ગ્રેજ્યુએટસની કમાણી મામલે IIM અમદાવાદ પ્રથમ સ્થાને !

13 September 2018 11:05 PM
Rajkot Gujarat
  • ગ્રેજ્યુએટસની કમાણી મામલે IIM અમદાવાદ પ્રથમ સ્થાને !

આ બાબતમાં લંડનની બિઝનેસ સ્કૂલને પણ પાછળ છોડી દીધી : બ્રિટીશ ફાયનાન્સીયલ ટાઈમ્સ અખબારનું રેન્કિંગ

Advertisement

બ્રિટિશ ન્યૂઝપેપર ફાયનાન્સિયલ ટાઈમ્સની હાલની રેન્કિંગ અનુસાર, ભલે દુનિયાની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી સેન્ટ ગેલેન છે, પરંતુ અહીંથી ડિગ્રી લઈને નીકળતા ગ્રેજ્યુએટ્સની કમાણીનાં મામલામાં આ સંસ્થા ચોથા ક્રમે છે. અમદાવાદ, બેંગ્લોર અને કોલકાતાની ભારતીય મેનેજમેન્ટ સંસ્થા આ મામલામાં ક્રમશઃ પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. અહીંથી ભણીને નીકળનારા વિદ્યાર્થીઓ દુનિયાની અન્ય મેનેજમેન્ટ સંસ્થાઓનાં વિદ્યાર્થીઓની સરખામણીમાં વધુ વેતન મેળવે છે.

દુનિયાની સૌથી નામી મેનેજમેન્ટ સ્કૂલ્સમાં સામેલ લંડનની બિઝનેસ સ્કૂલ આ યાદીમાં 10માં નંબર પર છે. તમામ કારણોમાં કદાચ એક કારણ આ પણ છે કે વિદેશી શિક્ષણ સંસ્થાઓ પરથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહ ઓછો થઈ રહ્યો છે. મંગળવારે રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

બ્રિટનની માઈગ્રેશન એડવાઈઝરી કમિટીનાં રિપોર્ટ અનુસાર, ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. તેમાં વિદ્યાર્થીઓનું સ્પોન્સર લાઈસન્સ પૂરું થવું, કોર્સ પૂર્ણ થયા બાદ નોકરીની ઓફરમાં બદલાવ અને ભારતીય મીડિયામાં બ્રિટનની શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિકૂળ રિપોર્ટીંગ મોટું કારણ છે. આ ઉપરાંત, ફાયનાન્સિયલ ટાઈમ્સનો રિપોર્ટ પણ મહત્ત્વનાં કારણોમાં સામેલ થઈ શકે છે કે જ્યારે આપણાં દેશમાં જ સારી શિક્ષણ સંસ્થાઓ છે તો પછી વિદેશ શા માટે જવું?

ભારતની મેનેજમેન્ટ સ્કૂલમાંથી પાસઆઉટ વિદ્યાર્થીઓ વિશ્વની મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર છે. IIM કોલકાતામાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા ઈન્દિરા નૂઈ પેપ્સીકોનાં CEO છે. ભારતીય રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર અને વર્તમાનમાં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર ઓફ ફાયનાન્સ રઘુરામ રાજને પણ IIM અમદાવાદમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. એક્સિસ બેંકનાં CEO શિખા શર્માએ પણ IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત, IIMમાંથી પાસઆઉટ ઘણી મોટી હસ્તીઓ ભારતીય અને વિદેશી કંપનીઓનો કારભાર સંભાળી રહ્યાં છે.


Advertisement