‘યે લગા સિકસર’


Century with a sixer

બેટસમેનની ઇનીંગ દરમ્યાન આવતા ‘નર્વસ નાઇન્ટીસ’ના પડાવ વિષે આ પહેલા એક લેખ લખી ચુકયો છું પણ આજ પડાવનો એક બીજો પહેલુ પણ છે જે એટલો જ રોમાંચક અને વિશેષ છે. પ્રેશરના કારણે કે મનોવૈજ્ઞાનિક કારણસર બેટસમેન 90 રનની આસપાસ ભુલ કરીને વિકેટ ગુમાવી બેસે એવા કેટલાય દાખલા છે. તો તેની સામે સેન્ચુરીની નજીક પહોંચેલા બેટસમેને હિંમત અને આત્મવિશ્વાસથી સિકસર ફટકારીને સેન્ચુરી પુરી કરી હોય તેવા ઉદાહરણ પણ જોવા મળે છે.


સચીન તેંડુલકર નર્વસ નાઇન્ટીસમાં આખી કારકિર્દીમાં 27 વખત આઉટ થયા છે. (17 વખન વન ડેમાં અને 10 વખત ટેસ્ટ મેચમા) વચ્ચે તો એક એવો સમયગાળો આવ્યો હતો જયારે તેઓ 90ની ઉપર સતત ત્રણ-ચાર વખત આઉટ થયા હતા. પોતાના એક ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું હતું કે આ વિષે જયારે તેમના કુટુંબમાં ચર્ચા થતી હતી ત્યારે તેમના આઠ વર્ષના પુત્ર અર્જુને કહ્યું હતું કે ‘તમે શા માટે સિકસર મારીને સેન્ચુરી પુરી નથી કરતા ?’ નાના બાળકે કરેલી વાતે આ આખા નેસ્યમા સાવ નવો જ પક્ષ ઉભો કરી દીધો અને એ પછી એક મેચમાં સચીન તેંડુલકરે સીકસર મારીને સેન્ચુરી પુરી કરી બધાને જાણીને નવાઇ લાગશે પણ સિકસ દ્વારા સદી પુરી કરવાનું આવુ પરાક્રમ સૌથી વધુ વખત સચીન તેંડુલકરે જ કર્યુ છે. કુલ છ વખત તેમણે ટેસ્ટ મેચ ક્રિકેટમાં સિકસર દ્વારા સદી પુરી કરી છે. ગૌતમ ગંભીરે આવું બે વખત કરી બતાવ્યું છે. પોતાની ડીફેન્સીવ અને ધીરજપૂર્વક રમવાની શૈલી માટે પ્રખ્યાત રાહુલ દ્રવીડ અને ચેતેશ્ર્વર પુજારાએ પણ એક વખત સીકસર મારીને પોતાની સદી ટેસ્ટ મેચમાં પુરી કરી છે.


કપીલ દેવ, એમ.એસ.ધોની અને વિરેન્દ્ર સેહવાગ જેવા ફાકડા ફટકાબાજ બેટસમેનો એ પણ એકવાર સીકસર મારીને સદી પુરી કરી છે. 2014માં પાકિસ્તાન પ્રવાસમાં મુલતાન ટેસ્ટ મેચમાં તેંડુલકર અને સેહવાગની એક વિશાળ પાર્ટનરશીપ થઇ હતી જેમાં સેહવાગે ત્રેવડી સદી ફટકારી હતી. આ ભાગીદારી દરમ્યાન સેહવાગે સેન્ચુરી પહેલા એક સીકસર મારી હતી. ભારતની ટીમને મોટા સ્કોરની જરૂર હતી અને એ માટે આ ભાગીદારી મોટી થાય એ જરૂરી હતું. સેહવાગે જયારે સો રન પહેલા સીકસ મારી કે તરત જ સચીને તેની પાસે જઇને કહ્યું ‘જો હવે એકેય સિકસ મારીને તો બેટથી મારીશ’ પોતાના ગુરૂ પાસેથી મળેલી ચેતવણી પછી સેહવાગે એ ઇનીંગ દરમ્યાન 100 રનથી લઇને 295 રન સુધી એક પણ સિકસર ન મારી પણ જેવું એમણે જોયુ કે ઓફ સ્પીનર સકલૈન મુસ્તાક બોલીંગમાં આવ્યા છે ત્યારે ભગવાનની આજ્ઞાની વિરૂદ્ધ જઇને સિકસર ફટકારીને પોતાની ત્રેવડી સદી પુરી કરી હતી.


પર્સનલ માઇલસ્ટોન મેળવવાની ક્ષણો ઘણી નાજૂક હોય છે. વર્ષોની તપસ્યા અને સંઘર્ષનું ફળ પાકી જવામાં હોય ત્યારે સ્વસ્થતાપૂર્વક રમવું એ પરિપકવતાની નિશાની હોય છે પણ બેટસમેન જયારે મોટા સ્કોર પર રમતો હોય ત્યારે એક અલગ જ ઝોનમાં આત્મવિશ્ર્વાસની ટોચ પર રહેલો હોય છે અને એ સમયે ’Instinct’ દ્વારા લેવાતા નિર્ણય શ્રેષ્ઠ હોય છે. તાજેતરમાં જ ચેન્નાઇમાં રમાયેલી ટેસ્ટમેચમાં આખી ઇનિંગ દરમ્યાન શિસ્ત-સંયમ-ટેકનીકનું જોરદાર પ્રદર્શન કરનાર ઇંગ્લેન્ડના કેેપ્ટન જો રૂટે, સિકસર મારીને બેવડી સદી પુરી કરી હતી અને એ પહેલા આખી 200 રનની ઇનીંગમાં ફકત એક જ સિકસ મારી હતી. ગ્રાન્ડ સ્ટાઇલમાં મેળવેલો માઇલસ્ટોન આખી ઇનિંગ પર ‘વાહ અદભુત!’ કહી ઉઠીએ એવો સ્ટેમ્પ મારી દે છે.

Advertisement