ઉબડખાબળ, ઊંડા ને છીછરા વરસાદી ખાડાઓ સાથે સંકળાતું પ્રજા અને સિસ્ટમનું અંકશાસ્ત્ર


પોકળ વાયદાઓ અને પ્રશાસનની ખોખલી કાર્યદક્ષતાને ઉઘાડ આપતા પ્રજાએ અપનાવેલ હથકંડા..
ક્યાંક રસ્તાના અવરોધ પર ચિતરાયેલ અધિકારીઓની મુખાકૃતિ તો ક્યાંક કાલી ઘેલી ભાષાના સંદેશો તો વળી ક્યાંક પારકી આશને ત્યજી હાથે ઉઠાવેલ શસ્ત્ર-સરંજામ એટલે નિંદ્રાધીન લોકસેવકોને જગાડવાનું કાર્ય..
****
છેલ્લા દસેક દિવસથી સમગ્ર ભારતભરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ક્યાંક જળબંબાકાર તો ક્યાંક સાંબેલાધાર તો વળી ક્યાંક મુશળધાર જેવા શબ્દોએ સ્થાન લીધું છે. બારે મેઘ ખાંગા થયાની સ્થિતિ ઠેરઠેર વર્તાય રહી છે. નદી-નાળાથી લઇ ઉપરવાસ ડેમ પણ ઓવરફલો થવાની તગાર પર છે. જુના મકાનોની અભરાઈ પરથી પાણી નીચે ઉતારવા માંડ્યા છે તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. બધાને મન પોતીકો વરસાદ પડી ચૂક્યો છે, હવે ખમય્યા કરો જેવી પરિસ્થિતિએ આકાર લીધો છે. એમાય રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરો જ્યાં પાણીની એક બુંદ માટે પણ આંખો તરસતી તેવા તળના વિસ્તારો પણ બેટમાં ફેરવાયા છે.
વધુ તારાજી સર્જાય તે પહેલા જ વરસાદે વિરામ લઇ લીધો છે પરંતુ અતિ વરસાદની ધાંધલે અસંખ્ય મુસીબતો પણ વહોરી લીધી છે, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે, જેનો નિકાલ ક્યારે અને કેમ થશે તેની તો સ્વયં ઇન્દ્રરાજને પણ ખબર નથી. શહેરમાં એક ખૂણેથી બીજા ખૂણે પહોંચવા ઓવરબ્રિજ અને દોઢસો ફૂટ પહોળા રસ્તા તો બન્યા છે પરંતુ સિંધુ ખીણની સંસ્કૃતિ જેવી ગટર વ્યવસ્થા આજ સુધી નિર્માણ નથી પામી. ગોથિક શૈલીના મકાનો, પર્શિયન શૈલીના સુશોભન, યુરોપિયન બાંધકામો, લાંબા પહોળા રસ્તાઓ અને પશ્ચિમી અર્થવ્યસ્થાને ઉજાગર કરતા સર્જનો તો આપણે જરૂર કર્યા છે, પરંતુ તેની જાળવણી અને તેનું વ્યવસ્થાપન હજુય આપણને નથી આવડ્યું. આજેય બે-ચાર છાંટા પડ્યા નથી કે શેરી-નાકા પર ભૂવા પડી જાય છે. એર કંડીશનિંગ ગાડી તો બધા પાસે છે પરંતુ ચાલી શકાય તેવા રસ્તા નથી રહેતા. અત્ર તત્ર પડેલા ખાડા અને તેના પુરાણમાં ભરાતા ગાબડા બીજા વરસાદે તો ધોવાય જાય છે. આજે પરિસ્થિતિ એવી બની છે કે શહેરોમાં રસ્તા નથી રસ્તા વચ્ચે જે થોડી ઘણી કેડી મળે છે એને આપણે રસ્તા કહીએ છીએ. જેના પર ટ્રાફિકની જે સમસ્યા સર્જાય છે તેની વચ્ચે તો માત્ર બુદ્ધ ભગવાન જ સમતા જાળવી શકે તેમ છે.


રસ્તા પરના ખાડા, મોડી પડતી ટ્રેનો, સત્તાધિશોની પોલમપોલ પર સોનું તુલા બીએમસી વર ભરોસા નાઈ કા.., જેવા ગીતો રચાય તો તેમાં કંઈ ખોટું પણ નથી. દુનિયાના ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સીટી તરીકે ઓળખાતા મુંબઈની સડકો પર ચાલવા સુધ્ધા કેડી બનાવી પડે તો તેના વિકાસની ગતિને નોંધી શકાય છે. આજે મુંબઈની સડકો પર જ્યાં નજર પડે ત્યાં ખાડા અને ભૂવા પડેલા જણાય છે. ત્યારે ભારીભરખમ ટેક્સ વસુલતી સરકારને પાઠ ભણાવવા મુંબઈકરો એકઠા થયા છે. કેટલીય અરજીઓ અને સરકારી બાબુઓના નકારાત્મક વલણને પોષતા મુંબઈવાસી રસ્તા પર ઉતરતા તેમની જ ભાષામાં તેમને જવાબ આપી રહ્યા છે.
બન્યું એવું કે સખત વરસાદના કારણે ઠેરઠેર થયેલ રસ્તાઓના ધોવાણને કારણે મુંબઈકરોને હાલાકી તો ભોગવવી જ પડતી હતી પરંતુ આ હાલાકીનો ભોગ બનતા કેટલાંકે જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને વિફરેલા મુબઈવાસીઓએ પ્રથમ તો સરકારી કચેરીઓમાં અરજીઓ મોકલાવી પરંતુ પ્રત્યુત્તર ન મળતા નવરા સત્તધીશોની બાથે ચડતા એક સંગઠન નીમાયું જેમાં કેટલાંક ચિત્રકારોની નિયુક્તિ કરાઈ. અને પી.ડબ્લ્યુ.સી વિભાગના જ બે અધિકારીઓના રમૂજ ચિત્રોને રસ્તા પરના ખાડા ઉપર જ ચીતર્યા, રસ્તે ચાલતા સૌ તેની આલોચના કરતા તેમના પર પોતાનું વાહન હંકારી ચાલી નીકળતા. જોતજોતામાં જ સરકારી બાબુઓની આંખ ઉઘડી અને શહેરના ભૂવા બુરાવા લાગ્યા. આમ તો આ ખ્યાલ રશિયન વિચારસરણી ઉપરથી નીપજ્યો, જેના સ્થાનિક લોકોએ પણ ઠેરઠેર આવા જ ચિત્રો દોરી સત્તાધીશોને શર્મસાર કર્યા અને જેના પરથી એક ફિલ્મ પણ બની હતી. સમગ્ર પ્રોટેસ્ટને એક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.


એક સર્વે અનુસાર દર વર્ષે ત્રણ હજાર વ્યક્તિઓના મૃત્યુ આવા જ ભયાનક ખાડાઓમાં પડી જવાથી થાય છે. જેને ડામવા જ સન ૨૦૧૫માં એક સંસ્થાની સ્થાપના મુંબઈમાં થઇ હતી, જે આવા જ રોડ-રસ્તા પર પડતા ખાડા અને ભૂવાને ભરવાનું ભગીરથ કાર્ય કરે છે. જે આજે પણ કાર્યરત છે. એવા જ કેટલાંક ઈજનેરો તો કેટલાક બુધ્ધીબાજો જળસંચયથી માંડી પાણીથી સર્જાતી તારાજીને અટકાવાના કિમીયાઓ શોધી કાઢે છે. કોલોની, સરકારી આવાસ, સરકારી સ્થાનકોનું એવી રીતે નિર્માણ કરવું કે જેથી પાણી સરળતાથી વહી જાય અને તેનો સંચય પણ થઇ શકે.
પરંતુ સરકારી બાબુઓની મિલીભગત અને પાસ થતા બજેટથી પણ ઓછા ખર્ચે ડામર પટ્ટી કરતા અધિકારીઓના રોડ કેળાની છાલની માફક ઉતરી જાય છે. જુના રસ્તા ધોવાય તો જ નવા કોન્ટ્રાક્ટ મળે તેવી દાનતથી સરકારી ખજાના ખાલી થાય છે. એવું નથી કે ખાડા અને ભૂવા માત્ર ભારતમાં જ પડે છે. રોડ રસ્તાની બનાવટના પદાર્થ એવા જ હોય છે, જુદી પડે છે તો તેમની ગુણવત્તા. રસ્તાના નિર્માણમાં બિટુમેન નામક એક પદાર્થનો ઉપયોગ થાય છે, જે ગુંદર જેવો હોય છે જેની સાથે પાણી સંપર્કમાં આવતા તેનો ગુણધર્મ વિસરાય છે રોડની વચ્ચે તિરાડો પડવાનું ચાલુ થાય છે, અને જેમાંથી સર્જન પામે છે વરસાદી ખાડાઓ. કેટલાય તત્વચિંતકો તેનો ઉકેલ શોધવાના ધરખમ પ્રયાસ કરી રહ્યા છે.


થોડા સમય પહેલા જ અમેરિકાની યુનિવર્સીટીમાં થયેલા એક રીસર્ચ અનુસાર તૂટતા ને ભાંગતા રોડ રસ્તાનો કાયમી ઉપાય મેળવી શકાય તેમ છે. પરંતુ તે માટે સમગ્ર પરિવહન સિસ્ટમમાં બદલાવ આણવો પડે. જેના ઝાન્કો નામના વિદ્યાર્થીના કહ્યા અનુસાર રોડની બનાવટ વખતે જ તેમાં મેગ્નેશિયેટ નામની ધાતુને તેમાં મિશ્રિત કરવી જેથી મેગ્નેશિયેટ આયાનમાં રહેલ ચુંબકીય તત્વ અમુક તાપમાને ગરમ થાય એટલે તે ચોંટી જાય. જે માટે માઈક્રોવેવ ઓવન જેવી પ્રક્રિયા કરી શકે તેવા વાહનનું નિર્માણ કરવું રહ્યું જે ખાડા પર આવતા જ મટીરીયલને ગરમ કરે અને ગણતરીની પળોમાં જ રોડના તૂટેલા ભાગનું સંધાણ થઇ જાય.
વધતી જતી ટેકનોલોજી અને બુદ્ધિમતાના પ્રમાણને જોતા આવનારા સમયમાં કદાચ એવા રસ્તાનું પણ નિર્માણ થઇ શકે, ત્યાં સુધી તો આવા જ મુંબઈકરો જેવા કીમિયાઓને આવકારી સત્તાધીશોને તેમની કાર્યપ્રણાલીનું ભાન કરાવવું રહ્યું.

Image result for pothole black and white
રોડશાસ્ત્રીઓના ખોખલાપણાને સરેઆમ કરતા મુંબઈકરોના કીમિયા
દર વર્ષ અંદાજીત ૬૦ હજાર કરોડ જેટલો મોટર વ્હીકલ ટેક્સ ભારત સરકાર દ્વારા જનતા પાસેથી વસુલાય છે. જેના વળતર સ્વરૂપ અપાય છે ઉબડખાબળ રસ્તા અને ભૂવાઓ વાળી કાંચી સડક. દ્રૂતગતિથી વિકાસ સાધતા દેશની અર્થવ્યવસ્થા અને ગાડીઓની રફતાર પર બ્રેક લગાવતા આ ખાડા ઉર્ફ ભૂવા લોકોની જીંદગી ઉપર પણ બ્રેક લગાવી રહ્યા છે. દર વર્ષે આવા ખાડામાં પડતા અંદાજીત ૩૦૦૦ લોકોના મૃત્યુ નીપજે છે. પરંતુ જાણીને પણ અંજાન બનતા સરકારી બાબુઓને સાબદા કરવા મુંબઈકરોએ એક નવો ચીલો ચાતર્યો છે. એક અભિયાન અંતર્ગત મુંબઈ વાસીઓ વરસાદના કારણે પડતા ભૂવાઓ ઉપર જે-તે વિભાગના મંત્રીઓના કાર્ટૂન ચિત્રો તૈયાર કરે છે જેથી રસ્તા પરથી પસાર થતા સૌ કોઈ તેની આલોચના કરી શકે. તો કેટલાક સમાજસેવી સંગઠનો દ્વારા આ ભૂવાઓને બુરી પોતે કરેલા કાર્યની નોંધ સરકારી ઓફિસમાં પહોંચાડાય છે. મુંબઈકરોના આ હથકંડા સફળ પણ સાબિત થઇ રહ્યા છે.


શું રોડ પરના વાહન જ ધોવાય ગયેલા રસ્તાનું સંધાણ કરી શકે ખરા..?
રોડના ધોવાણ બાદ તેમાં પડતા ખાડા બાદ તેનું નિરીક્ષણ, તેનું સમારકામ વગેરી જેવી લાંબીલચક પ્રક્રિયામાંથી પસાર થવા કરતા તે રસ્તા પર ચાલતા વાહનો જ ભાંગતા તૂટતા રસ્તાનું રફ્ફું કરી શકે તો તો કેવું મજાનું! કલ્પના સહેજ અટપટી ને ગળે ના ઉતરે તેવી છે પરંતુ યુનિવર્સીટી ઓફ મિનેસોટાના કોરી ઝાન્કોએ આવા જ ઉકેલને વાચા આપી છે, તેમના મત મુજબ રોડની બનાવટ વખતે જ તેમાં મેગ્નેશિયેટ નામની ધાતુને તેમાં મિશ્રિત કરવી જેથી મેગ્નેશિયેટ આયાનમાં રહેલ ચુંબકીય તત્વ અમુક તાપમાને ગરમ થાય એટલે તે ચોંટી જાય. જે માટે માઈક્રોવેવ ઓવન જેવી પ્રક્રિયા કરી શકે તેવા વાહનનું નિર્માણ કરવું જે ખાડા પર આવતા જ મટીરીયલને ગરમ કરે અને ગણતરીની પળોમાં જ રોડના તૂટેલા ભાગનું સંધાણ થઇ જાય. આવનારા સમયમાં બ્રિટન અને જાપાન આવા જ રોડ-રસ્તાના નિર્માણની યોજના પણ ઘડી રહ્યું છે.

Email id : rjaviya11@gmail.com

Advertisement