રોબોટિક ધર્મ : ભવિષ્યના સાધુ-સંતોની એક ઝાંખી!


દુનિયાના દરેક ખૂણામાં આજકાલ ઑટોમેશનની બોલબાલા છે. માણસોનું સ્થાન રોબોટ લઈ રહ્યા છે, નોકરિયાતોની જગ્યાએ મશીનો ગોઠવાઈ ગયા છે. આખું વિશ્ર્વ કૃત્રિમ બુદ્ધિક્ષમતાને આધારે પોતાનું જીવન જીવતું થઈ ગયું છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ અને નેનો-ટેક્નોલોજીના વિકાસ બાદ લોકોની જીવનશૈલી પણ વધુ ને વધુ માઇક્રો અને આરામદાયક થઈ રહી છે. તમામ ક્ષેત્રોમાં રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ (એ.આઈ.)નું પ્રમાણ વધી રહ્યું ત્યારે ધર્મ પણ એમાંથી કેવી રીતે બાકાત રહી શકે? ગણેશોત્સવ હમણાં જ પૂરો થયો અને ભક્તોએ ભાવભીના હ્રદયે પોતાના દુંદાળા દેવ પાસેથી આવતા વર્ષે પરત ફરવાના વચન લઈને અલવિદા કહ્યું. ખાસ વાત એ છે કે, અમુક પંડાલો એવા પણ હતાં, જ્યાં ગણેશજીની આરતી કોઈ પંડિત કે શાસ્ત્રીજીએ નહીં પરંતુ રોબોટે કરી. જરા ય ચોંકવાની જરૂર નથી. અહીં આપવામાં આવેલો ફોટો એની જીવતીજાગતી સાબિતી છે!
હવે વિચારો, હજુ તો એકવીસમી સદી માંડ માંડ એની ટીન-એજ કાળમાંથી બહાર નીકળી રહી છે, ત્યાં ભગવાન પણ રોબોટ દ્વારા પૂજાવા લાગ્યા હોય તો આગામી વર્ષોમાં ધર્મક્ષેત્રે કેવડા પરિવર્તનો આવવાની સંભાવના છે!


જાપાનનાં ક્યોટોમાં એક 400 વર્ષ જૂનું બુદ્ધનું મંદિર છે, જ્યાં દર વર્ષે લાખો લોકો દર્શનાર્થે આવે છે. ત્યાં એક પૂજારી છે, જેનું નામ.. ‘મિંદાર’! તે લોકોને બે હાથ જોડીને લોકોને આશીર્વાદ આપે છે અને એમની વચ્ચેથી પસાર થઈને આશીર્વચનની સાથોસાથ હકારાત્મક બાબતો પણ કહે છે. ફર્ક એટલો છે કે આ પૂજારી હાડમાંસના નહીં, પરંતુ એલ્યુમિનિયમ અને સિલિકોનની ધાતુમાંથી બનાવવામાં આવ્યા છે અર્થાત રોબોટ! 1 મિલિયન ડોલરના આ મશીનને ત્યાં મંદિરમાં બેસાડવા પાછળનો ઉદ્દેશ્ય જાપાનમાં મરી પરવારી રહેલી ધાર્મિકતાને પુન:જાગૃત કરવાનો છે. હવે તો એવું બની રહ્યું છે કે સામાન્ય લોકો કુતૂહલથી પ્રેરાઈને પણ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને બે સારા શબ્દો, પ્રવચન સાંભળીને ત્યાંથી પરત ફરે છે. અહીં એક મુદ્દો ખાસ સમજવા જેવો છે. ધાર્મિકતા હવે ટુરિસ્ટ સ્પોટ બની રહી છે. લોકોને ધર્મના માર્ગે વાળવા માટે પહેલા એમના મનમાં જીજ્ઞાસા જાગવી જરૂરી છે એ વાત જાપાનના આ મંદિરે પૂરવાર કરી છે. રોબોટ પ્રવચન આપી શકે એ વાત જ પહેલા તો સ્વપ્ન લાગે છે ને? બસ, આ જ વિચિત્રતાને હથિયાર બનાવી ત્યાંના નાસ્તિક લોકોને આસ્તિક બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વિશ્ર્વના દરેક દેશે આ ઘટનાને ધ્યાનથી સમજવી જોઈએ. ધર્મ અગત્યનો છે સાહેબ, એને કેવી રીતે લોકો સમક્ષ મૂકવામાં આવે છે એ મહત્વનું છે, પરંતુ એ માટે એક ચોક્કસ માધ્યમને વળગી રહેવાની કોઈ આવશ્યકતા જ નથી એ જાપાને સાબિત કર્યુ છે.


હજુ આ રોબોટ (એટલે કે મિંદાર)ને કૃત્રિમ બુદ્ધિક્ષમતા નથી આપવામાં આવી. પરંતુ નિષ્ણાંતો કહે છે કે, જ્યારે એવું થશે ત્યારે તે સતત શીખતો રહેશે. તેનો કોઈ અંત નથી. તેની શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકશે નહીં. સદીઓ સુધી તે લોકોને ધાર્મિક જ્ઞાન અને અનુભવોની વાત વહેંચતો રહેશે. હાલમાં તો તે ફક્ત પોતાની અંદર પ્રોગ્રામ કરેલા અમુક મંત્રો અને મર્યાદિત જ્ઞાનનું જ ઉચ્ચારણ કરી શકે છે. પરંતુ તેના ડેવલપર્સનો દાવો છે કે ભવિષ્યમાં તે પોતાના ભક્તોના ભલભલા પ્રોબ્લેમ્સ ઉકેલી શકવાની ક્ષમતા ધરાવતો થઈ જશે!
કેથલિક સમાજ સહિત વિશ્ર્વના ઘણા ધાર્મિક સંપ્રદાયોને રોબોટવાળી આ વાત પચી નથી. તેઓ માને છે કે, માનો કે રોબોટિક પૂજારીમાં કોઈક ખામી આવી તો? તેના પ્રોગ્રામ્સ ભક્તોને લાભદાયક ન હોય એવા પ્રકારના પ્રવચનો આપવા માંડ્યા તો? ભક્તિ, આસ્થા અને શ્રદ્ધા સાથે ચેડા કરતા પહેલા આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સની ખરાઈ કરવી જરૂરી છે એવું તેઓ માને છે. અલબત્ત, તેમની વાત સાવ કંઈ નાંખી દેવા જેવી તો નથી જ! શું કહો છો?
bhattparakh@yahoo.com

Advertisement