ભૂલવાના રોગથી પીડાતા હો તો આટલું જાણવા જેવું !

06 September 2018 09:58 PM
Rajkot Health
  • ભૂલવાના રોગથી પીડાતા હો તો આટલું જાણવા જેવું !

Advertisement

ડિમેન્શિયાનાં જોખમનું પૂર્વાનુમાન લગાવવું સંભવ બની શકે છે. શોધકર્તાઓએ એક એવા જીનની ઓળખ કરી છે, જેનાંથી આ રોગનું 10 વર્ષ અગાઉ અનુમાન લગાવી શકાશે. ડિમેન્શિયાની બીમારીમાં વ્યક્તિની યાદશક્તિ નબળી થઈ જાય છે. હાલ, આ રોગ માટે કોઈ પ્રભાવી ઉપચાર નથી. પરંતુ, ડિમેન્શિયા માટે જવાબદાર પરિબળોને ટાળી જરૂર શકાય છે. તેમજ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીપણું અને બહેરાશ જેવી સમસ્યાઓનો પણ પ્રારંભિક અવસ્થામાં જ ઈલાજ કરવાથી તેનાં સંભવિત જોખમોથી બચી શકાય છે.

ડિમેન્શિયાની બીમારીમાં વ્યક્તિની યાદશક્તિ ઓછી થવાને કારણે તેમને રોજબરોજનાં કાર્યો કરવામાં પણ તકલીફ પડે છે અને ધીમે-ધીમે તેમની સ્થિતિ ખરાબ થતી જાય છે અને અંતે તેમને ચાલવું, વાત કરવી, ખાવું વગેરે જેવા કાર્યોમાં પણ મુશ્કેલી આવવા માંડે છે. તેની સારવારથી દર્દીની પરિસ્થિતિમાં થોડો સુધારો લાવી શકાય છે, જોકે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાતું નથી.

આથી, ડિમેન્શિયાની બીમારી થાય તે અગાઉ જ પોતાની ભોજન શૈલીમાં થોડાં બદલાવ કરીને આ બીમારીને ટાળી જરૂર શકાય છે. ડિમેન્શિયાની બીમારીથી બચવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ઉપયોગ ખાસ કરો. ઘઉં કોશિકાઓનું નિર્માણ કરે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત, બદામ, કાજુ અને અખરોટ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે જરૂરી ફેટી એસિડ શરીરને પૂરાં પાડે છે. માછલી પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેનાંથી મસ્તિષ્કનો વિકાસ થાય છે. ખાસ કરીને ટ્યૂના માછલી વધુ ફાયદાકારક હોય છે.

બ્લૂ બેરીમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે ફ્રી રેડિકલ્સથી કોશિકાઓમાં થનારા નુકશાનથી બચાવે છે. આ ફળ હ્રદય રોગ અને માનસિક રોગનાં જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. ટામેટાં લાઈકોપેનથી ભરપૂર હોય છે. તે શરીરની કોશિકાઓને નુકશાનથી બચાવે છે. સાથે જ તે અલ્ઝાઈમરનાં જોખમને પણ ઓછું કરે છે. બ્રોકલીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ ઉપરાંત પોષક તત્વો રહેલાં છે, જે મસ્તિષ્કની શક્તિને વધારવામાં મદદ કરે છે. ઈંડામાં વિટામિન B12 અને કોલાઈન વધુ માત્રામાં હોય છે. જે મસ્તિષ્કની કોશિકાઓનું નિર્માણ કરે છે, જેનાંથી યાદશક્તિ વધે છે.


Advertisement