લાલ કપ્તાન : નગ્ન માનવમૂલ્યોનો અતિરેક!


ફિલ્મની શરૂઆતમાં સૈફ અલી ખાન પ્રેક્ષકોને તત્વચિંતન કરવા માટે મજબૂર કરે છે. તેનો સંવાદ છે : ઝ્યાદા ભલા ન બોલના, ઝ્યાદા ભલી ન ચૂપ ઝ્યાદા ભલા ન બરસના, ઝ્યાદા ભલી ન ધૂપ! લાલ કપ્તાન જોઈને થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ પ્રેક્ષકો પણ આવું જ કંઈક મહેસૂસ કરતા જણાય છે. અફલાતુન સ્ક્રિપ્ટ જ્યારે સ્ક્રીનપ્લે અને લંબાણને લીધે વેડફાઈ જાય, ત્યારે બહુ જ દુ:ખ થાય સાહેબ!
લાલ કપ્તાન આઝાદી પહેલાના સમયમાં બુંદેલખંડની આસપાસ આકાર લેતી વાર્તા છે. નાગા સાધુ ઉર્ફે ગોસાંઈ (સૈફ અલી ખાન) કોઈક અગમ્ય કારણોસર કત્લેઆમ મચાવી રહ્યો છે. રહેમત ખાન (માનવ વિજ) સાથે તેને ભારોભાર દુશ્મની છે, જેની પાછળનું રહસ્ય સેક્ધડ હાફમાં આહિસ્તાથી ખૂલે છે. સિમોન સિંઘ, દીપક ડોબરિયાલ અને ઝોયા હુસૈનના પાત્રોના પોતીકા તાણાવાણા છે. સોનાક્ષી સિંહાના બે મિનિટ પૂરતા ગેસ્ટ અપિરિયન્સની વાસ્તવમાં શું જરૂર હતી, એ પ્રશ્ર્ન હજુ પણ હથોડાની જેમ મગજ પર વીંઝાઈ રહ્યો છે.
એ સિવાયના પાંચે ય કલાકારોનું પર્ફોમન્સ ખરેખર સરાહનીય છે, જે ફિલ્મને અસહ્ય બનતા રોકે છે. લાલ કપ્તાનની સ્ટોરી અને કેરેક્ટર્સમાં ઘણા બધા લેયર્સ છે. રાઇટર્સ નવદીપ સિંઘ અને દીપક વેંકટેશ પોતાના તમામ પાત્રોને ડાર્ક અને ડીપ ઝોનમાં લઈ ગયા છે. ઘડીભર એવું લાગે કે બધું જ સમજાઈ રહ્યું છે, પાત્રોની જન્મકુંડળી ખૂલી રહી છે ત્યાં જ એમની સાથે જોડાયેલું એક એવું રહસ્ય છતું થાય જેની અપેક્ષા ન રાખી હોય. વાર્તા અદભુત છે, પરંતુ સ્ક્રીનપ્લે અત્યંત લાંબો છે, લસ્ત છે, સુસ્ત છે! ફર્સ્ટ હાફમાં વાર્તા જે પ્રકારે પકડ જમાવે છે, એ સેક્ધડ હાફ શરૂ થતા સુધીમાં અતિશય કંટાળો અપાવે એટલી હદ્દે ભયાનક બની જાય છે.
સુશાંત સિંઘ રાજપૂત અને મનોજ બાજપેઈ સ્ટારર સોનચીડિયા ફિલ્મ યાદ છે? બસ, એ જ ઝોનમાં ડિરેક્ટર નવદીપ સિંઘ પોતાના પ્રેક્ષકોને લઈ જાય છે. આર્ટિસ્ટિક સિનેમા જોવા ટેવાયેલા લોકોને લાલ કપ્તાન પ્રમાણમાં વધુ ગમશે. કારણકે અહીં માનવજીવનના નગ્ન સત્યો ઉજાગર થયા છે. એકબીજાને મારી-કાપીને જીવતા ડાકુઓ, અંગ્રેજો સામે બાંગ પોકારતા મરાઠાઓ અને મુઘલો અહીં દેશને ખાતર એકજૂઠ થયા છે. સડી ગયેલી લાશ પર બણબણતી માખી અને કાળા પડી ગયેલા લોહીના દ્રશ્યો કમકમાટીભર્યા છે. આ વાત છે પ્રેમ, નફરત, દગા અને બદલાની!
લાલ કપ્તાનમાં કોઈ ગીતો નથી. મોટેભાગે ઓલ્ડ-સ્ટાઇલ બેકગ્રાઉન્ડ સ્કોર સાથે આખી ફિલ્મ આગળ ધપે છે. સિનેમેટોગ્રાફર શંકર રમણે પ્રત્યેક ફ્રેમમાં જાન રેડી છે. પરંતુ ફિલ્મ-મેકર્સ સોહમ શાહ અભિનીત ‘તુંબાડ’ની અસરમાંથી બહાર નીકળવા જ નહોતા ઇચ્છતા એવું જણાઈ આવે છે. તુંબાડની માફક લાલ કપ્તાનને પણ પાંચ-દસ મિનિટ માટે હોરર ઝોનમાં પૂરવાની કોશિશ થઈ છે. ફિલ્મનું ટાઇટલ ‘લાલ કપ્તાન’ જ કેમ? તો એનો જવાબ વાર્તાના ગર્ભમાં જ છુપાયેલો છે. એ રાઝ અત્યારે ઉજાગર નહીં કરૂ. ફિલ્મ જોયા પછી પણ અગર ખ્યાલ ન આવે તો ઇ-મેઇલ પર થોકબંધ મેસેજ મોકલવાની છૂટ જ છે ને! આખરમાં એટલું કહીશ કે, લાલ કપ્તાન અત્યંત તીવ્રતા ધરાવતી ફિલ્મ છે. દરેક પ્રકારની ઓડિયન્સ તેનો ભાર સહન કરી શકે એવું જરૂરી નથી. ખાસ કરીને અઢી કલાકની લંબાઈ ફિલ્મ માટે ખલનાયક પૂરવાર થઈ છે.
આજની બીજી ફિલ્મ છે, મેલેફિસેન્ટ : મિસ્ટ્રેસ ઓફ ઈવિલ! 2014માં આવેલી ‘મેલેફિસેન્ટ-1’ની સિક્વલ એવી ‘મેલેફિસેન્ટ-2’માં અભિનય કર્યો છે એન્જેલિના જોલીએ અને તેના પાત્રને હિન્દીમાં ડબ કર્યુ છે ઐશ્વર્યા રાય બચ્ચને! મેલેફિસેન્ટ-1 જ્યાં પૂરી થઈ હતી, ત્યાંથી જ તેની શરૂઆત કરવામાં આવી છે. પાંચ વર્ષના વ્હાણા વીતી ગયા છે. મૂર નામની ચિત્ર-વિચિત્ર રિયાસતમાં રહેતી રાજકુમારી ઓરોરા (એલ ફેન્નીંગ) હવે લગ્નના ઉંબરે પહોંચી ચૂકી છે. પહેલા ભાગમાં જોવા મળેલો ટીન-એજ રાજકુમાર ફિલીપ (હેરિસ ડિકીન્સન) અને ઓરોરા હજુ પણ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે અને લગ્ન કરીને પોતાની જિંદગી સુખરૂપ જીવવા માંગે છે. પરંતુ મેલેફિસેન્ટ (એન્જેલિના જોલી)ને થયેલા ભૂતકાળના કડવા અનુભવો હજુ પણ યાદ છે, અને પોતાની દીકરી માટે તે એવો કોઈ અણબનાવ નથી ઇચ્છતી. આમ છતાં મૂરની બાજુમાં આવેલી પ્રિન્સ ફિલીપની રિયાસતમાં વસતા મનુષ્યોનો ખ્વાબ છે કે એક દિવસ પરિલોક એમના કબજામાં હશે!
સવાલ એ છે કે, આ સિક્વલની જરૂરિયાત હતી ખરી? કે પછી ફક્ત પોપ્યુલર ફિલ્મનો કમર્શિયલ ફાયદો ઉઠાવી લેવા માટે તેને ફ્રેન્ચાઈઝીમાં તબદીલ કરી નાંખવામાં આવી? તો જવાબ છે, ના! મેલેફિસેન્ટની વાર્તા નાનપણથી દરેક બાળકે સાંભળી છે. એમાં નિતનવા ઉમેરણો કરીને પ્રેક્ષકો સમક્ષ પીરસવાની આવી રીત બિલ્કુલ રાસ નથી આવી. વાર્તા, સ્ક્રીનપ્લે, એડિટિંગ કે પ્રોડક્શન વેલ્યુ બાબતે કોઈ શંકા નથી. ફિલ્મના તમામ સિનેમેટિક પરિબળો એકદમ મજબૂત છે. ખાસ કરીને સીજીઆઈ અને એનિમેશન! અફલાતુન સાહેબ. આમ છતાં પહેલા ભાગની સરખામણીમાં બીજો ભાગ જોઈએ ત્યારે પોતાની જાતને વારંવાર એવું પૂછવાનું મન થાય કે શા માટે આ ફિલ્મ જોઈ રહ્યા છીએ?
બહુ જ સાચો અભિપ્રાય આપું તો, ઐશ્ર્વર્યા રાય બચ્ચનના વોઇસ-ઑવરના નામે સોશિયલ મીડિયા પર જેટલી વાતો થઈ છે, એમાંનુ કંઈ જ નથી. બહુ જ ગણ્યા-ગાંઠ્યા સંવાદ મેલેફિસેન્ટ પાસેથી સાંભળવા મળે છે. ડબિંગ એટલું ધારદાર નથી કે પિક્ચર હિન્દીમાં જોવાનું મન થાય! મેલેફિસેન્ટની સાચી મજા અંગ્રેજીમાં જ છે. આ તો કોઈ વિકલ્પ ન હોય, તો હિન્દીમાં જોઈ કાઢવાની છૂટ છે.
પ્રિન્સેસ ઓરોરા અને પ્રિન્સ ફિલીપ વચ્ચેની રિલેશનશીપને ખૂબ જ સુંદર રીતે કેમેરાના કચકડે કૈદ કરવામાં આવી છે. ગ્લેમરસ ચહેરાઓ ઉપરાંત ચોટદાર અભિનય એટલે જાણે સોને પે સુહાગા! જેના માટે ડિરેક્ટર જોશિમ રોનીંગને જશ આપવો ઘટે! ઘરમાં બાળકો હોય અને એમને કશુંક જાદુઈ, પરિકથાથી ભરપૂર, સ્વચ્છ સિનેમા દેખાડવાની ઇચ્છા હોય તો ‘મેલેફિસેન્ટ-2’ એક સારી પસંદગી છે. પરંતુ નેટફ્લિક્સ પર પહેલો ભાગ જોયા પછી જ જજો, હોં કે!

Image result for sonakshi sinha laal kaptaan

લાલ કપ્તાન

કેમ જોવી? : કલાકારોના પર્ફોમન્સ અને તરોતાજા વાર્તા માટે!
કેમ ન જોવી? : પોણા ત્રણ કલાક સુધી બગાસા ખાઈને બીજાને હેરાનગતિ ન પહોંચાડવી હોય તો!

Image result for maleficent 2 mistress of evil

મેલેફિસેન્ટ

કેમ જોવી? : ઘરના નાના-મોટા બાળકોને પસંદ પડે એવી હળવીફુલ ફિલ્મ છે, માટે!
કેમ ન જોવી? : દિવાળીના દિવસોમાં રીલિઝ થનારા ત્રણ-ત્રણ પિક્ચરો માટે પૈસા બચાવી રાખવા હોય તો!

: ક્લાયમેક્સ :
અચ્છા, તો આ હતું સિનેમા સાથેનું આપણું 99મું સપ્તાહ! આવતા શુક્રવારે એટલે દિવાળીના ઠીક આગલા દિવસે પચ્ચીસમી ઓક્ટોબરે આપણે આ કોલમના 100 અંક પૂરા કરીશું. કદાચ દિવાળીની રજાઓને કારણે હાઉસફુલ-4, સાંઢ કી આંખ અને મેડ ઇન ચાઇનાના રિવ્યુ સાથે ન મળી શકાયું, તો માફી ચાહું છું. પરંતુ આટલી લાંબી સફરમાં સતત મારી સાથે રહેવા બદલ આપસૌ વાંચક મિત્રોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.

bhattparakh@yahoo.com

Advertisement