કાલે ગણપતિબાપાની પધરામણી: સૌરાષ્ટ્રભરમાં 11 દિવસનું ભકિતભાવે ઉજવાશે

12 September 2018 11:14 AM
Rajkot Saurashtra
  • કાલે ગણપતિબાપાની પધરામણી: સૌરાષ્ટ્રભરમાં 11 દિવસનું ભકિતભાવે ઉજવાશે

શુભ મહુર્તમાં ધામધુમથી કરાશે પ્રતિમાનું સ્થાપન: રાજકોટ, મોરબી, જસદણ, જુનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ઉત્સાહ: રસ્તાઓ પર શણગાર: રોજ આરતીનો લાભ લેશે હજારો ભકતો

Advertisement

રાજકોટ તા.12
દુંદાળા દેવ ગણપતિજીના આગમનનો ઈંતેજાર પૂરો થઈ રહ્યો છે. આવતીકાલ ગુરૂવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પૂ. બાપાની પધરામણી થશે અને 11 દિવસ સુધી ધામધુમથી મહોત્સવ ઉજવાશે.
સૌરાષ્ટ્રના નાનામાં નાના ગામથી માંડી મહાનગરોમાં બાપાના સ્થાપનની તૈયારીઓ થઈ ચૂકી છે. આવતીકાલે શુભ મુહુર્તમાં વિવિધ મંડળો, સંસ્થાઓ બાપાની મૂર્તિનું સ્થાપન કરશે. રાજકોટમાં વર્ષોથી ઉત્સવ ઉજવતી સંસ્થાઓના પંડાલ જુદા-જુદા વિસ્તારોમાં લાગી ગયા છે. રાજકોટ ભાજપ દ્વારા પણ દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
માત્ર વિસ્તારો નહીં, હવે ઘરે-ઘરે પણ પૂ. બાપાના સ્થાપન કરવામાં આવે છે. ત્રણ દિવસ માટે પણ પૂજા-અર્ચના કરી બાપાને વિદાય આપવામાં આવે છે. નાની મોટી આકર્ષક મૂર્તિઓ અને રોજની આરતી ભકતોને ગણપતિ બાપાની અર્ચનામાં લીન કરે છે.
અમરેલી
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવતીકાલ ગુરૂવારથી દુંદાળા દેવ ગણેશજીનું આગમન સાથે ગણેશોત્સવનો પ્રારંભ થશે અને ગણેશોત્સવના પાવન પ્રસંગને ઉજવવા માટે સૌ કોઈ થનગનાટ અનુભવી રહ્યા છે.
આવતીકાલે અમરેલી નાગનાથ મહાદેવ મંદિર ખાતે શહેરભરમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિઓ સાથે યુવાધન એકત્રીત થશે અને તમામ ભગવાન ગણેશજીની પ્રતિમાઓ સાથે ભકતજનો ડીજેના તાલ સાથે નાચતા કુદતા અને ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે ભગવાન નગરયાત્રા કરશે.
અમરેલી શહેરમાં લતા અને મહોલ્લામાં ભગવાન ગણેશજીના પંડાલ તૈયાર થઈ રહ્યા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય ચુકયો છે ત્યારે આવતીકાલથી સતત 11 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવણી થનાર છે.
ગુરૂવારથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગણપતિની ઘરે પધરામણી અને તેના સ્થાપનાના મુહુર્ત અંગેના સમયે જેમાં ગણપતિ ઘરે લાવવાનો 12 સપ્ટેમ્બર 2018ના રોજ શુભ સમય 11.30થી 12.35, લાભ સમય સાંજે 17.09 થી 06.40 સુધીના સમયમાં ગણપતિની ઘરે પધરામણી શ્રેષ્ઠ ગણી શકાય છે. રાત્રીના 20.09 કલાકથી 23.06 કલાક સુધી લોકો જાતે જ પોતાના ઘરે કે અન્ય સ્થળે ગણપતિનું સ્થાપન કરી શકે છે. 13 સપ્ટેમ્બરના ગુરૂવારે શુભ સમય 06.29 થી 08.00 તેમજ લાભ સમય લાભ 12.35 થી 14.08 સમય ઉત્તમ માની શકાય.
હિન્દુ તહેવારમાં ગણેશજીની પૂજાને ભાદરવા સુદ પક્ષમાં ચોથના દિવસે ભગવાન શિવે તેમના પુત્ર ગણેશના મસ્તક છેતન બાદ હાથીનું મસ્તક લગાડયું હતું. જેથી ત્યારથી જ ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ ઉત્સવ એ દસ દિવસનો તહેવાર છે. જેમાં ગણપતિની માટીની મૂર્તિ લાવી દસ દિવસ સુધી ઘરમાં સ્થાપન કરીને તેમાં પૂજા પાઠ કરી મંત્રોચ્ચાર, ફૂલો અને પ્રસાદી ધરી કરવામાં આવે છે. પ્રસાદીમાં ગોળ, નાળીયેર અને ચોખાના લોટમાંથી બનાવેલા મોદક બનાવવામાં આવે છે. પ્રસાદીમાં પેંડાનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ ગણેશજીને મોદક સૌથી પ્રિય હોવાથી પ્રસાદીમાં મોદક વધુ ઉત્તમ ગણાય છે.
સ્થાપન
પૂ.બાપાના સ્થાપનમાં દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને 10 દિવસ સુધી સ્થાપન કરી શકાય છે અને તેની વિસર્જન યાત્રા કરી તેમને જળમાં પધરાવવામાં આવે છે. આજના સમયમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખી અને જો પાણીમાં ગણપતિજીને ન પધરાવવા હોય તો સ્ફટીકના ગણપતિ, મંગળના ગણપતિ પણ પધરાવી તેમનું સ્થાપન અને પૂજન કરી શકાય છે. ત્રણ, પાંચ, સાતમો કે દશમાં દિવસે તેને ઘરના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીને કોંકણી પણ કહેવામાં આવે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, તેલંગાણા, છતીસગઢ અને વિદેશોમાં અમેરિકા અને લંડન જેવા દેશોમાં પણ આ તહેવાર ધામધૂમથી દસ દિવસ માટે ઉજવવામાં આવે છે. જેનું મહત્વ વેદ પુરાણોમાં, પૂરા તત્વોમાં પણ ગણેશજીની લોકપ્રિયતા જોવા મળે છે. બૌધ, જૈન ધર્મના મંદિરોમાં અને ગુફાઓમાં આજે પણ કરવામાં આવેલી કોતરણીઓમાં ગણેશજીની મૂર્તિને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
મોરબી કાયાજી પ્લોટ કા રાજા
મોરબીના રવાપર રોડ નજીક કાયાજી પ્લોટ વિસ્તારમાં દર વર્ષે ગણેશ સ્થાપન કરવામાં આવે છે. આવતીકાલ તા.13ના 10 વાગ્યે શોભાયાત્રા બાદ ગણેશ સ્થાપન કરાશે. રાત્રે ગોકુળ બાલા હનુમાન મંડળનો કાર્યક્રમ, તા.14ના ભાવનગર ગ્રુપનો હાસ્ય દરબાર, તા.15ના જાદુગર જીવાનો કાર્યક્રમ, તા.16ના શ્રીનાથજીની ઝાંખી, તા.17ના આર્ટ ઓફ લીવીંગ કાર્યક્રમ, તા.18ના રાંદલ માતાનો ગરબો (કડી કલોલ) તા.19ના અમદાવાદ હાસ્ય ગ્રુપ, તા.20ના સુંદરકાંડના પાઠ તથા સાંજે 4 વાગ્યે સત્યનારાયણ દેવની કથા તા.21ના મેલડી માતાજી મંડળનો કાર્યક્રમ તા.22ના જાદુગર જશપાલ અને તા.23ના સમાપન થશે તેમ કાયાજી પ્લોટ મીત્ર મંડળ વતી દિગુભા જાડેજાએ જણાવેલ છે.
જસદણ
જસદણ વિંછીયા પંથકમાં આવતીકાલ ગુરૂવારથી શરૂ થતા ગણેશ મહોત્સવ સંદર્ભે ભાવિકજનોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. જસદણ વિંછીયા પંથકના મોટાભાગના ગામોમાં ગણેશ મહોત્સવનું જબરજસ્ત આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ગણપતી બાપાને ચાહનારો નાનાથી માંડી માલેતુજાર વર્ગ પોતાની શકિત મુજબ ખર્ચ કરતો હોવાથી સોનામાં સુગંધ ભળે એવું વાતાવરણ સર્જાય છે. આ મહાપર્વ અનુસંધાને પત્રકાર હુસામુદીન કપાસી હિતેશ ગોસાઈએ સર્વેને આગોતરી શુભેચ્છા પાઠવી છે. ગણેશ મહોત્સવની આગામી ઉજવણી પ્રસંગે ભાવિકોમાં અનેરો ઉત્સવ છવાયો છે.
દ્વારકા
શ્રાવણ મહિનાની શરૂઆત થતા જાણે તહેવારોની વણઝાર શરૂ થઈ જાય છે. આજથી ગણેશોત્સવની શુભ શરૂઆત થઈ ગઈ છે. દ્વારકાની ગલીએ ગલીએ ભકતો દ્વારા ગણેશજીની પ્રતિમા સ્થાપીત કરી સપ્તાહ સુધી ઢોલ નગારા સાથે પ્રથમ દેવની ઉપાધી જેને પ્રાપ્ત કરી છે. જેની સૌથી પ્રથમ આરાધના કરવામાં આવે છે. તેવા લંબોધરાય, રિધ્ધિ સિધ્ધિના પતિ, દેવોના દેવ મહાદેવના પ્રીય એવા દુંદાણા ગણપતિની આરતી પ્રાર્થના સાથે કરાય છે. આમ તો ગણેશોત્સવ મહારાષ્ટ્રનો પ્રમુખ તહેવાર ગણાય છે. પરંતુ ફીલ્મોમાં ખાસ ઉપસ્થિત દ્વારા સમસ્ત ભારત વર્ષમાં ધામધુમથી ઉજવાય છે. ગણપતિની મૂર્તિ બનાવનાર કલાકારો પૈકી પૂનમ સોલંકીએ જણાવેલ છે કે છેલ્લા છ મહિનાથી આ મૂર્તીનું નિર્માણ કરી છેક રાજસ્થાનથી અહીં દ્વારકા વેચાણ માટે આવીએ છીએ. છ મહિનાની મહેનત બાદ આજરોજ મોટાભાગની મૂર્તીઓનું વેચાણ થઈ જતા ખુબ હરખની લાગણી જાગી છે. દરેક ભકતોને ગણપતિ મહારાજ પુજાઅર્ચના કર્યા બાદ ફળે પરંતુ અમને તો આજ પ્રથમ દિને જ ફળ્યા છે.
ગોંડલ
ગણેશ ઉત્સવ ઉજવવા શહેરભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમા તૈયાર કરતા અત્રેની ગુંદાળા ચોકડી પાસે કારીગરો દ્વારા પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેઓના નાના બાળકો પણ રંગબેરંગી કલરથી પ્રતિમાને આકર્ષણ આપી રહ્યા છે.


Advertisement