યુનિવર્સિટી પારદર્શક! એન્ટી-ચેમ્બર હટાવાશે : પેન્ડીંગ પીએચડીના કેસ ચકાસાશે

14 September 2018 05:55 PM
Rajkot
  • યુનિવર્સિટી પારદર્શક! એન્ટી-ચેમ્બર હટાવાશે : પેન્ડીંગ પીએચડીના કેસ ચકાસાશે

કેબીનમાં પડદા પણ નહી ચાલે, પારદર્શક કાચ રાખવાનું ફરજીયાત બાયોસાયન્સ ભવનના પ્રોફેસરના કારનામા પછી યુનિવર્સિટીના ધડાધડ-મહત્વના નિર્ણયો

Advertisement

રાજકોટ તા.14
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલના કારનામાનો યુનિવર્સિટીના એન્ટી સેકસ્યુઅલ હેરસમેન્ટ સેલની તપાસમાં પર્દાફાશ થયા બાદ આજે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેના અઘ્યક્ષ સ્થાને મળેલી સિન્ડીકેટની ખાસ બેઠકમાં યુનિવર્સિટી ભવનોમાં અઘ્યાપકોની જયાં-જયાં એન્ટી ચેમ્બરો આવેલી છે. તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
આ ઉપરાંત ભવનોમાં પીએચડીના ગાઇડો તેમજ અઘ્યાપકોની ચેમ્બરોમાંથી પડદા હટાવવા અને ગ્લાસ ડોર રાખવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે. તેમજ યુનિવર્સિટીમાં પેન્ડીંગ પીએચડીના કેસો પણ ચકાસવામાં આવશે. આ સંદર્ભે કુલપતિ નિલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં જે સંશોધન કર્તા વિદ્યાર્થીઓને પીએચડી કરવામાં પાંચ વર્ષથી વધુ સમય પસાર થયો હોય તેવા વિદ્યાર્થીઓની વિગતો તેઓ દ્વારા મંગાવાશે. આ ઉપરાંત યુનિવર્સિટીના તમામ ભવનોમાં અઘ્યાપકોની ચેમ્બરોમાં સીસીટીવી કેમેરાને પણ ફરજીયાત કરી દેવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની જાતીય સતામણી પીએચડીના વિદ્યાર્થીઓ પાસેથી લાંચ રૂશ્વત સહિતની ફરીયાદો અવાર-નવાર ઉઠતી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં એન્ટી સેકસ્યુઅલ હેરસમેન્ટ સેલ સમક્ષ આવેલી આવી ફરિયાદો પણ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.દવે દ્વારા મંગાવવાનો નિર્ણય લેવાયેલ છે. આવી ફરિયાદોની તલસ્પર્શી તપાસ હાથ ધરી પગલા લેવાની કાર્યવાહી હાથ ધરાશે.
એ ગ્રેડની આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદોમાં ઢસડાતી આવી છે. અગાઉ પેપર ફૂટી જવા પરીક્ષાચોરી સહિતની ઘટનાઓએ આ યુનિવર્સિટીને કાળો દાગ લગાવેલ છે.
હવે બાયોસાયન્સ ભવનની પીએચડીની વિદ્યાર્થીની જાતીય સતામણીની ઘટના ઘટતા સૌરાષ્ટ્ર-ગુજરાતના ઉચ્ચ શિક્ષણ જગતમાં તેના ઘેરાપ્રત્યાઘાત પડતા જેના પગલે આ પ્રકરણમાં બાયોસાયન્સ ભવનમાં પ્રોફેસર નિલેશ પંચાલની ગાઇડશીપ કાયમી ધોરણે રદ કરી તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય આજની સિન્ડીકેટમાં લેવાવાની સાથો સાથ યુનિવર્સિટીના તમામ અઘ્યાપકોની ચેમ્બરમાં ગ્લાસ ડોર નાંખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. યુનિવર્સિટીના વહિવટ પારદર્શક બને તે માટે આજની આ સિન્ડીકેટમાં મહત્વપૂર્ણ દાખલારૂપ નિર્ણયો લેવામાં આવેલ છે.


Advertisement