મતદારમુક્ત કોંગ્રેસ


કોંગ્રેસના કારમા પરાજય કરતા ભાજપના જવલંત વિજયની કિંમત વધુ મહત્વની છે:ગુજરાતની તમામ આઠ બેઠકોમાં વિજય સાથે ભાજપે એ સાબિત કરી દીધું છે કે તે પૂરી રીતે પ્રોફેશનલ પોલિટિકલ પાર્ટી છે : રાજ્યમાં પક્ષ માટે અનેક ફેકટરો ચિંતા સર્જે તેવા હતા પરંતુ ફેકટરને કુશળતાપૂર્વક મેનેજ કરાયા અને કોંગ્રેસ માટે એક પછી એક દ્વાર બંધ થવા લાગ્યા હતા જે આ પક્ષ પારખી શક્યો નહીં

કોંગ્રેસ 2015ના આંદોલનના ભરોસે હજુ પણ દરેક ચૂંટણી લડવા જાય છે જે આંદોલન હવે કોઇ મહત્વ ધરાવતું નથી : વાસ્તવમાં પાટીદાર વોટબેંક લાંબા સમયથી ભાજપે કોંગ્રેસના પગ નીચેથી ખેસવી લીધી છે પરંતુ તે આ પક્ષ હજુ સમજી શક્યો નથી અને હાર્દિક પટેલ પર દરેક ચૂંટણી આઉટસોર્સ કરી દેવાય છે જે પણ હવે ‘વિનીંગ ફેક્ટર’ નથી તે નિશ્ચિત થયું છે

અબડાસા જેવી બેઠક પર પરાજય એ દર્શાવે છે કોંગ્રેસ માટે મુસ્લિમ વોટબેંક બેધારી તલવાર જેવી બની ગઇ છે : ભાજપે કુશળતાપૂર્વક તેના પર તૃષ્ટિકરણનો આરોપ મુકીને પોતાની બહુમતી વોટબેંક નિશ્ચિત કરી છે અને મુસ્લિમોને એ પણ વિચારતા પ્રેર્યા છે કે કોંગ્રેસ તેની તારણહાર નથી અને આથી લઘુમતી સમુદાય ખુદની લડાઈ લડવા જતા બંને બાજુથી ગુમાવી રહ્યો છે જે ભાજપના લાભમાં પરિસ્થિતિ બનાવે છે

કોંગ્રેસ પક્ષપલ્ટાના ફેક્ટરને ચગાવવા પ્રયત્ન કર્યો પરંતુ ભાજપે તે ફેક્ટર કયાંય અસર જ ન કરે તે નિશ્ચિત કર્યું : ખાસ કરીને મતદારોમાં એ ભરોસો કોંગ્રેસ જગાવી શકી નહીં કે તેમના નવા ચૂંટાઈ શકતા ધારાસભ્યો પણ પક્ષપલ્ટો નહીં કરે તેની કોઇ ગેરેંટી નથી અને હાલના ધારાસભ્યો પણ હવે સમાધાનો શોધવા મંડશે : આ પક્ષ માટે રાહત એટલી જ છે કે ખુદ સી.આર. પાટીલે હવે કોઇ વધુ કોંગ્રેસના ધારાસભ્યો નહીં તેવી ખાતરી આપીને 2022 સુધી કોંગ્રેસ જો સાચવી શકે તો તેના ધારાસભ્યોને સાચવવા પડકાર ફેંક્યો છે

‘પરિણામો અમારી ઉણપોનો અરીસો, જનાદેશનો નતમસ્તકે સ્વીકાર કરુ છું’ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સંભાળી રહેલા પરેશ ધાનાણીએ ગઇકાલે 0-8થી કોંગ્રેસનો પરાજય થયો પછી જે ટવીટ કર્યું તેમાં ત્યાં જ અટકી ગયા હોત તો કદાચેય પરાજયની ગંભીરતા તેઓ લે છે તેવું જણાયું હોત પરંતુ આગળ વધતાં ફરી એક વખત મંદી-મોંઘવારી-બેરોજગારી-કાળાધન અને કોંગ્રેસે નવા શોધેલા ‘ભાઈ’ અને ‘ભાઉ’ શબ્દથી ટવીટ પુરું કરીને વાસ્તવમાં તેઓ પરાજયનું વિશ્લેષણ પણ યોગ્ય રીતે કરી શકતા નથી તે બહાર આવી ગયું છે.

 

2017ની ચૂંટણીમાં જે ગઢ અકબંધ રહ્યા હતા તેને ભાજપે ધ્વંશ કર્યા અને તેમાં ખુદ ધાનાણીના મત વિસ્તારનો પણ સમાવેશ થાય છે તે વચ્ચે આ પરિણામોમાં કોંગ્રેસ માટે આંસુ સારવા જેવું પણ નથી અને જે આઝાદીની વાત કરે છે તો તે મુદો લોકો પર છોડી દેવો જોઇએ જેને ઇમરજન્સી માટે પણ ઇન્દીરાને પાઠ ભણાવ્યો હતો અને બિહારની ચૂંટણીમાં પણ વિકાસ પુરુષ તરીકે ઓળખવાયેલા નિતીશને કટ ટુ સાઈઝ કરી દીધા છે. પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ હવે મતદાર મુક્ત બનવા જઇ રહી છે અને ધાનાણીનું ટવીટ લો કે રાહુલ ગાંધીનું તેમાં કાંઇ ફરક નહીં દેખાય. અને આ જ કોંગ્રેસના નેતૃત્વની વિચારશક્તિ છે. અને તેથી જ પક્ષપલ્ટા જેવા મક્કમ મુદામાં પણ લોકોએ કોંગ્રેસને સાથ ન આપ્યો તેની સૌથી મોટી ખામી એ છે કે કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટો પછી પણ તેઓ ભાજપમાં નહીં ભળે તેની કોઇ ગેરેન્ટી નથી અને જેઓ હાલ ચૂંટાયેલા છે તેઓ પણ હવે સતા સાથે જવા માટે સમાધાન શોધશે. ગુજરાતમાં કારમા પરાજય પછી કોંગ્રેસને જો એક રાહત હોય તો તે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું એ નિવેદન છે કે હવે કોંગ્રેસના કોઇપણ વધારે ધારાસભ્યોને અમે પક્ષમાં સમાવવા માગતા નથી અને તેથી 2022 સુધી આ 65 ધારાસભ્યો સાથે કોંગ્રેસ અકબંધ રહેશે તેવી ખાતરી ભાજપે આપવી પડી છે તે પણ કોંગ્રેસ માટે એક કરુણતા જ છે.

 

 


વાસ્તવમાં કોંગ્રેસના પરાજયના કારણો ભાજપે જ તૈયાર કર્યા હતા અને તેથી જ ભાજપના વિજયનું મહત્વ અનેકગણુ વધી જાય છે અને આ પક્ષ સત્તા માટે લાયક છે તે ફરી એક વખત પૂરવાર કર્યું છે. તો બીજુ એ પણ સ્વીકાર કરવું પડે કે મીડિયાના માંધાતાઓ પણ ભાજપના 8-0 વિજયની કલ્પના નહીં કરતાં હોય, કોઇએ આઈબીના નામે તો કોઇએ ભાજપના આંતરિક સર્વેના નામે 2 થી 4 બેઠકો કોંગ્રેસને મળી શકે તેમ છે તેવો અંદાજ મૂક્યો હતો પરંતુ મોરબી જેવી સૌથી અસલામત બેઠકમાં ભાજપે સલામત કરી દીધી તે દર્શાવે છે કે આ પક્ષ ચૂંટણી મેનેજમેન્ટમાં કેટલો પ્રોફેશનલ બની ગયો છે અને તે કોઇ રાતોરાત મેળવેલું જ્ઞાન નથી પરંતુ એક સતત ચાલી આવતી પ્રક્રિયા છે જે ભાજપને અપડેટ કરી રહી છે. ગઇકાલે ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના નેતાઓ કયા હતા તે ભાગ્યે જ કોઇને ખ્યાલ હશે પણ ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ કમલમમાં એકત્ર થઇ ગયા હતા અને તેઓએ વિજયની ઉજવણી કરવાની સાથોસાથ કલાકોમાં જ પંચાયત અને મહાપાલિકાની ચૂંટણીઓ તથા સંગઠન અંગેની પ્રક્રિયા શરુ કરી દીધી. અને કલાકોમાં ભાજપ માટે આ વિજય જૂનો થઇ ગયો હતો અને નેક્સ્ટ ટારગેટ માટે ભાજપ આગળ વધવા લાગ્યું.


વાસ્તવમાં પેટાચૂ્ંટણીમાં ભાજપ માટે વિજય સરળ ન હતો તે હકીકત છે પરંતુ તેને સરળ બનાવ્યો છે. એક-એક બેઠક પરના વિરોધી ફેક્ટરને ભાજપે ખૂબીપૂર્વક મેનેજ કરી લીધા અને તેના ધાર્યા ઉમેદવારોને જીતાડ્યા છે. કોંગ્રેસમાં જયારે ધારી સહિતની બેઠકોમાં જેઓને ટીકીટ ન મળી તેઓ કેટલા સક્રિય હતા તે પ્રશ્ન છે તો બીજી તરફ ભાજપમાં કોંગ્રેસના પૂર્વ નેતાઓને ટીકીટ અપાયા હોવા છતાં તેમના માટે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ કામ કરવા લાગે તે તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવે છે જે કોંગ્રેસમાં ગાંધીનગરથી લઇ દિલ્હી સુધી કમી છે. 2015માં જે પાટીદાર અનામત આંદોલન સર્જાયું અને કોંગ્રેસને કોઇ મહેનત વગરની પાટીદાર વોટબેંક મળી ગઇ હતી તેના પર તે આજદિન સુધી ભરોસો રાખીને બેઠી છે જ્યારે ભાજપે લાંબો સમય પહેલા આ વોટબેંકને કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે તે અંદાજ કોંગ્રેસના આ નેતાઓ મૂકી શક્યા નહીં એટલું જ નહીં અબડાસા જેવી બેઠકમાં કે જયા કોંગ્રેસની મોટી વોટબેંક તરીકે મુસ્લિમોની 70,000ની વસ્તી હતી ત્યાં પણ કોંગ્રેસ પોતાની વોટ બેંકને મેનેજ ન કરી શક્યું. ભાજપે આ ચૂંટણીમાં કમસેકમ બે વિધાનસભા વિસ્તાર અબડાસા અને મોરબીમાં ‘અપક્ષ-કાર્ડ’નો બેખૂબીથી ઉપયોગ કર્યો.

અબડાસામાં બે મુસ્લિમ અપક્ષ ઉમેદવારો જે મત લઇ ગયા તે કોંગ્રેસના મળેલા કુલ મતો કરતાં પણ વધુ હતા. વાસ્તવમાં હવે મુસ્લિમ વોટબેંક એ કોંગ્રેસ માટે બેધારી તલવાર બની ગઇ છે તે નિશ્ચિત છે. તેના પર દેશભરમાં મુસ્લિમ તૃષ્ટીકરણનો આરોપ મુકવામાં આવે છે અને એ માન્યતા એટલી જડબેસલાક મતદારોના મનમાં ઘૂસાડી દેવામાં ભાજપ સફળ રહ્યો છે કે કોંગ્રેસ સામેના મતોનુંં આપોઆપ ભાજપ તરફી ધૃવીકરણ થઇ જાય છે. તો બીજી તરફ મુસ્લિમોને સતત એવું લાગી રહ્યું છે કોંગ્રેસ તેની ઉપેક્ષા કરે છે અને આ માનસિકતાનો પૂરેપૂરો લાભ ભાજપ મેળવી લે છે. અને તેમાં ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા ફરી એક વખત ભાજપની મદદે આવી ગયા. અને અબડાસામાં જઇને એકપણ મુસ્લિમ મત કોંગ્રેસને ન મળે તે નિશ્ચિત કરી આવ્યા. તો મોરબીમાં પક્ષે સતવારા અપક્ષને ઉભા રાખીને કોંગ્રેસની મોટી વોટબેંક છીનવી લીધી. અને તે રીતે સામાપૂરે પણ મેરજાનો નિશ્ચિત કરી દીધો. મુખ્યમંત્રી વિજય રુપાણી માટે એક પડકાર હતો અને તેઓએ પોતાની ટીમ મોરબીમાં ઉતારી. ખુદ અંજલીબેન રુપાણી પ્રચારમાં પહોંચ્યા અને છેલ્લા મત સુધી તેઓ ભાજપ માટે કામ કરતા રહ્યા. જે દર્શાવે છે કે પક્ષ અને તેના નેતાઓ કેટલા કમિટેડ છે.


કોંગ્રેસનું હાર્દિક પટેલ ફેક્ટર પણ ફલોપ ગયું છે અને પાટીદારો પણ હવે હાર્દિકને કોઇપણ રીતે ગંભીરતાથી લેતા નથી તે નિશ્ચિત બન્યું છે. 2012માં દેશમાં નિર્ભયા કાંડ બાદના આંદોલનમાં અરવિંદ કેજરીવાલનો ઉદય થયો અને આજે તેઓ દિલ્હીમાં સતત બીજી વખત સતા જાળવી રાખવામાં અને લોકનેતા તરીકે ઉપસવામાં સફળ રહ્યા છે તો બીજી તરફ બિહારમાં તેજસ્વી યાદવએ કોઇ રાજકીય અનુભવ વગર જ જે રીતે એનડીએને પડકાર ફેંક્યો તે રાજકારણ હાર્દિક પટેલ બતાવી શક્યા નથી. તે વાસ્તવિકતા છે. અને તેથી હવે કોંગ્રેસ ફક્ત હાર્દિક કે પાટીદાર પર ચૂંટણી આઉટસોર્સ કરી શકશે નહીં. 2017માં ગુજરાતના જ લોકોએ કોંગ્રેસને એક મજબૂત વિપક્ષ અને વિકલ્પ તરીકે પણ બેસાડયો હતો. પરંતુ કોંગ્રેસના સંગઠનમાં કોઇ સક્રિયતા દેખાણી નહીં ફક્ત હોદાની વહેચણી માટે નેતાઓ કામ કરતા હોય તેવા દ્રશ્યો છે. ભાજપમાં સી.આર. પાટીલના આગમન પછી સતાના બે કેન્દ્રો હોવાની વાતો શરુ થઇ હતી. પાટીલના કેટલાક વિધાનોથી વિવાદ પણ સર્જાયા હતા.

અને પેટાચૂ્ંટણીના પરિણામોના પડઘા પડશે તેવી પણ ચર્ચા હતી પરંતુ પ્રચારના અંતિમ તબકકામાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંયુક્ત રીતે પ્રચાર કર્યો. ભાજપનો એક ચહેરો બતાવ્યો અને વિકાસનો મુદો જાળવી રાખ્યો. પક્ષપલ્ટાને સફળતાપૂર્વક ડીસ્કાઉન્ટ કરવામાં ભાજપ સફળ રહ્યો છે તે નિશ્ચિત છે. તો બીજી તરફ એ પણ નિશ્ચિત થયું છે કે કયા પક્ષનો લોકપ્રતિનિધિ છે તેનું લોકોને મહત્વ નથી તેના વિસ્તારના કામ થવા જોઇએ. કોંગ્રેસના જે ધારાસભ્યો વિકાસના નામે પક્ષપલ્ટો કર્યો તેઓ ભાજપમાં જવાને બદલે જો જનતા પાસે ગયા હોત તો કદાચ વધુ નૈતિકતા દર્શાવી હોત પરંતુ આ પક્ષ પલ્ટો એ કોઇ વિકાસ માટે નથી. તે નિશ્ર્ચિત હોવા છતાં પણ ભાજપે તેને વિકાસ સાથે જોડી દીધો તે મહત્વનું છે. ખુદ વિપક્ષના નેતા ટવીટમાં સ્વીકારતા હોય કે આટલા મુદા ભાજપ વિરુધ્ધ છે પરંતુ તેને મતમાં જો પલટાવી ન શકે તો તેના માટે લોકોને જવાબદાર ગણાવી શકાય નહીં.


અને છેલ્લે 2017ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ બંને ગુજરાતમાં પ્રચારમાં હતા. અને બંને સક્રિય હતા તેમ છતાં ભાજપ ડબલ ડીજીટે પહોંચી ન શક્યો તો તૂર્ત જ ડેમેજ કંટ્રોલ કેમ કરવું તે રાષ્ટ્રીય સ્તરેથી લઇ પ્રાદેશીક સ્તરે વિચારણા શરુ થઇ ગઇ. ફક્ત ગુજરાત નહીં ભાજપ તેના રાષ્ટ્રીય વ્યૂહને પણ રાજ્યોની ચૂંટણી મારફત અમલમાં મૂકે છે તે નિશ્ચિત થઇ ગયું છે અને તેથી જ રાજ્યસભામાં બહુમતી માટે પક્ષ દ્વારા ગુજરાતમાં જે કાંઇ પ્રકારે પક્ષપલ્ટા થયા તે ભાજપને રાષ્ટ્રીય કક્ષાએ મજબૂત બનાવી ગયા છે. વાસ્તવમાં નૈતિકતા કે અનૈતિકતા એ હવે રાજકારણમાં છોછનો વિષય રહ્યો નથી અને પ્રોફેશનલ અભિગમમાં જ રાજકીય પક્ષોને હવે લોકોની વચ્ચે રાખી શકશે પણ કદાચ કોંગ્રેસ જ ખુદ લોકોથી દૂર થઇ ગઇ છે. 

 

Advertisement