વ્હોરા સમાજે ઈમામ હુશેનના પવિત્ર સંદેશને જીવનમાં ઉતાર્યો છે: મોદી

14 September 2018 05:35 PM
India
  • વ્હોરા સમાજે ઈમામ હુશેનના પવિત્ર સંદેશને જીવનમાં ઉતાર્યો છે: મોદી

ઈન્દોરમાં હઝરત ઈમામ હુશેનના શહાદત સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં હાજર રહેતા વડાપ્રધાન આ સમાજની તેમના પરિવારો માટે આવાસ નિર્માણ, ભૂખ્યાને ભોજન તથા આરોગ્ય સેવાઓને બિરદાવતા વડાપ્રધાન: સૈયદના સાહેબ અને મહાત્મા ગાંધીના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો

Advertisement

ઈન્દોર તા.14
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાઉદી વ્હોરા સમાજની પ્રશંસા કરતા કહ્યું કે આ એક એવો સમાજ છે કે જે સતત તેના કોઈ વ્યક્તિ ભૂખ્યા ન સુવે તેની ચિંતા કરે છે. ગરીબો માટે હોસ્પીટલો ચલાવે છે અને આ સમાજે 11 હજાર લોકોને તેમના ઘર આપ્યા છે. આજે ઈન્દોરમાં હજરત ઈમામ હુશેનની સહાદતના સ્મરણોત્સવ (અશરા મુબારક કાર્યક્રમ) માં હાજરી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું એ કદી ન ભુલી શકુ કે જયારે ઉજજૈનમાં મને સૈયદના સાહેબને મળવાની તક મળી હતી અને તેઓએ મારા હાથને ચુંબન કર્યુ હતું. જે આજે પણ મારી સાથે છે. દાઉદી વ્હોરા સમાજના આ પ્રકારના કાર્યક્રમમાં દેશના કોઈ વડાપ્રધાન હાજર રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. મધ્યપ્રદેશ સરકારે આ આયોજન કરનાર સૈફુદીન સાહેબને રાજય સરકારના અતિથિનો દરજજો આપ્યો હતો. વડાપ્રધાને વ્હોરા સમાજને સૌને સાથે લઈ ચાલનારો સમાજ ગણાવ્યો હતો. વડાપ્રધાને આ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન સહિતનો ઉલ્લેખ કર્યો હતો અને ઈન્દોર દેશમાં સૌથી સ્વચ્છ શહેર છે તે બદલ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે ઈમામ હુશેનના પવિત્ર સંદેશને આ વ્હોરા સમાજને પોતાના જીવનમાં ઉતાર્યો છે અને દુનિયા સુધી તેમનો સંદેશો પહોંચાડયો છે. પુરા વિશ્ર્વને પોતાનું કુટુંબ માનનારો આ સમાજ છે. વડાપ્રધાને કહ્યું કે હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો તે સમયે કુપોષણ સામે લડવા મે આ સમાજનો સહયોગ માંગ્યો હતો અને તેણે આપ્યો હતો. વડાપ્રધાને એ ઉલ્લેખ કર્યો કે સૈયદના સાહેબ અને મહાત્મા ગાંધીની મુલાકાત ટ્રેનમાં થઈ હતી અને બંને વચ્ચે નિરંતર સંવાદ થતો હતો. દાંડીયાત્રા દરમ્યાન સૈયદના સાહેબની શૈફી વિલામાં મહાત્મા રોકાયા હતા. આ વિલા તેઓએ દેશને સમર્પિત કરી હતી.


Advertisement