લાઇગર અને ટાઇગન : કુદરત સાથે ચેડાં કેટલે અંશે યોગ્ય!?


Advertisement

રે મનુષ્ય, તારો ખેલ!

ઇશ્ર્વર તરીકે પ્રસ્થાપિત થવાનો મનુષ્યનો મોહ દરેક યુગમાં પ્રગટ થયો જ છે, પરંતુ સિંહ અને વાઘનાં પરાણે કરાવવામાં આવતાં સમાગમની પ્રક્રિયાનાં ફળસ્વરૂપ જન્મેલા લાઇગર અને ટાઇગન માણસજાતની વિકૃતિનું પ્રદર્શન છે! બે પ્રજાતિની મજબૂરીનો ફાયદો ઉઠાવી એમાંથી રોકડા કરી લેવાની આપણી વૃત્તિ ભયજનક છે.

લાઇગર-ટાઇગન ‘કૂલ’ અને ‘ઇન્ટરેસ્ટિંગ’ કેટેગરીમાં નથી આવતાં! તેઓ તો વિજ્ઞાનની ભદ્દી મજાકનો ભોગ બનેલા એવા બિચારા જીવ છે, જેમનું 20-22 વર્ષનું આયુષ્ય પીડા, વેદના અને બિમારીઓમાં જ વ્યતિત થાય છે. 

શ્રીકૃષ્ણ કહી ગયા, યદા યદા હી ધર્મસ્ય.. ગ્લાનિર્ભવતિ ભારત! સવાલ એ છે કે, રોજબરોજ જોવા મળતાં અધર્મનો આંકડો અગણિત થઈ ગયો હોવા છતાં શા માટે ઇશ્ર્વર અવતરણ નથી પામતાં? કળિયુગમાં જન્મ લેવા માટે પરમાત્માને પણ પૂરતું હોમવર્ક કરીને આવવાની જરૂર પડી હશે? કે પછી હજુ અત્યારે જે કંઈ બની રહ્યું છે એ પાશેરાની પૂણી બરાબર પણ નથી? ખરૂ કારણ તો રામ જાણે, પણ એટલું તો નક્કી છે કે મનુષ્યોનાં પાપકર્મો દિવસે ને દિવસે પોતાની ઉંમર અને અનુભવ વધારી રહ્યા છે. શીર્ષકમાં બે નામ વાંચ્યા? લાઇગર અને ટાઇગન. પહેલા તો આ કઈ બલાનું નામ છે એના વિશે થોડી વાત કરૂ. બંને સંધિ-શબ્દો છે. સિંહ અને વાઘ માટે અંગ્રેજીમાં વપરાતાં અંગ્રેજી શબ્દો ‘લાયન’ અને ‘ટાઇગર’નું મિશ્રણ એટલે લાઇગર અને ટાઇગન! વધુ ચોકસાઈપૂર્વક કહેવું હોય તો, નર સિંહ (લાયન) અને માદા વાઘ (ટાઇગર)ની હાઇબ્રિડ પ્રજાતિ એટલે લાઇગર. એ જ રીતે, માદા સિંહ અને નર વાઘની સંમિશ્રિત પ્રજાતિ એટલે ટાઇગન! સામાન્યત: કુદરત દરેક પ્રાણી-પશુ-પંખી-જીવજંતુને એમનો મેટિંગ-પાર્ટનર આપતી જ હોય છે, જેથી જીવચક્ર અવિરતપણે ચાલતું રહે. પરંતુ માણસજાત ‘વિજ્ઞાન’નાં નામે જે ખેલ રમી રહ્યો છે એ જોઇને તો હવે કુદરત પણ આશ્ર્ચર્યચકિત થઈ ગઈ છે. લેબોરેટરીમાં તૈયાર થતી આ હાઇબ્રિડ સ્પીસિઝ સૃષ્ટિચક્રમાં અવરોધ પેદા કરી રહી છે. સિંહ અને વાઘ કુદરતી રીતે એકબીજા સાથે સમાગમ કરે એ લગભગ અશક્ય છે. જ્યાં સુધી ફરજિયાતપણે એમની પાસે સમાગમ ન કરાવવામાં આવે ત્યાં સુધી તેઓ એકબીજા સાથે જોડાવાનું પસંદ નથી કરતાં. સિંહ અને ચિત્તાની મિશ્ર ઔલાદ લિયોપોન (લિયોપર્ડ-લાયન) તેમજ દીપડા અને ચિત્તાની મિશ્ર ઔલાદ જેગુલેપ (જેગુઆર-લિયોપર્ડ) પણ આજકાલ મશહુર બની છે, સર્કસમાં! લોકોનાં મનોરંજન માટે પ્રાણીઓ પર અવનવા ચિત્રવિચિત્ર પ્રયોગો થઈ રહ્યા છે, એમની વર્ણસંકર પ્રજાતિ પેદા કરાવવામાં આવી રહી છે!


1798ની સાલમાં હાઇબ્રિડ લાયન-ટાઇગરનો પહેલો કેસ ઇતિહાસનાં ચોપડે દર્જ છે! 1837ની સાલમાં રાજા વિલીયમ (પાંચમા) અને તેમનાં વંશજ રાણી વિક્ટોરિયાને લાઇગરનાં બે બચ્ચાઓ એમનાં દરબારની શોભા વધારવા માટે ભેટમાં ધરવામાં આવ્યા! જંગલના નિયમો પ્રમાણે, બે પ્રજાતિ ક્યારેય સમાગમ-સમય દરમિયાન એકબીજાને દખલ નથી પહોંચાડતી. પરંતુ હવે જાણે એક નવો ટ્રેન્ડ શરૂ થયો હોય એમ વાઘ અને સિંહને કોઇ ચોક્ક્સ સીમાવિસ્તારમાં કૈદ કરી એમનો પરાણે સમાગમ કરાવવામાં આવે છે. સર્વપ્રથમ તો પ્રાણીઓ આ સમય દરમિયાન પોતાની પ્રજાતિનાં માદા અથવા નરની જ શોધમાં હોય છે, પરંતુ અંતે કોઇ વિકલ્પ ન બચતાં તેઓ અન્ય પ્રજાતિ સાથે સંભોગ માટે તૈયાર થઈ જાય છે, જેનાં પરિણામ સ્વરૂપ જન્મ લે છે, ટાઇગન અને લાઇગર! અમુકતમુક પ્રયોગો બાદ આ નવા જન્મેલા બચ્ચાઓને વાઇલ્ડ-લાઇફ પાર્ક અથવા પ્રાણીસંગ્રહાલયમાં મોકલી અપાય છે.. કેટલી ક્રુરતા! રેકોર્ડ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પાસે 30, ચીન પાસે 20 અને વિશ્ર્વમાં કુલ 100 જેટલા લાઇગર હોવાનું અનુમાન છે. ટાઇગનની સંખ્યા પ્રમાણમાં ઓછી છે!


વાઘની માફક તરવું અને અન્ય પ્રાણી સાથે હળીમળી જવાની સિંહની પ્રકૃતિનો સમન્વય લાઇગરમાં જોવા મળે છે. લગભગ 3 થી 3.6 મીટરની લંબાઈ ધરાવતાં લાઇગર સિંહ અને વાઘ બંનેની સરખામણીએ વધુ લાંબા હોય છે. સામાન્યત: માદા લાઇગર પોતાના જીવનકાળ દરમિયાન સરેરાશ 320 કિલોગ્રામ વજન અને 3.05 મીટરની લંબાઈ ધરાવે છે. આજસુધીમાં લાઇગર પ્રજાતિમાં સૌથી વધુ કદ (418.2 કિલોગ્રામ) ધરાવતાં પ્રાણીમાં હરક્યુલિસનો સમાવેશ થાય છે, જેના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. જ્યારે ટાઇગનનું કદ (ઘણા કિસ્સામા તો માતા-પિતા કરતાં પણ) નાનું હોવાથી હાઇબ્રિડ-માર્કેટમાં તેની માંગ ઓછી છે! માદા વાઘનું ગર્ભાશય પૂરતું મોટું ન હોવાથી ટાઇગનનો જન્મ નિયત સમય કરતાં વહેલો થઈ જાય છે. પોતાની માતાનાં ગર્ભમાં તેનો સંપૂર્ણ વિકાસ ન થયો હોવાથી ટાઇગન અને લાઇગર પુષ્કળ શારીરિક તકલીફો વેઠે છે. વર્ણસંકર હોવાને લીધે ટાઇગન અને લાઇગરનાં જીનેટિક્સમાં ભારે બદલાવ જોવા મળે છે. અડધોઅડધ લાઇગર અને ટાઇગન નપુંસક જિંદગી વ્યતિત કરે છે, એમના શરીરમાં કેટલીક ખોડખાંપણ મૃત્યુપર્યંત રહે છે. પોતાના ખુદનાં શરીરનું વજન અતિશય વધારે હોવાને કારણે તેમને હલનચલનમાં ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડે છે. માતા-પિતાનાં કદની સરખામણીમાં લાઇગરનું કદ બમણા વેગે વધે છે. જીવનકાળ દરમિયાન તેઓ કેન્સર, ત્રાંસી આંખો, વિકૃત ચહેરો, આથરાઇટિસ, રેટિનામાં ખામી, કિડનીનાં રોગ, પાર્કિન્સન જેવી કંઈ-કેટલીય સમસ્યાઓનો સામનો કરે છે. જેના નિદાન માટે વૈજ્ઞાનિકો પાસે કોઇ સારવાર પદ્ધતિ ઉપલબ્ધ નથી, કારણકે વિષય જ હજુ નવો છે! પૂરતું રીસર્ચ-વર્ક કે જોઇએ એટલો અભ્યાસ આમના પર થયો જ નથી. અલબત્ત, અમુક હાઇબ્રિડ પ્રજાતિનાં જીવ સંભોગ બાદ તંદુરસ્ત પશુબાળને જન્મ આપે છે. 2012ની સાલમાં રશિયાનાં એક પ્રાણીસંગ્રહાલયમાં માદા લાઇગરે નર સિંહ સાથે સમાગમ બાદ તંદુરસ્ત પશુબાળને જન્મ આપ્યો, જેનું નામ રાખવામાં આવ્યું : લિલાઇગર (લાઇગર અને લાયનનો સમન્વય)!


યુનિવર્સિટી ઓફ મિન્નેસોતાનાં ‘લાયન રીસર્ચ સેન્ટર’માં ડિરેકટર રહી ચૂકેલા ક્રેગ પેકરનું કહેવું છે કે "સિંહ અને વાઘ પ્રજાતિને છુટા પડ્યા એ ઉત્ક્રાંતિને લગભગ સિત્તેર લાખ વર્ષ વીતી ગયા. આમ છતાં બંનેમા હજુ કેટલાક ગુણો એવા છે, જેનાં લીધે તેમની મિશ્ર ઔલાદ પેદા કરવી શક્ય છે” પરંતુ વિશ્ર્વનાં પ્રાણીસંરક્ષકોનું સ્પષ્ટપણે માનવું છે કે બે પ્રજાતિનું ક્રોસબ્રીડિંગ તદ્દન અનૈતિક અને બેજવાબદારીભર્યુ પગલુ છે! તમે જ વિચારી જુઓ સાહેબ, લાઇગર અને ટાઇગનનાં અસ્તિત્વ પાછળ કોઇ નક્કર કારણ ખરૂ? કયા પ્રયોગ કે કઈ ઔષધિમાં તેમનો ઉપયોગ થયો? ફક્ત સર્કસમાં મોકલીને કૂતુહલ પેદા કરવા માટે બે પ્રજાતિ સાથે છેડખાની કરીને કુદરતને પડકાર ફેંકવો એ ક્યાંનો ન્યાય? અગર પ્રકૃતિને એમનું જોડાવું પસંદ નથી તો માણસજાત કોઇ પ્રકારનાં હેતુ વગર શા માટે સૃષ્ટિચક્રમાં અસંતુલન પેદા કરી રહી છે?
bhattparakh@yahoo.com

Advertisement