કચ્છમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં બેના મોત

13 September 2018 01:05 PM
kutch

ગાંધીધામમાં એસટી બસ ચાલુ કરવા સેલ મારતા જ ડ્રાઇવરનું હૃદય બંધ પડી ગયું

Advertisement

ભૂજ તા.13
રણપ્રદેશ કચ્છના અંજાર તાલુકાના દુધઈ નજીક અલ્લારખા હોટેલ પાસે હુન્ડાઈ કારની અડફેટે ટપ્પરના ગોપાલનગરના 40 વર્ષિય યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ બુધવારના સવારે સવા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. મૃતક વીરા લગધીર કોલી બાઈક પાછળ મનસુખ મોહન કોલી (રહે. હિરાપર, અંજાર)ને બેસાડી ટપ્પરથી દુધઈ તરફ આવતો હતો. ત્યારે, ભુજથી ભચાઉ તરફ જઈ રહેલી હુન્ડાઈ આઈ ટ્વેન્ટી કારે બાઈકને ટક્કર મારતાં ગંભીર ઈજાઓથી વીરા કોલીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મનસુખને નાની મોટી ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો છે.
તો બીજી તરફ, ગાંધીધામની કાર્ગો ઝુંપડપટ્ટી પાસે ગત રાત્રે અજાણ્યા વાહને ટક્કર મારતાં કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહેતાં 35 વર્ષિય ખુશાલ માંજી નામના યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક મૂળ બિહારનો વતની હતો અને કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહી મજૂરીકામ કરતો હતો. બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
જયારે, બંદરીય માંડવીના રામપર વેકરા ગામના પુલીયા પાસે ગત 28 જૂલાઈના રોજ અજ્ઞાત વાહનની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલાં માંડવીના ભેરૈયા ગામના જુસા ઉમર કોલી (40)નું 5મી ઓગસ્ટે અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારજનો અંતિમવિધિમાં રોકાયેલાં હોઈ બનાવ અંગે ગઈકાલે ગઢશીશા પોલીસ મથકે મૃતકના ભાઈ માવજીએ અજ્ઞાત વાહનચાલક વિરુધ્ધ 304 એ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.
બીજી બાજુ ગાંધીધામ શહેરના ભારતનગર-આશાપુરા મંદિર પાસે એસ.ટી. બસ ચાલુ કરવા જતાં ચાલક રાધનપુરના હઠુભા જે. જાડેજા (ઉ.વ. 45)ને હૃદયરોગનો હુમલો થતાં તેમનું મોત થયું હતું. આ અંગે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભારતનગરથી રાધનપુર રૂટની બસ નંબર જી.જે. 18-882ના ચાલક હઠુભા જાડેજાનું મોત થયું હતું. ભારતનગરના આશાપુરા મંદિર પાસે આ ડ્રાઇવર એસ.ટી. બસ ચાલુ કરી તેને ગિઅરમાં નાખી રહ્યા હતા. દરમ્યાન તેને હૃદયરોગનો હુમલો આવતાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાન ચાલકને મૃત જાહેર કર્યા હતા.


Advertisement