આઈસ્ક્રીમ ખાતા હોય છે!


સાયકોલોજીમાં એક થિયરી છે, લેફ્ટ બ્રેઈન અને રાઈટ બ્રેઈન થિયરી! જનરલી એવું કહેવાય છે કે લેફ્ટ સાઈડ બ્રેઈન એ એનાલિટિકલ થિંકિંગ કરે છે, લોજિકલ! રાઈટ બ્રેઈન લાગણીથી કામ લે છે, ક્રિયેટિવ કામો કરે છે! હવે જેનું લેફ્ટ બ્રેઈન પાવરફુલ હોય એ માણસ મોટેભાગે બિઝનેસ, લોજીક વગેરેમાં સ્ટ્રોંગ હોય અને ક્રિયેટિવ ફિલ્ડનાં લોકો મોટેભાગે રાઈટ બ્રેઈન ડૉમિનન્ટ હોય છે! પણ આ તો સાયકોલોજીની વાત થઇ, સોશિયલ મીડિયા અને સમગ્ર દેશમાં ડિજિટલ પ્લેટફોર્મ પર હવે દરેક વસ્તુ અને મુદ્દા પર બીજું એક લેફ્ટ-રાઈટ ઘુસી ગયું છે જેની આજે વાત કરવી છે! આ આર્ટિકલ વાંચીને તમને કદાચ હસવું પણ આવે અને ગુસ્સો પણ આવે, પણ હળવાશથી મનોમંથન કરીએ તો કૈંક આવા તારણો નીકળે છે!

તાજેતરમાં મુંબઈનાં ફિલ્મ સીટી અને જોગેશ્વરી પાસે આવેલા દેશનાં એકમાત્ર અર્બન જંગલ કહી શકાય એવા આરે ફોરેસ્ટનાં લગભગ 2300 વૃક્ષને કાપી નાંખવામાં આવ્યા, અને મુંબઈ મેટ્રોનો રૂટ વધારવા માટે આ વૃક્ષોનો રાતોરાત સોથ વળી ગયો! એ વસ્તુ નેચરલ હતી કે આનો વિરોધ થવાનો જ હતો! તરત જ લોકો બે વિભાગમાં ડિવાઇડ થઇ ગયા, જે લોકો એ વિરોધ કર્યો અને વૃક્ષો બચાવવાની વાત કરી એમને વિકાસ વિરોધી ડફોળોનું લેબલ આપીને લેફ્ટિસ્ટનું બિરુદ અપાયું અને જે લોકો એ તરફેણ કરી એ જ સાચા હોવાનું ઠસાવી દેવામાં આવ્યું! ઈકો સિસ્ટમને ડિસ્ટર્બ કરનાર કોઈ પણ ઘટના સામાન્ય રીતે વખોડવી જોઈએ પણ માહૌલ એવો છે કે સરકાર કે દેશનાં કોઈ પણ કામ વિષે વિરોધ થાય તો દેશદ્રોહી, લિબ્રાન્દુ, લેફ્ટિસ્ટનાં ટેગ લાગે છે! હસતાં હસતાં મુંબઈ પાસેનાં લવાસા સિટીમાં જઈને ફોટો પડાવતી વખતે આપણે પણ જાણીએ છીએ કે કેવી રીતે આપણે કુદરતનો વિનાશ વેર્યો છે!

Image result for metro

પણ આ તો માત્ર એક ઉદાહરણ છે, લેફ્ટ અને રાઇટનો કન્સેપ્ત દિમાગની અંદર એવો ઘુસી ગયો છે કે હવે ફેસબુક પર લેખકોનો વિરોધ કે ટીકા કરતી નનામી કે નામ સાથેની પોસ્ટને પણ લેફ્ટિસ્ટ કહેવામાં આવે છે, લેખકો પણ હવે એક રાષ્ટ્રવાદી છે અને એક દેશદ્રોહી લેફ્ટિસ્ટ છે! જેમ અમુક સંપ્રદાયનાં લોકો શિવનું નામ લેતા નથી અને કપડાં પણ બનાવવા છે, સીવડાવવા નથી એવું બોલે છે એ લોકોને શિખર ધવન-ગિલક્રિસ્ટ અને વોર્નરથી પણ ચિડ છે કારણકે એ લોકો લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે! આ એ જ લોકો છે જે કુદરતી હાજતે પણ લેફ્ટનાં બદલે રાઈટ હેન્ડનો ઉપયોગ કરે છે!

આવા લોકો એ લાલ કલરથી દૂર જ રહેવું જોઈએ, આ લોકો એ દેશને કેસરી અને લાલ એમ બે કલરમાં વહેંચી દીધો છે! કંકોત્રી પણ લાલ ન હોવી જોઈએ એવું એમનું માનવું છે! દરેક વાતમાં લેફ્ટ અને લેફ્ટિસ્ટને ગાળો દેતા લોકોને સાઉથની હિટ લવસ્ટોરી ફિલ્મ 'ડિયર કૉમરેડ' માં પણ કૉમરેડ શબ્દ જ વંચાય છે! લેફ્ટ અને રાઈટની આ ભાંજગડ એટલી છે કે અંદર થી તો એમને એવું થાય છે કે ડાબા પડખે પણ નથી સૂવું, વાહનો પણ અમેરિકાની જેમ જમણી બાજુ એ જ ચલાવવા છે!

લેફ્ટ સાઈડ કે લેફ્ટ શબ્દ જ આ દુનિયામાં ન હોવો જોઈએ એવું એમનું માનવું છે! ગાય, દેવી દેવતાઓ, મંદિરનો પ્રવેશ, દરેક વાતમાં આ બધું વચ્ચે લાવીને દેશની એવી પત્તર રગડી છે કે ભાઈ ભાઈ અને પાડોશી, દોસ્તો દોસ્તો વચ્ચે પણ વેરઝેર ફેલાયું છે! દરેકે દરેકને દલીલોથી કાપી જ નાંખવા છે! તમે શું માનો છો? તમને જે તમારા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે એને જ તમે સત્ય માણો છો? કે તમે પણ દરેક વાતને લેફ્ટ-રાઈટ દ્રષ્ટિકોણથી જુઓ છો?


ડેઝર્ટ:
इक बगल में चाँद होगा, इक बगल में रोटियां
इक बगल में नींद होगी, इक बगल में लोरियां
हम चाँद पे रोटी की चादर डालकर सो जायेंगे
और नींद से कह देंगे लोरी कल सुनाने आयेंगे - पियूष मिश्रा

Advertisement