લોકો કથા સાંભળે છે, સત્સંગ કરે છે છતાં ભજન કેમ સફળ નથી થતું ?


મોરારિબાપુ
મંથરા એક અસૂયાવાળી નારી, જેણે આખી બાજી ફેરવી નાખી અને રામરાજ્યનાં મંડાણ ચિત્રકૂટમાં થયાં. જેનાં શ્રી ગણેશ અયોધ્યામાં થવા જોઈતા હતા ત્યાં ન થયા, ચિત્રકૂટમાં થયા કારણ કે ત્યાં મંથરા નથી ગઈ, ત્યાં અનસૂયા હતા. જેનામાં ઈર્શ્યાવૃત્તિ નથી તે બુદ્ધિ એટલે અનસૂયા. અસૂયા નથી તે. મનથી, વચનથી અને કર્મથી જે કોઈનો સંસારમાં દ્રોહ ન કરે તે મનુષ્ય શીલવાન. એક ઈર્ષ્યાવૃત્તિ, એક દ્વેષબુદ્ધિએ આ કર્યું. મંથરા કહે છે રામ ક્યાંના સાધુ ? કૌશલ્યા ક્યાંની સાધુ ? અને કૈકેયીને પણ એ જ શીખવી દીધું. સમય જતો રહ્યો; સમય ફરે છે, ત્યારે પારકાં થઈ જાય પોતાનાં જે હોય તે પણ મિત્ર દુશ્મન થઈ જાય. આ જે એક ઈર્ષ્યા છે આપણે અત્રિ સ્તુતિની વાત લ્યો ને? એમાં આવ્યું છે, ‘ભજન્તિ હીન મત્સરાઃ’ અત્રિ કહે છે કે તમારું ભજન સાધુઓ કરે ને તમે મળો, પણ કેવી રીતે ભજન કરવાનું, મત્સર છોડીને, ઈર્ષ્યા છોડીને, જો એવી રીતે ભજન કરે તો એ કોઈ દિવસ ભવાટવીમાં પડશે નહીં. મનથી પણ કોઈનો દ્રોહ ન કરો. કર્મથી પણ કોઈનો દ્રોહ ન કરો તો તમે શીલવાન છો. વાણીથી પણ કોઈનો દ્રોહ થાય તેવું ઉચ્ચારવું નહીં.
पतंति नो भवार्णवे | वितर्क वीचि संकुले ||
મંથરાના મત્સરે રામરાજ્ય અટકાવ્યું. નહીં તો કેટલા સમર્થ મહાપુરુષનો સંકલ્પ હતો કે કાલે રામરાજ્ય થશે, પણ અનસૂયાના અભાવને લીધે એ ન થયું અને ચિત્રકૂટમાં ભરતજી આવ્યા. એ જ ક્ષણે રામરાજ્યની સ્થાપના થઈ, કારણ ત્યાં અનસૂયા વિરાજમાન હતાં. માત્સર્ય ભાવ, ‘ભજન્તિ હીન મત્સરાઃ’ આ ભાવથી હરિને ભજો.
નીલ ઉજ્જવલ મણિ ગ્રંથમાં એક પ્રસંગ છે. વ્રજનો એક નાનો પ્રસંગ છે. એક ગોપી, ભગવાન શ્રીકૃષ્ણ સવારે ગોપબાળકો સાથે ગાયોએ ચરાવવા નીકળી જાય, ત્યારથી રડ્યા કરે કે હવે ક્યારે આવશે ? હવે ક્યારે આવશે ? આપણે ત્યાં વૈષ્ણવ પરંપરામાં અમુક સિદ્ધાંતો કેટલા મહાન ? ઠાકોરજીને શૃંગાર કરે ત્યારે જલ્દી જલ્દી કરી નાંખવાના, શું કામ ? કે હવે દર્શનનો યોગ થશે. પણ શ્રીમદ્ વલ્લભનો શબ્દ છે કે ઠાકોરજીના શૃંગાર ઉતારવામાં મોડું કરવું, સાધક એમાં બહુ વિલંબ કરે, કારણ વિયોગ થશે. એ પછી પડદો બંધ થઈ જશે. પછી એમાં બીજી વસ્તુઓ આવી ગઈ, એ ચર્ચામાં નથી જતો. પણ કેટલો અદ્દ્ભુત ગોપીભાવ છે એમાં કે હું ઠાકોરજીના શૃંગાર ઊતરી દઈશ, તો પછી એમાં શયન આવશે ને મારી રાત કેમ જશે ? એટલે વૈષ્ણવ શૃંગાર કરે, ત્યારે ઉતાવળ કરે કે જલ્દી સંયોગ થશે, દર્શન થશે, અને શૃંગાર ઊતરે ત્યારે ખૂબ વાર લગાડે કે જેટલું બને તેટલું એનું સામીપ્ય મળે. તો, પેલી ગોપી, સવારથી શ્રીકૃષ્ણ જાય, ત્યારથી એના નેત્રોમાં આંસુ ઉભરાય. પછી કરે શું ? રડતી રડતી ફૂલ વીણે, ફૂલની માળા તૈયાર કરે, સાંજે પ્રભુ પાછા ફરે ત્યારે એક વૃક્ષ નીચે ઊભી રહે ને કૃષ્ણને માળા અર્પણ કરે, પણ અવાક્ ! ગોપીગીતના શબ્દમાં કહું તો-
अटति यद भवान्हि काननं त्रुटिर्युगायते त्वामपश्यताम् |
कुटिलकुन्तलं श्रीमुखं च ते जड उदीक्षतां पक्ष्मदृद् दृशाम् ||
આખો દિવસ બેસીને રડતાં રડતાં માળા બનાવે, કૃષ્ણ આવે ત્યારે ફૂલમાળા પહેરાવે. એક દિવસ એવું બન્યું કે એ ગોપીને ખબર પડી કે હું કૃષ્ણને માળા આપું છું, એમ મારી શોક્ય પણ આપે છે. અને કૃષ્ણ એ માળા પણ સ્વીકારે છે. અને સાંભળ્યું છે કે આજે તો એ પણ માળા આપવા આવી છે. સવારથી કૃષ્ણચિંતન ચૂકાઈ ગયું ને શૌક્યનું ચિંતન શરુ થયું, કે એ માળા બનાવશે. માળા કૃષ્ણને આપશે, એ જે ભાવ સતત ચાલ્યો, એમાં પોતે માળા બનાવવાનું ચૂકી ગઈ. એને કૃષ્ણ દેખાયા નહીં. જુઓ, મારો ને તમારો કૃષ્ણ આ રીતે જ અદૃશ્ય થાય છે. શાસ્ત્રો તો દર્પણ છે, એમાં આપણી જાત જોવાની છે. પરિણામે ન પુષ્પ ચૂંટી શકી, ન માળા બનાવી શકી. સાંજે જ્યારે કૃષ્ણ આવ્યા ત્યારે એના હાથ ખાલી હતા અને એની શોક્યે માળા પહેરાવી હતી કૃષ્ણને.
‘ભજન્તિ હીન મત્સરાઃ’, ભજન કેમ કરીશું ? મત્સરથી મુક્ત થઈને, દાહમુક્ત થઈને. અનસુયાનો અર્થ છે ઈર્ષ્યાથી મુક્ત. કળિયુગમાં લોકો ભજન તો બહુ કરે છે પહેલાં કરતાં. બે હજાર ઋષિઓ ભજન કરતાં હતા, છેલ્લો આંકડો આ છે. આજે લાખોની સંખ્યામાં લોકો ભજન કરે છે, કથા આગળ નીકળી ગઈ એમ ગણાય. લોકો ખૂબ કથા સાંભળે છે, સત્સંગ કરે છે. તમારી શાંતિ જ એમ કહે છે કે તમને આ વસ્તુ બહુ ગમે છે. તમને વ્યાસગાદીનો પ્રહાર પ્રસાદ લાગે છે. ધમકી પણ તમને લાગે છે કે ઠીક છે, છતાં ભજન કેમ સફળ નથી થતું ? તુલસીનો પરમ વિશ્રામ અને સૂરની શરણાગતિ કેમ નથી આવતી ? નરસૈંયાનો ભરોસો ક્યાં ગયો ? ક્યાં ગઈ મીરાં ? નરસૈંયો, નાનક, મીરાં, આ બધાં જો આજે આવે તો આ જોઈ એમને આનંદ થાય કે ના, ના, આટલો બધો સત્સંગ ચાલે છે ? આપણે કેટલા બીમાર ને રંક છીએ કે માત્સર્ય છોડી નથી શકતા ! ‘ભજન્તિ હીન મત્સરાઃ’ ! હે ભક્તવત્સલ એવા પ્રભુ હું તને નમું છું. જેઓ મત્સરહીન થઈને ભગવાનનું ભજન કરશે, તેઓ ભવસાગરના દરિયામાં પડતા નથી.
પ્રાણવાયું તો બધાનો છે. તમારા ફેફસાંમાં જેટલી તાકાત હોય એટલો ભરી લ્યો. આ કંઈ હવાઈ જહાજનો પ્રાણવાયુ નથી કે નળી ખેંચીને આપણે નાકે લગાડો. આ તો કુદરતનો આપેલો પ્રાણવાયુ છે. છાતીમાં જેટલો ભરાય તેટલો ભરી લ્યો. કૃષ્ણ તો બધાનો છે, જેટલો પ્રેમ કરાય એટલો કરી લ્યો. પણ ઈર્ષ્યા તત્વ આપણું પતન કરાવે છે.
સંકલન : જયદેવ માંકડ
(માનસ અનસૂયા ગીતા,ગોરજ,વડોદરા)

Advertisement