જાફરાબાદનાં ભાકોદર ગામે કાર્યરત સ્વાન કંપનીને હટાવવા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત

14 September 2018 02:07 PM
Amreli
  • જાફરાબાદનાં ભાકોદર ગામે કાર્યરત સ્વાન કંપનીને હટાવવા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત

ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી : સરમુખત્યાર શાહી અટકાવો

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.14
જાફરાબાદનાં ભાકોદર ગામની સ્વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે જાફરાબાદ તાલુકાનાં ભાકોદર ગામે સ્વાન એલએનજી કંપની દ્વારા ભાકોદર ગામે જેટી બનાવી ગેસ આયાત કરવાનું કામ ચાલુ કરવાની છે. આ પ્રા.લી. કંપની દ્વારા જેટી બનાવી, ગેસ આયાત કરવાનું કામ કરવાની હોય તેવું જાણવા મળેલ છે.
તો ભાકોદર ગામની સરકારી જમીન પડતર જમીન, ખરાબાની જમીન, ખારલેન્ડની જમીન, ગૌચરણની જમીન, ખાનગી માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે જમીન હડપ કરી છે અને ગામની જમીન ગામની જ છે. ગામ જ માલિક છે. ગામની સરકારી જમીન, પડતર જમીન, ખરાબાની જમીન, ખારલેન્ડની જમીન, ગૌચરણની જમીનનાં માલિક સરકાર હરગીજ નથી. આ તમામ જમીનનો માલિક ગ્રામસભા છે. ગ્રામસભાને તમામ પ્રકારની સતા છે. છતાં પણ આ વિસ્તારનાં ગરીબ વર્ગના, પછાત વર્ગના, અભણ અને કાયદાનાં અજ્ઞાન લોકો ઉપર સત્તાનો પોલીસનો, સરકારી અધિકારીઓનો સરકારી તંત્રનો દુરૂપયોગ કરીને કાયદાનો ડર બતાવીને નીતિ-નિયમોને નેવે મુકીને પ્રા.લી. કંપનીએ પોતાનું કામ શરૂ રાખેલ છે. આંદોલન, સત્યાગ્રહ, ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. છતાં પણ આ સરકારી તંત્ર દ્વારા પોલીસ અને કાયદાનો દુરૂપયોગ કરીને ગામનાં બાળકો, માતાઓ, વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ મળીને કુલ 400 થી 500 જણાની ધરપકડ કરીને ખાંભા, સાવરકુંડલા, ટીંબી, રાજુલા, જાફરાબાદ લઇ જઇને કાયદાનો ડર બતાવીને કાયદાનો કોરડો વિંધીને રાત્રીના મોડે-મોડે કાયદાની અલગ-અલગ ખોટી ખોટી કલમો લગાડીને લોકોને ડર બતાવે છે. લોકોને ધાક-ધમકી, ધરપકડ કરી, લોકશાહીમાં સત્યાગ્રહ આંદોલનને દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે જાતે જ સ્થળ પર આવીને લોકશાહીનું ખૂન થતાં અટકાવવા લોકશાહીને સરમુખત્યારશાહી તરફ જતી અટકાવવા અંતમાં માંગ કરેલ છે.


Advertisement