ચકલી નાની ને ફૈડકો મોટો: સની લીયોનના અમદાવાદ એરપોર્ટ પર સીન-સપાટા

13 September 2018 11:24 AM
Entertainment
  • ચકલી નાની ને ફૈડકો મોટો: સની લીયોનના અમદાવાદ એરપોર્ટ પર સીન-સપાટા

અમદાવાદ એરપોર્ટના સતાવાળાઓએ પ્રાયોરીટી સિકયુરીટી ચેક માટે બોડીગાર્ડસને કતાર ટપી આગળ નહીં જવા દેતા અભિનેત્રી તાડુકી ઉઠી હતી. તેણે હવે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રવાસ નહીં કરવા પ્રતિજ્ઞા લીધી છે.

Advertisement

પોતાની બાયોપીક બીજી સીઝનના પ્રમોશન માટે આવેલી સની લિયોનને અમદાવાદ પસંદ આવ્યું નહોતું. એનું કારણ એ છે કે બોલીવુડની ચુલબુલી અભિનેત્રી અને તેના કાફલાને અમદાવાદના એરપોર્ટ પર પ્રાયોરીટી સિકયુરીટી ચેકની સગવડતા આપવામાં આવી નહોતી.
તે અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. એરપોર્ટ ખાતેના સૂત્રો કહે છે કે સનીના બોડીગાર્ડને સિકયુરીટી ચેક માટે અગ્રતા ન અપાતા તેણે અધિકારીઓ સાથે માથાકુટ કરી હતી. અધિકારીઓ સાથે લમણાઝીંક કર્યા પછી ધાર્યું ન થતાં અભિનેત્રી નખરા કરવા લાગી હતી.
અમદાવાદ એરપોર્ટ પર પોતાનું કામણ નહીં ચાલતા સનીએ ટિવટ કરી જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર નિરાશાને પણ ટપી જાય તેવો અનુભવ થયો છે. બીજી એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે ઘણું બન્યું હતું, પણ એરપોર્ટ પરના માણસો મને મદદ કરે તેવી મેં આશા રાખી હતી પણ હું માનું છું કે મારા કમનસીબ હતા. બીજી વાર મને નથી લાગતું કે જેમને જરૂર હોય તેવી એરપોર્ટ સિકયુરીટી સંવેદનશીલતા દાખવવામાં આવશે. એવી ખાતરી કર્યા વગર હું આ એરપોર્ટ પરથી પ્રવાસ નહીં કરું.
આ બનાવને સમર્થન આપતાં એરપોર્ટ ડિરેકટર-ઈન્ચાર્જ રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય દ્વારા જારી મુસાફરોની વીઆઈપી યાદીમાં સની લિયોનનું નામ નથી. આમ છતાં તેની પર્સનલ સિકયુરીટી અને સેફટી બાબતે અમારા સુરક્ષા અધિકારીઓ જો કંઈ અજુગતું બન્યું હોત તો હાથ જોડી બેઠા ન રહેત.
મહેતાએ જણાવ્યું હતું કે તેની ટીમે યોગ્ય આયોજન કરી બોડીગાર્ડ પહેલાં સિકયુરીટી ચેકીંગ કરાવી લે તે જોવું જોઈતું હતું. મુસાફરોની કતારને પાછળ રાખી આગળ વધવું યોગ્ય નથી અને એમ કરવા દેવાતું પણ નથી. તેમણે જણાવ્યું હતું કે અન્ય મુસાફરોએ પણ સનીની વિનંતી સામે વાંધો લીધો હતો. આમ છતાં તેના આગ્રહના કારણે અમે તેના એક બોડીગાર્ડને પ્રાયોરીટી સિકયુરીટી ચેકની તક આપી હતી જેથી એ તેની સાથે થઈ શકે.
એરલાઈનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તે અને તેની ટીમ ગેટસ બંધ થઈ રહ્યા હતા ત્યારે આવ્યા હતા. અમારા એક એકઝીકયુટીવે તેની સાથે રહી સિકયુરીટી ચેક કરાવ્યું હતું. પણ સુરક્ષા અધિકારીઓએ તેના બોડીગાર્ડને એવી છૂટ આપી નહોતી. એ પછી એક બોડીગાર્ડને કતાર ટપી સિકયુરીટી કિલઅર કરવા દેવાઈ હતી. મુસાફરોના સિકયુરીટી ચેકીંગમાં એરલાઈનની કોઈ ભૂમિકા હોતી નથી. સનીના અમદાવાદી કોસ્ચ્યુમ ડિઝાઈનર હિતેન્દ્ર કપુપરાએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ ખાતેનો અનુભવ નિરાશાજનક હતો. અમે દેશના જુદા જુદા ખૂણામાં ગયા છીએ.
લખનઉ હોય કે કલકતા, અમને કોઈ સમસ્યા નડી નથી.
કપુપરાની કેફીયત મુજબ એરપોર્ટ પર પહોંચવામાં અમે મોડાં હતા અને ફલાઈટ ચૂકી જઈએ એવી શકયતા હતી. ‘બહુત પબ્લીક થી એરપોર્ટ કે બાહર’ એરપોર્ટ સતાવાળાઓ અમને મદદ કરે એવી અમે અપેક્ષા રાખતા હતા, પણ અમને તેમનો સહકાર મળ્યો નથી.
સનીએ એરપોર્ટ પર બબાલ કરી હોવાનો ઈન્કાર કરતાં તેમણે જણાવ્યું હતું કે સની સીધી સાદી વ્યક્તિ છે.
કોઈ સામે તાડુકી ઉઠવું કે બરાડા પાડવાનું છોડો, એ કયારેય સીન ઉભો નહીં કરે, તે નિયમોનું પાલન કરવામાં માને છે, અને એ માટે ખ્યાત છે.
તે સતાવાળાઓનો આદર કરે છે. ટોળાના કારણે તે ‘બસ વોટ થોડા ડર ગઈ થી’
સનીની ટીમના બીજા એક સભ્યએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર 50-100 માણસો સેલ્ફી અને ફોટો ખેંચવા સનીની પાછળ પડી એને અડવા પ્રયાસ કરી રહ્યા હતા. જો તેણે એક સાથે સિકયુરીટી ચેકીંગ કરાવ્યું હોત તો બીજી બાજુ બોડીગાર્ડ વિના તે રહી ગઈ હોત. તેની સાથે જો કંઈ અજુગતું બન્યું હોત તો એની જવાબદારી કોણ લેત?
તેણે જણાવ્યું હતું કે સનીની ટીમે એરપોર્ટ સતાવાળાઓને એકટ્રેસને સિકયુરીટી આપવા જણાવ્યું હતું. એ માત્ર વિનંતી હતી કે તેના બાઉન્સરોને નહીં કે આખી ટીમને એક સાથે સીકયુરીટી ચેક કરાવવામાં આવે.
સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓએ એક બોડીગાર્ડને કતાર ઓળંગી આગળ વધવા છૂટ આપતા વિવાદ 15-20 મિનીટમાં પુરો થઈ ગયો હતો.


Advertisement