શરીફની બેશરમીનો ફિયાસ્કો


‘વડાપ્રધાન ઓપનીંગ કરવા ઉતર્યા અને તપાસ કરવી પડી કે એમ્બ્યુલન્સ છે ને !?!’ આંતરરાષ્ટ્રીય ઇતિહાસ તપાસ કરતા એવું જાણવામાં આવે છે કે પ ક્રિકેટર્સ એવા છે કે જેઓ ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમેલા અને આગળ જતા તેમના દેશના વડાપ્રધાન પણ બન્યા. સૌથી જાણીતુ ઉદાહરણ છે. ઇમરાનખાન. પાકિસ્તાનનાવિશ્વકપ વિજેતા ક્રિકેટ કેપ્ટન અત્યારે પાકિસ્તાનના વઝીરે આઝમ (વડાપ્રધાન) છે. આ ઉપરાંત સર એલેક્ષ ડગ્લાસ કે જેઓ મીડલસેકસ અને ઓકસફર્ડ યુનિવર્સિટી માટે પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમેલાએ 1963માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી બન્યા હતા. આ ઉપરાંત સર ફ્રાન્સીસ હેનરી ડીલન બેલ 19રપમાં ન્યુઝીલેન્ડના અને કમાઇસીસ મારા ફીજીના વડાપ્રધાન બનેલા અને આ બંને ભૂતપૂર્વ ફર્સ્ટકલાસ ક્રિકેટર પણ હતા. પણ આ સંદર્ભમાં જે પાંચમુ નામ છે તેના વિષે લોકોને બહુ ખબર નથી અને એ વડાપ્રધાન / ફર્સ્ટકલાસ ક્રિકેટરનું નામ છે.

 

 

નવાઝ શરીફ. હાલના પાકિસ્તાન જેલમાં બંધ આ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફનું ક્રિકેટ કનેકશન ઘણું રસપ્રદ છે. પોલીટીકલ બેકગ્રાઉન્ડ ધરાવતા નવાઝ શરીફ પાકિસ્તાનના જૂજ પાવર હાઉસ ફેમીલીમાંથી આવતા હાઇપ્રોફાઇલ બીઝનેસ પરસન તો હતા જ પણ એમને ક્રિકેટમાં પણ ખાસ્સો રસ હતો. એમેચ્યોર લેવલનું ક્રિકેટ તો તેઓ ઘણુ રમ્યા છે. કરાંચી જીમખાનાના મેદાન પર ડિસેમ્બર-1973માં તેઓ તેમની ક્રિકેટ કારકર્દીની એક માત્ર ફર્સ્ટકલાસ મેચ રેલવેની ટીમ માટે રમ્યા હતા. દુર્ભાગ્યે તેઓ શુન્ય રન બનાવી આઉટ થઇ ગયા અને તેમનો ફર્સ્ટકલાસ ક્રિકેટની રેકોર્ડ ઝીરો જ રહ્યો. આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના તો 1987માં બની હતી. એ વર્ષે ક્રિકેટ વર્લ્ડકપ ભારત અને પાકિસ્તાનના સંયુકત ઉપક્રમે રમાયો હતો. એ વિશ્વકપના મેચ શરૂ થતા પહેલા અમુક વોર્મઅપ મેચ પણ રમાવાના હતા અને આવો જ એક વોર્મ અપ મેચ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે લાહોરના ગદાફી સ્ટેડીયમમાં રમાવાનો હતો. મેચના થોડા સમય પહેલા ક્રિકેટ બોર્ડના સેક્રેટરીએ પાકિસ્તાન ટીમના કેપ્ટન ઇમરાન ખાનને કહ્યું કે પંજાબ પ્રાંતના એ વખતના ચીફ મીનીસ્ટર નવાઝ શરીફ આ મેચમાં રમશે અને ટીમની કેપ્ટનશીપ પણ તેઓ જ કરશે.

હતપ્રભ થઇ ગયેલા ઇમરાન ખાન પહેલા તો માની જ ન શકયા કે આ તેઓ શું સાંભળી રહ્યા છે. વધુ કંઇ સમજાય એ પહેલા તો નવાઝ શરીફ મેદાનમાં આવીને સીધા ટોસ ઉડાડવા માટે વેસ્ટ ઇન્ડીયન કેપ્ટન વીવીયન રીચાર્ડસ પાસે પહોંચી ગયા. ટોસ જીતીને પ્રથમ બેટીંગ પણ પસંદ કરી લીધું. અને આખી ટીમમાં ભયનું એક લખલખુ પસાર થઇ ગયુ જયારે નવાઝ શરીફે ટીમના પેવેલીયનમાં જાહેર કર્યુ કે તેઓ ઓપનીંગ બેટીંગ પણ કરશે. વેસ્ટ ઇન્ડીઝની એ ટીમના વોલ્શ માર્શલ પેટર્સન જેવા ખુંખાર ફાસ્ટબોલર સામે નવાઝ શરીફ તેમના ઓપનીંગ સાથીદાર મુદ્દસર નઝર સાથે ઓપનીંગમાં ઉતર્યા પણ ખરા.

એક બાજુ મુદ્દસર નઝર પેડ, થાઇ પેડ, ચેસ્ટ પેડ આર્મગાર્ડ અને હેલ્મેટ પહેરીને બેટીંગમાં ઉતર્યા તો બીજી તરફ નવાઝ શરીફ ફકત પેડસ અને એક હેટ પહેરીને ચિંતિત ઇમરાને ખાને સ્ટેડીયમ ઓથોરીટીને પુછી લીધુ ‘એમ્બ્યુલન્સ તો છે ને ?’ સદભાગ્યે નવાઝ શરીફ મેચના બીજા બોલે જ કલીન બોલ્ડ થઇ ગયા અને બધાએ રાહતનો સ્વાશ લીધો. કોઇ રાજકારણીએ પોતાના ક્રિકેટ ચસકા માટે આવું મોટુ જોખમ લીધુ હોય તેવો રમુજી દાખલો જોવા મળ્યો નથી. એવું માનવામાં આવે છે કે નવાઝ શરીફ ચેક ડિસન્ટ કલબ કક્ષાના ક્રિકેટર હતા અને ફકત આનંદ ખાતર ક્રિકેટ રમતા, પરંતુ વિશ્વકપ પહેલાના વોર્મઅપ મેચમાં વિશ્વના સૌથી ઝંઝાવતી અને ઝડપી ફાસ્ટ બોલર સામે આ રીતે કોઇ તૈયારી અને પ્રોટેકટીવ ગીયર વગર ઓપનીંગ બેટીંગ કરવા ઉતરવું એ તો ક્રિકેટની મજાક જ ગણવી જોઇએ અને વ્યકિતગત રીતે મુર્ખામીનું પ્રદર્શન.

Advertisement