સરકારી સલાહની ઐસી તૈસી: વરસાદ-પાણીની ખેંચ છતાં ખેડુતોએ કપાસ-ડાંગરનું જ મોટુ વાવેતર કર્યુ

14 September 2018 01:13 PM
Gujarat
  • સરકારી સલાહની ઐસી તૈસી: વરસાદ-પાણીની ખેંચ છતાં ખેડુતોએ કપાસ-ડાંગરનું જ મોટુ વાવેતર કર્યુ

વરસાદની ખાધ ધરાવતા 14 જીલ્લામાં જ વધુ પાણી માંગતા કપાસ-ડાંગરની મોટી વાવણી

Advertisement

અમદાવાદ તા.14
ગુજરાતમાં લાંબા વખતથી મેઘરાજા ગાયબ છે અને રાજયમાં ચોમાસાના વરસાદની ખાધ છે ત્યારે એવી વિગતો બહાર આવી છે કે ઓછા વરસાદ-પાણીને કારણે કપાસ-ડાંગર જેવા કૃષિપાકનું વાવેતર નહીં કરવાની રાજય સરકારની સલાહ છતાં 44 ટકા જેવા મોટા વિસ્તારમાં ખેડુતોએ આ બન્ને પાકનું જ વાવેતર કર્યુ હતું.
સમગ્ર ગુજરાતમાં 79 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે તેમાંથી 15.21 લાખ હેકટરમાં કપાસ તથા ડાંગરની વાવણી થઈ છે. 10 ટકાથી ઓછો વરસાદ છે તેવા 14 જીલ્લામાં 25 કૃષિચીજોનું જંગી વાવેતર થયું છે.
સરકાર સર્રોવર નિગમના એક સીનીયર અધિકારીએ કહ્યું કે વરસાદ અનિશ્ર્ચિત હતો અને ખેતી માટે નર્મદાનું પાણી નહીં આપવાની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી હતી. વધુ પાણીની જરૂરિયાત ધરાવતા કપાસ તથા ડાંગરના પાકથી દૂર રહેવા ખેડુતોને સૂચવવામાં આવ્યું હતું. સરકાર માત્ર સલાહ જ આપી શકે, ફરજ પાડી ન શકે. સરકારની સલાહ અવગણીને વધુ ગળતર મેળવવાની લાલચમાં કપાસ-ડાંગરનું જ મોટુ વાવેતર કરી નાખ્યું હતું.
સરદાર સરોવર પ્રોજેકટને સ્ત્રાવ ક્ષેત્ર માત્ર 18 લાખ હેકટરનું છે. સમગ્ર રાજયની ખેતી માટે સિંચાઈનું પાણી પુરુ પાડી શકાય તેમ ન હતું. હવે નર્મદામાં પાણી આવી ગયુ છે એટલે ખરીફ પાક માટે પાણી છોડવાનું નકકી કરવામાં આવ્યું છે.
ડાંગરના પાક પર નજર કરવામાં આવે તો એક કિલો ચોખાનો પાક મેળવવા 3000 લીટર પાણી જરૂરી બને છે. 8.01 લાખ હેકટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે તે પૈકી 27 ટકા વાવેતર વરસાદની ખાધ ધરાવતા જીલ્લાઓમાં છે. અમદાવાદમાં સરેરાશ કરતા 40 ટકા વરસાદ પણ થયો નથી. છતાં ડાંગરનું જંગી વાવેતર છે. સમગ્ર રાજયમાં ડાંગરનું જેટલું વાવેતર છે તેનું 14 ટકા માત્ર અમદાવાદ જીલ્લામાં થયું છે.
નવસારી તથા વલસાડ જેવા જીલ્લામાં સરેરાશ કરતા વધુ વરસાદ થયો હોવા છતાં ત્યાં ડાંગરનું વાવેતર ઘણું ઓછું છે. આણંદ જીલ્લામાં પણ સમાન સ્થિતિ છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વરસાદની ખાધ જ રહી છે. જો કે, ખેડુતોએ ડાંગરનું વાવેતર ઘણુ ઓછુ કર્યુ છે.
કપાસને લાગેવળગે છે ત્યાં સુધી 27.03 લાખ હેકટર પૈકી 55 ટકા વરસાદની ખાધ ધરાવતા 14 જીલ્લામાં થયુ છે. કચ્છમાં સરેરાશનો માત્ર 26 ટકા વરસાદ થયો હોવા છતાં ખેડુતોએ કપાસનું મોટુ વાવેતર કર્યુછે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ તથા સુરેન્દ્રનગર જેવા ચાર જીલ્લામાં સરેરાશ કરતા 40 ટકા વરસાદ પણ થયો નથી જયાં કપાસનું 19 ટકા વાવેતર થયુ છે.
એક કિલો કપાસના ઉત્પાદન માટે 22000 લીટર પાણીની જરૂર હોય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના ડીન ડો. કે.પી.પટેલે કહ્યું કે વધુ પાણીની જરૂરિયાત ધરાવતા કપાસ-ડાંગર જેવા પાકથી દૂર રહેવાની સલાહ છતાં મોટુ વળતર મેળવવાની લાલચમાં ખેડુતોએ આ બન્ને પાક પર જ પસંદગી ઉતારી છે.


Advertisement