આર્થિક ભીંસમાં સપડાયેલા પાકિસ્તાનનું પ્રાણપખેરુ ઉડી રહ્યું છે!


Advertisement

તળિયાઝાટક બેંકો અને અબજોનું દેવુ

ઠન ઠન થઈ ગયેલા ઇમરાન પાસે હવે ‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ પાસેથી ચૌદમી વખત ભીખ માંગવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો જ નથી! તદુપરાંત, ચીન પાસેથી છેલ્લા અઢી વર્ષ દરમિયાન બક્ષિસમાં મળેલા 6.5 અબજ અમેરિકન ડોલર તેમણે ક્યા કામમાં સ્વાહા કર્યા એ અંગે તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, બોલો!

22 કરોડની પાકિસ્તાનની વસ્તી! એમાંથી અડધોઅડધ લોકો આજે ગરીબી રેખા પર અને 20 ટકા નાગરિકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. તેમની પાસે કદાચ પાકિસ્તાન છોડીને જવાનો કોઇ વિકલ્પ જ નથી એટલે! બાકી ભય અને આતંકના સામ્રાજ્ય સમા એ દેશમાં એક નાનકડું ચકલુ પણ પોતાની મરજીથી રહેવા ન ઇચ્છે..!!

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પાકિસ્તાન સામે મૂકાયેલી શરતો
(1) વાર્ષિક કરવેરા વસૂલાતની રકમ 5000 અબજ રૂપિયાને આંબી શકે એટલો વધારો થવો જોઇએ.
(2) ઇન્કમ ટેક્સ ભરનારને અપાતી છૂટછાટ પર રોક.
(3) પગારભથ્થા પર વધુ કરવેરો વસૂલાવો જોઇએ
(4) કરવેરાપાત્ર વાર્ષિક રકમ 12 લાખથી ઘટાડીને 4 લાખ કરી નાંખવામા આવે!
(5) વીજળી અને ગેસ પર 140 અબજ રૂપિયાની રેવન્યુ ખોટ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે!

Image result for imran khan worried

હાથના કર્યા હવે હૈયે વાગી રહ્યા છે! છેલ્લા પાંચ વર્ષની અંદર બીજી વખત પાકિસ્તાને ‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ પાસે જઈને હાથ લંબાવવાની નોબત આવી છે. 2014 પહેલા સુધી હાલત આટલી ખરાબ નહોતી. વંશવાદીઓની કૃપાથી ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન થતાં હતાં. ભારતમાં બેખૌફ હુમલા કરી શકવા બદલ પાકિસ્તાન છાતી પહોળી કરીને વિશ્વની આંખોમાં ધૂળનું આવરણ પેદા કરી રહ્યું હતું. અત્યારની હાલાકી તો જુઓ સાહેબ, ફક્ત છ અઠવાડિયા ચાલે એટલું વિદેશ ભંડોળ બચ્યું છે બિચારાઓ પાસે! ભારતે પાકિસ્તાની વસ્તુઓ પર 200 ટકા સુધીની ડ્યુટી લગાવી દીધા બાદ ત્યાંનુ અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આમાં એમને બીજા પાંચ વર્ષ માટે મોદી સરકાર ક્યાંથી ખપે? છ દાયકામાં જે કામ કોંગ્રેસ સરકાર ન કરી શકી એ ફક્ત પાંચ વર્ષની અંદર હાલની કેન્દ્ર સરકારે કરી બતાવ્યું છે. સૌથી પહેલા તો બાલાકોટ પર ભારતની 56 ઇંચની છાતી અને ત્યારબાદ અંતરિક્ષમાં સિદ્ધિ!
પાકિસ્તાનનાં ફાયનાન્સ મિનિસ્ટર અસદ ઉમરનું કહેવું છે કે એમનો દેશ હવે આર્થિક કટોકટીમાંથી મુક્ત થઈ ચૂક્યો છે. હાસ્યાસ્પદ બાબત તો છે સાહેબ કે, સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડાઓ અસદ ઉંમરના સ્ટેટમેન્ટનું સમર્થન કરતા નથી! પાકિસ્તાનનાં ઘટી રહેલા વિકાસદર અને વધી રહેલા ફુગાવા અંગે વર્લ્ડ બેંક દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આગામી બે વર્ષ સુધી હજુ પાકિસ્તાન આર્થિક કર્ઝનાં બોજા હેઠળ દબાયેલુ રહેશે એ પણ નક્કી છે. મોટા ઉપાડે અસદ ઉમર સાહેબ મીડિયામાં કહેતા ફરે છે કે, અમે વાસ્તવમાં હાલ ભૂતકાળમાં લીધેલી લોન ચૂકવવા માટે નવી લોન નથી લઈ રહ્યા, પરંતુ એનુ વ્યાજ ચૂકવવા માટે લઈ રહ્યા છીએ! અલ્ટીમેટલી, તેઓ સૌને ઉંધો કાન પકડાવી રહ્યા છે. અગર એવું જો ખરેખર હોત તો પાંચ જ વર્ષનાં ટૂંકા સમયગાળાની અંદર ‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ પાસેથી બીજી વખત ભંડોળ ભેગુ કરવાની શી આપદા આવી પડી? આટલું જ નહીં, પાકિસ્તાનની સેન્ટ્રલ બેકના ગવર્નર તારીક બાજવા પણ બાંગા ફૂંકી રહ્યા છે કે મિત્ર દેશોની મદદ વડે અમારા દેશની ઇકોનોમી સાચા રસ્તે જઈ રહી છે! સાઉદી અરેબિયા સાથે 20 અબજ ડોલરનાં કરાર પર હસ્તાક્ષર થયા પછી તેમણે આ વિધાન ઉચ્ચાર્યુ હતું! હદ તો ત્યારે થઈ જ્યારે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે પાકિસ્તાનમાં વિશ્વની ટોચની 20 આર્થિક મહાસત્તામાં સ્થાન મેળવવાની ક્ષમતા છે. (ક્યાં તો ઇમરાન ખાન અંધારામાં છે, ક્યાં તો જાણીજોઇને અંધારામાં રહેવા માંગે છે, લોલ!)


બણગાઓ વાંચીને થાકી ગયા હો તો હવે વાસ્તવિક આંકડાઓ પર નજર ફેરવીએ. એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથ હાલ 4.8 ટકાનાં તળિયે આવીને ઉભો છે. એના કરતાં તો નેપાળનો જીડીપી ગ્રોથ વધારે (5.5 ટકા) છે, સાહેબ! જેની સરખામણીમાં બાંગ્લાદેશનો જીડીપી હાલ 7.5 ટકા, જ્યારે ભારતનો જીડીપી 7.6 ટકાની ગતિએ વિકાસ સાધી રહ્યો છે. 2017માં જ્યાં 5.4 ટકાનાં દરે પાકિસ્તાની સરકાર પ્રગતિ કરી રહી હતી, તેની હાલત આજે 4.8 ટકાએ આવીને પહોંચી ગઈ છે. એવી પણ ધારણા સેવવામાં આવી રહી છે કે, આગામી સમય (2019)માં પાકિસ્તાનનો જીડીપી વિકાસદર ઘટીને 4 ટકાએ પહોંચી જશે. 2020 અને 2021માં આ આંકડો હજુ તળિયે આવીને 3.5 ટકાએ આવીને ઉભો રહેશે અને ત્યારબાદ 2022માં 3.3 ટકાના ન્યુનત્તમ દરે! એમ માનો ને કે ઇમરાનની સરકાર ફફડી રહી છે. એકપણ દેશ ભરોસો કરવા તૈયાર નથી. ધંધા બરબાદ થઈ ગયા છે. આતંકવાદીઓને આશ્રય આપવાના કૃત્ય હેઠળ મોદી સરકારે પાકિસ્તાન ફરતે એવું ચક્રવ્યુહ રચ્યું છે જેમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાને 2024 સુધી તો રાહ જોવી જ પડશે. વિશ્વના સૌથી ભવ્ય લોકતંત્રની આગામી ચૂંટણી પર સમગ્ર દુનિયાના દેશો ચાંપતી નજર રાખીને બેઠા છે.
પાકિસ્તાન વળ ખાવાનું ચૂકતું નથી, એ તો હવે સૌ જાણે છે. હાથ લંબાવીને પૈસા માંગવાની સ્થિતિ આવી ગઈ હોવા છતાં તેઓ ભારતને સબક શીખવવાનું સ્વપન જોઇ રહ્યા છે. ગત ચાર વર્ષની સરખામણીએ પાકિસ્તાનમાં ફુગાવાનો દર 6.5 ટકાની ઉંચાઈએ પહોંચ્યો છે, જે 2018ની સાલમાં 3.9 ટકા હતો! એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ફુગાવાના ધડાકાભેર ઉછાળા પાછળ ત્યાંની સેન્ટ્રલ બેંક દ્વારા થયેલું ચલણી નાણાનું અવમૂલ્યન જવાબદાર છે. ડિસેમ્બર 2016થી 2019ના સમયગાળા દરમિયાન તેઓ પાંચ વખત પોતાની કરન્સીનું અવમૂલ્યન કરી ચૂક્યા છે. ડોલરની સામે એમનો રૂપિયો 26 ટકા જેટલો વધુ નબળો પૂરવાર થયો! એની સામે પાકિસ્તાનની ‘કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ’ (ઈઅઉ) પણ મોટો ફટકો મારી ગઈ! 7.9 અબજ ડોલરની ખોટ ભોગવતું પાકિસ્તાન 30 જૂન 2019 પહેલા 16-18 અબજ ડોલરની તોતિંગ ખોટ ભોગવી રહ્યું હશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. વિશ્વ બેંકના લઘુત્તમ સ્તર કરતાં પણ ઓછું એવું 8 અબજ ડોલરનું વિદેશી ભંડોળ આગામી છ સપ્તાહમાં પૂરું થઈ જશે. એના પછી શું? એ પ્રશ્ન બહુ અગત્યનો છે. વિદેશી દેવું રાક્ષસ સ્વરૂપે મોઢું ફાડીને ઉભું છે! સાઉદી અરેબિયા અને ચીન પાસેથી ભીખ માંગી ચૂકેલું પાકિસ્તાન હવે ‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ના દરવાજે દસ્તક દેતું ઉભું રહી ગયું છે.
પણ એમ કંઈ ફંડ તરફથી તાત્કાલિક રૂપિયા થોડા મળી જાય! પાંચ વર્ષની અંદર બીજી વખત, જ્યારે કુલ ચૌદમી વખત પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી પૈસા માંગી રહ્યુ છે. ફંડના અધિકારીઓ ખાસ્સા સમયથી પાકિસ્તાન સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. જોકે, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (ઈઙઊઈ) અંગે પાકિસ્તાન મગનું નામ મરી પાડવા તૈયાર નથી, જેના લીધે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને પણ પાકિસ્તાન પર વિશ્વાસ નથી બેસી રહ્યો! તેઓ પાકિસ્તાન અને ચીન બંને દેશો પાસેથી લિખિતમાં કરાર કરાવવા માંગે છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી મળી રહેલા ભંડોળનો ઉપયોગ પાકિસ્તાન કોઇ પણ ભોગે ચીન પાસેથી લીધેલી લોન ચૂકવવા માટે નહીં કરે! પરંતુ પાકિસ્તાન આમાં પણ પોતાની આડોળાઈ દેખાડી રહ્યું છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન ચીન પાસેથી લીધેલા 6.5 અબજ ડોલરની વિગતો અંગે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને કશું જણાવી નથી રહ્યા. પરિણામસ્વરૂપ, એપ્રિલમાં પાકિસ્તાનની મુલાકાતે જવાનું આયોજન ધરાવનાર ફંડના અધિકારીઓ હવે પોતાની તારીખ પાછળ ઠેલવીને મે મહિનાની કરી રહ્યા છે!
ફક્ત આટલું જ નહીં. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અધિકારીઓની શંકા એટલી પ્રબળ બની ચૂકી છે કે તેઓ પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલા તમામ નાણાકીય વ્યવહારોની તમામ વિગતો જાણવા માંગે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જે.એફ.-17 ફાઇટર જેટ અને સબમરિન બાબતે થયેલા તેમનાં કરારની આર્થિક વિગતો જાણવા માટે તેઓ હવે વિહવળ બન્યા છે. પાકિસ્તાનનાં પેટમાં પણ ટાંટિયા ઘુસી ગયા છે. એમનાં ફાયનાન્સ મિનિસ્ટર આગામી 25 એપ્રિલનાં રોજ ’ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ અને ‘ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર’ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવા માટે ચીન જઈ રહ્યા છે. ભીખ મળતી હોવા છતાં પાકિસ્તાન નમતું ઝોખવા તૈયાર નથી. તેમને તો એટલું જ જોઇએ છે કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કોઇ જાતની શરતો લાગુ પાડ્યા વગર ફક્ત લાંબાગાળાની યોજના પર કામ કરવા તૈયાર થાય, જેથી પાકિસ્તાનને પોતાની અર્થવ્યવસ્થા પુનજીર્વિત કરવામાં સરળતા થઈ પડે!
એક બાબત નિશ્ચિત છે સાહેબ, ગઠબંધનની સરકાર આવી ગઈ તો પાકિસ્તાન ફરી નિડર બનીને બેફામ આતંક ફેલાવશે. નમાલા નેતા મૂંગા મોઢે તમાશો જોયા રાખશે અને આપણે છપ્પનની છાતીને ફરી સત્તા પર લાવવા માટે વલખા મારતાં હોઇશુ! આવતાં મંગળવારે મતદાનનો તહેવાર છે. સમજી-વિચારીને દેશને મજબૂત પ્રતિનિધિત્વ આપવાની જવાબદારી તમારા હાથોમાં છે એટલું સ્મરણમાં રહે! અસ્તુ.
bhattparakhyahoo.com

Advertisement