www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માત્ર શેરબજારમાં જ નહીં, સોના-ચાંદી-ક્રુડ-ડોલરમાં પણ કમાણી

ઈન્વેસ્ટરોને જેકપોટ: સ્મોલકેપમાં દર ચોથા શેરમાં બમ્પર રિટર્ન


♦ નાણાંકીય વર્ષ દરમ્યાન માત્ર સ્મોલકેપ શેરોમાં જ 26 લાખ કરોડની કમાણી: શેરબજારનાં કુલ માર્કેટ કેપમાં 128.77 લાખ કરોડનો તોતીંગ વધારો

સાંજ સમાચાર

♦ જય બાલાજીમાં સૌથી વધુ 1878 ટકા રીટર્ન: વારી રીન્યુએબલ, ફોર્સ મોટર્સ, આઈનોકસ, સુઝલોન સહિતના શેરો અનેક ગણા વધ્યા

 

મુંબઈ તા.29
શેરબજારમાંથી નાણાંકીય વર્ષની વિદાય થઈ રહી છે.માર્ચનાં અંતિમ ત્રણ દિવસો સળંગ રજા રહી છે.આ નાણાંકીય વર્ષ યાદગાર બન્યુ હોય તેમ તેમ નીફટી 500 હેઠળની પાંચમાંથી એક સ્ક્રીપના ભાવ ડબલ થયા છે. નાના શેરોમાં રોકાણનો કેન્દ્ર ધરાવતા ઈન્વેસ્ટરોને જેકપોટ લાગ્યો હોય તેમ સંપતિમાં 26 લાખ કરોડનો વધારો થયો છે.

2023-24 ના નાણાંકીય વર્ષમાં નિફટીમાં 28.6 ટકાની વૃધ્ધિ થઈ છે. વિશ્વમાં સૌથી મોટી તેજી ધરાવનારા શેરબજારોમાં ભારતનું સ્થાન નોંધાયુ છે. એટલુ જ નહિં આ તેજી છેલ્લા 10 વર્ષની બીજા નંબરની સૌથી મોટી રહી છે. મીડકેપ તથા સ્મોલકેપ શેરો મેદાન મારી ગયા હતા.2008 બાદ પ્રથમ વખત પાવર, કેપીટલ ગુડઝ તથા જાહેર કંપનીઓના શેરોમાં અફલાતુન રીટર્ન મળ્યુ હતું.

નીફટી પણ હેઠળનાં દર પાંચમાંથી એક શેરનો ભાવ ડબલ થયો હતો. ટાટા મોટર્સ તથા બજાજ ઓટોમાં 135 ટકાનો સૌથી મોટો વધારો થયો હતો. વેલ્યુની દ્રષ્ટિએ ટાટા ગ્રુપ સૌથી મોટુ બન્યુ હતું ટાટા ગ્રુપની માર્કેટ કેપ 30.20 લાખ કરોડે પહોંચી હતી.

મુંબઈ શેરબજારમાં 1000 સ્ક્રીપોવાળા સ્મોલકેપ ઈન્ડેકસના માર્કેટ કેપમાં 26 લાખ કરોડનો વધારો થયો હતો અને તે 66 લાખ કરોડે પહોંચ્યુ હતું. સ્મોલકેપ ઈન્ડેકસ 4 માંથી 1 શેરમાં બમ્પર રીટર્ન મળ્યુ હતું. માત્ર 124 સ્ક્રીપોમાં ઘટાડો હતો. અમુક સ્મોલકેપ શેરોનાં રીટર્ન ચકાસવામાં આવે તો બાલાજી ઈન્ડસ્ટ્રીઝમાં 1878, વારી રીન્યુએબલ ટેકનોલોજીમાં 810 ટકા, ફોર્સ મોટર્સમાં 522 ટકા, કલ્યાણ જવેલર્સમાં 281 ટકા રીટર્ન મળ્યુ હતું. ઈરકોન ઈન્ટરનેશનલ જયુપીટર વેગન, આરવીએનએલ, કોચીન શીપયાર્ડ, તિતાગઢ ફલેસીસ્ટમ, પીટીસી, મડગાંવ ડોક વગેરેમાં પણ ડબલ કરતા વધુ રીટર્ન મળ્યુ હતું.

સ્મોલકેપ મીડકેપ શેરોમાં બેફામ તેજી સામે સેબીએ લાલબતી ધરી હતી. જેને પગલે છેલ્લા એક મહિનામાં સ્મોલકેપ ઈન્ડેકસમાં 6.5 ટકાનું ગાબડુ પડયુ હતું. એક વર્ગ વધુ ઘટાડાનું અનુમાન દર્શાવી રહ્યો છે. 2018 માં પણ નાના શેરો ખૂબ વધ્યા બાદ 24 થી 31 ટકા પછડાયા હતા. તેનુ પુનરાવર્તન થયાની ભીતિ સેવી રહ્યો છે. જોકે બીજો વર્ગ આર્થિક વિકાસ, રાજકીય સ્થિરતા, વ્યાજ ઘટવાના આશાવાદ તથા રીટેઈલ ઈન્વેસ્ટરોની મોટી હાજરીને આગળ ધરીને આવી સંભાવના નકારે છે.એક માસમાં સ્મોલકેપ ઈન્ડેકસ 6.5 ટકા ઘટવા છતાં એક વર્ષમાં 61 ટકાનો વધારો સુચવી રહ્યો છે. માર્કેટમાં મધ્યમ કે લાંબા ગાળે તેજીનો ટ્રેંડ જ જણાય રહયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાણા વર્ષનાં છેલ્લા દિવસે શેરબજારનો સેન્સેકસ 655 પોઈન્ટ તથા નિફટી 203 પોઈન્ટ ઉછળ્યો હતો. નાણાંકીય વર્ષ દરમ્યાન શેરબજારમાં ઈન્વેસ્ટરોની સંપતિમાં 128.73 લાખ કરોડનો વધારો થયો છે. માત્ર શેરબજાર જ નહિં સોનું-ચાંદી, ક્રુડ, ડોલર સહીત તમામ ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રોમાં ઈન્વેસ્ટરોની વતા ઓછા પ્રમાણમાં રીટર્ન મળ્યુ છે.

સોનામાં નાણાકીય વર્ષ દરમ્યાન 10 ગ્રામે સરેરાશ રૂા.7500 નો વધારો થયો હતો અને ઈન્વેસ્ટરોને 12.50 ટકાનું રીટર્ન મળ્યુ છે. ચાંદીમાં 3.33 ટકા, ક્રુડ તેલમાં 10.85 ટકા, ડોલરમાં 1.36 ટકાની કમાણી થઈ હતી.

 

Print