રીડેવલપમેન્ટ પ્રક્રિયા સરળ બનાવવા વિધાનસભામાં વિધેયક

14 September 2018 01:05 PM
Gujarat
  • રીડેવલપમેન્ટ પ્રક્રિયા સરળ બનાવવા વિધાનસભામાં વિધેયક

18મીથી આરંભાતા બે દિવસના વિધાનસભા સત્રમાં કુલ પાંચ વિધેયક પેશ થશે: જીએસટીમાં સુધારા, ચેઈન સ્નેચીંગ, બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના જેવા વિધેયકો પણ સામેલ

Advertisement

ગાંધીનગર તા.14
ગુજરાતમાં જુની પુરાણી ઈમારતોના નવનિર્માણ માટે રીડેવલપમેન્ટ પોલીસીનું વિધેયક વિધાનસભાના આગામી સત્રમાં પેશ કરવામાં આવશે. આગામી 18 અને 19મીએ વિધાનસભાનું બે દિવસનું સત્ર યોજાવાનું છે તેમાં પાંચ વિધેયકો પેશ થશે.. રીડેવલપમેન્ટ બીલ ઉપરાંત સુધરાઈઓમાં કમીશ્નરની નિમણુંક, ચીલઝડપના ગુનાઓ માટે કાયદો, જીએસટી દરોમાં બદલાવ તથા બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના જેવા ખરડા સામેલ છે.
રાજય સરકારે વર્ષો જુની ઈમારતોના નવનિર્માણ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરી જ છે. હવે વિધાનસભામાં ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ 1973માં સુધારો કરવામાં આવશે. પ્રવર્તમાન જોગવાઈ મુજબ હાઉસીંગ કોલોનીના તમામ 100 ટકા મકાન માલીક સંમત થાય તો જ નવનિર્માણ શકય બને છે. નવા સૂચિત સુધારા હેઠળ 75 ટકા મકાન માલિક સહમત થાય તો પણ હાઉસીંગ કોલોની રીડેવલપ થઈ શકશે.
વિધાનસભામાં પેશ થનારા વિધેયકમાં સરકાર એવુ સ્પષ્ટ કરશે કે તમામ માલિકોની સંમતિ વિના હાઉસીંગ કોલોનીનું રીડેવલપમેન્ટ શકય બનતુ નથી એટલે રીડેવલપમેન્ટ આડેના આવા અંતરાયો દુર કરવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. 75 ટકા મકાન માલિકો સંમત થાય તો હાઉસીંગ કોલોનીનું રીડેવલપમેન્ટ શકય બનશે.
સૂચિત વિધેયકમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે 25 વર્ષ જુની હાઉસીંગ કોલોનીનું રીડેવલપમેન્ટ કરી શકાશે. હાઉસીંગ કોલોની રીડેવલપ કરવા માટે સંબંધીત સતાવાળાઓ પાસેથી ઈમારત જર્જરીત અને જોખમી હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે.
રીડેવલપમેન્ટ પોલીસી ઉપરાંત મહિલાઓના ગળામાંથી ચેઈનની ચીલઝડપના ગુનામાં સજા આકરી બનાવવાનું વિધેયક પણ રજુ થશે. જે અંતર્ગત આઈપીસીની કલમ 379ની બે પેટા જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે.
ત્રીજુ વિધેયક રાજયની સુધરાઈઓમાં કમીશ્નરોની નિમણુંક કરવાનું છે. રાજય સરકાર દ્વારા કમીશ્નરોની નિમણુંક કરવામાં આવી જ છે. હવે તેને કાયદાકીય રૂપ આપીને વધુ સતા આપવાનો ઈરાદો છે.
ચીલઝડપના ગુનામાં સજા વધારીને 10 વર્ષની કરવાનો વટહુકમ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો. આઈપીસી કેન્દ્રનો કાયદો છે એટલે રાજય સરકારે વિધેયક રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવું પડશે.
જીએસટીમાં કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા હોવાથી રાજય સરકાર પણ તેમાં સુધારા સૂચવતું બીલ રજુ કરશે. આ ઉપરાંત ગાંધીનગર નજીક બાયોટેકનોલોજી યુનિવર્સિટી સ્થાપવાનું વિધેયક રજુ કરવામાં આવશે.


Advertisement