ભગવાન કૃષ્ણ કહે છે કે આપણું મન જો વિષ મુક્ત થઇ જાય તો અમૃતની પ્રાપ્તિ થાય


મોરારિબાપુ
निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढाः पदमव्ययं तत ||
બાપ ! માનસના મનનું વિષ છે માન. માન અને મદમાં બહુ અંતર છે. મદ એટલે જે હતો નહીં પણ આવ્યો. પછી એ કેટલોક વખત રહે અને નીકળી જાય. દા.ત. મદિરા પીવી. નશો,મદ ચઢ્યો મદ્ય પીવાથી ને અસર ખલાસ થતા ઊતરી ગયો; એને મદ્યપાન કરવાથી મદ ચઢ્યો. એ પીવા પહેલાં એ માણસ એટલો ખરાબ ન હતો. પણ મદિરા પી લીધી, તો એ બગડી ગયો. પછી મદિરા ઉત્તરી ગઈ તો જેવો હતો એવો થઈ ગયો. મદ એ કોઈ કારણવશ ચડે છે. મદ એને કહે જે હતો નહીં, અને અમુક વસ્તુથી અમુક વખત માટે આવી ગયો. સારાં કપડાં પહેર્યાં, ટાપટીપ કરી લીધી, અને તેથી આપણામાં મદ આવી ગયો કે અમે સુંદર દેખાઈએ છીએ. કોઈની સામે ભોજનની સારી થાળી પીરસી કે હું આવું સુંદર ભોજન બનાવું છું. મદ કામચલાઉ હોય છે.
માન એ તો બિલકુલ મનનો સ્વભાવ છે. અને એ માન એ મહાપ્રભુજીની દૃષ્ટિમાં મનનું વિષ છે. ગીતાકાર કહે છે કે મન જો માનથી મુક્ત થઇ જાય, તો અમૃત બની જાય. હનુમાનજીએ આખી ચેષ્ઠા રાવણની સભામાં એ જ કરી છે કે- त्यागहु तम अभिमान | તમોગુણરૂપી અભિમાનનો પક્ષ ત્યાગી દે. સત્વગુણી અભિમાન થોડું રાખ; રજોગુણી અભિમાન રાખ કે તારી પાસે આટલી સંપત્તિ છે, એ ઠીક છે. તું પૂજા-પાઠ કરે છે, એ સત્વગુણી અભિમાન રાખ, પણ તમોગુણવાળા અભિમાનનો પક્ષ છોડી દે.
તો, મનનું વિષ છે માન. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિને મહાપ્રભુજીએ વિષ કહ્યું છે. અને ગોપીજન કહે છે કે ભગવાન, આ વિષૈલા જીવનથી તમે અમને બચાવ્યાં છે. આ વિષથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય છે-કોઈ શ્રેષ્ઠનો આશ્રય, પરમતત્વનો આશ્રય; શ્રેષ્ઠતમ ચરણોનો આશ્રય. મહાપ્રભુજીની એક વાત છે કે ઇન્દ્રિયો કાલિયનાગ , વિષયોમાં એની રુચિ છે જે એક પ્રકારનું વિષ છે. આપણા જીવનની કર્મયુક્ત યમુના ‘ હું’ પણાથી દૂષિત થઇ છે. ગીતાકારે એને વિમૂઢ કહી દીધો છે. જે વાત-વાતમાં હું કરી રહ્યો છું, હું કરી રહ્યો છું એમ કહે છે. મહાપ્રભુજી કહે છે કે હે કૃષ્ણ, તમે અમારી એમાં રક્ષા કરી છે.
ભગવાનનું ચરિત્ર, મહાન વ્યક્તિઓના ચરિત્ર, વિશિષ્ટ મહાપુરુષોના ગુણગાન સાંભળવા એ તો કાનરુપી ઇન્દ્રિય માટે અમૃત છે. કાનનું વિષ એક માત્ર છે-અહીં, તહીંની વાતો, જે સાંભળીને આપણું મન વિક્ષિપ્ત થાય, એવા પ્રકારનું બનવા માંડે તો એ વિષથી આપણે છૂટકારો મેળવવાનો છે. કાનનું અમૃત કથાગાન સાંભળવું એ છે. જો તમારે અધ્યાત્મમાં પ્રવેશ મેળવવો હોય, તો હું પ્રાર્થનાના રૂપમાં કહીશ કે તમારે સંકલ્પ કરવો જોઈએ કે મારા કાન પારકાની નિંદા નહીં સાંભળે ! અમારા કાન કેવળ સંવાદ સાંભળશે, વિવાદ-દુર્વાદ નહીં સાંભળે. વ્યાસગાદીને જે લોકો વર્ષોથી સાંભળી રહ્યા છે એમણે સંકલ્પ કરવો જોઈએ. હવે નિદિધ્યાસનનું ત્રીજું ચરણ તમારી અંદર આવવું જોઈએ, ક્રિયાન્વિત થવું જોઈએ. અને આ કઠણ તો છે જ નહીં, તમે શાંતિથી કહી શકો કે કોઈની નિંદા અમે સાંભળવાના નથી, અમારાં કાનમાં વિષ ન નાંખો ! પ્રયાસ તો કરો. એક બાજુ સત્સંગ ચાલુ છે અને બીજી તરફ એવી-તેવી વાતો સાંભળવાનું ચાલુ છે તે ઠીક નથી. એનાથી બચો. બીજાની નિંદા સાંભળવી એ કાનનું વિષ છે.
આંખનું વિષ છે-બીજા તરફ દ્વેષની દ્રષ્ટી. બહુ સમાધાનપૂર્વક બીજા તરફ આપણો વિવેક હો. સમ્યક વિવેક હો. ગાંધીજીના આશ્રમમાં એક માણસે ચોરી કરી. સવારના નાસ્તાનો સમય હતો. એ માણસને પકડીને બીજા આશ્રમવાસીઓ ગાંધીજી પાસે લાવ્યા. બૂમાબૂમ કરી મૂકી ને કોઈ તો મારવા લાગ્યા. ગાંધીજીના આશ્રમને પણ આને તો છોડ્યો નહીં. ગાંધીજીએ કહ્યું અત્યારે નાસ્તાનો સમય છે, આપણે પછી નિર્ણય કરીશું. પહેલાં એને નાસ્તો આપો ! પછી કહ્યું કે જેમ આપણે જરૂરત છે તેમ એને પણ જરૂરત છે ! પહેલાં એને ખાવાનું આપી દો, પછી નિર્ણય કરશું. કેવી સમ્યક દ્રષ્ટી ! ગાંધીજી સાથે મહાત્મા શબ્દ જોડાયો છે એનો શાસ્ત્રીય અનુબંધ છે. દ્રષ્ટિનું વિષ, કોઈના પ્રતિ દ્વેષ આપણામાં ન હો. દ્વેષ ન કરીને એ વિષથી આપણે દૂર રહી શકીએ છીએ.
જીભનું વિષ છે બીજાના દોષોને વારંવાર ગણી ગણીને દુનિયાને બતાવવા. બીજાના દોષોને ચૂંટી ચૂંટીને પકડવા, બુદ્ધિપૂર્વક એની શોધ કરવી, સમાજની સામે અક્ષરશ: બતાવતા રહેવું- એ જીભનું વિષ છે. ધન્યાસ્તે કૃતિન: પિબંતં શ્રી રામનામાંમૃતં...એ જીભનું અમૃત છે. ભગવત્ ચર્ચા, ભગવદ્દ ગુણગાન એ જીભનું અમૃત છે. વૈષ્ણવ લોકો ભેગાં મળે તો શું કરે ? જેવી રીતે વિષયી ભેગાં થાય તો વિષયની ચર્ચા કરે તેમ વૈષ્ણવ મળે તો ભગવદ્દ ચર્ચા કરશે.
બાપ ! ગીતાના અંતે ઘોષણા આવી છે- मामेकं शरणं व्रज | ગોપીઓ કહે છે કે અમારી ઇન્દ્રિયો વિષયોમાં ડૂબી જાય છે, સ્વધર્મયુક્ત યમુનામાં અહંકારયુક્ત વિષ આવી જાય છે ત્યારે તમે જ અમારી રક્ષા કરી છે. સૌથી મોટું તપ એ છે કે આપણી નિષ્ઠાનું કેન્દ્ર ન બદલાય. જે સંપૂર્ણ સમર્પિત બને છે તેણે કશું કરવાનું રહેતું નથી. આપણી ઇન્દ્રિયોને બાપ ! સંતોએ કહ્યું છે, આચાર્યોએ કહ્યું છે કે જે આવશ્યક વસ્તુ છે તે આપવી જોઈએ. જે જરૂરી છે તે વિવેકપૂર્વક આપવું જોઈએ. પરંતુ ઇન્દ્રિયોને વિલાસમાં ન ધકેલવી જોઈએ.કપડાંની જરૂર છે, તો આપવા જોઈએ. ભોજનની જરૂરત છે, તો આપવું જોઈએ. વિલાસ નહીં.
સંકલન: જયદેવ માંકડ
(માનસ-ગોપીગીત,ત્રીજું ચરણ, ૧૯૯૪)

Advertisement