શિખ વિરોધી રમખાણો: રાહુલના નિવેદનથી શાબ્દીક યુદ્ધ

27 August 2018 04:55 PM
India Politics
  • શિખ વિરોધી રમખાણો: રાહુલના નિવેદનથી શાબ્દીક યુદ્ધ

ઈન્દીરા ગાંદીના મૃત્યુ પછી 1984ના રમખાણોમાં કોંગ્રેસની સંડોવણીના ઈન્કાર સામે ભાજપ, અકાલીદળ આગબબુલા : કોંગ્રેસ અધ્યક્ષે જખમ પર મીઠું ભભરાવ્યું હોવાનો આક્ષેપ:પક્ષ અધ્યક્ષની નુકતેચીનીનો બચાવ કરતાં કોંગ્રેસના આગેવાનો

Advertisement

નવી દિલ્હી તા.27
1984માં શિખ વિરોધી રમખાણશેમાં કોંગ્રેસની સંડોવણી નહોતી એવા રાહુલ ગાંધીના લંડનમાં નિવેદને રાજકીય પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું છે.
શનિવારે યુકેના સાંસદો અને સ્થાનિક નેતાઓ સાથેની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે 1984ના રમખાણોને પીડદાયી કરુણિકા ગણાવી હિંસામાં સંડોવાયેલા કોઈપણને શિક્ષા કરવા 100 ટકા સહમતી દર્શાવી હતી.
રાહુલે જણાવ્યું હતું કે કોઈપણ સામે હિંસાનો ઉપયોગ અયોગ્ય છે. ભારતમાં આ મુદે કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે, પણ મને લાગેવળગે છે ત્યાં સુધી એ ગાળામાં જે કંઈ કરાયું તે ખોટું હતું અને ખોટું કરનારાને શિક્ષા થવી જોઈએ તે બાબતે હું 100 ટકા ટેકો આપીશ.
રાહુલના નિવેદનથી ઘરઆંગણે શિરોમણી અકાલીદળ (એલએડી)ના નેતાઓ ઉશ્કેરાયા છે. અકાલીદળના અધ્યક્ષ સુખવીર યાદવે જણાવ્યું હતું કે રાહુલના નિવેદને શિખોના જખમ પર નમક ભભરાવવાનું કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે પુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની શિખ બોડીગાર્ડ દ્વારા હત્યા પછી શિખ સમુદાય સામે પાટનગર દિલ્હી અને અન્યત્ર રમખાણો ફાટી નીકળ્યા હતા અને એમાં 3000 શિખોને રહેંસી નખાયા હતા. ઈન્દીરાના પુત્ર અને પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ રમખાણોને વાજબી ઠરાવવા પણ પ્રયાસ કર્યો હતો.
કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શિખોનો જો નરસંહાર કરવામાં આવ્યો ન હોય તો રાહુલના પિતા અને દાદીમાની પણ હત્યા થઈ નહોતી અને તે સામાન્ય હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય મંત્રી આર.પી.સિંહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રમખાણોમાં તેમના પક્ષની સામેલગીરીથી હાથ ધોઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શિખો ન્યાયના અભાવે પહેલેથી જ મુશ્કેલીમાં છે ત્યારે ગાંધીની આવી કોમેન્ટ વાતાવરણ બગાડશે અને કેટલાક લોકો 1980ના દસકામાં જોવા મળેલા હિંસાચક્રમાં ફસાશે.
ભાજપ-અકાલીદળની કોંગ્રેસના કેટલાય નેતાઓ પક્ષપ્રમુખના નિવેદનનો બચાવ કરવા આગળ આવ્યા હતા. વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે રમખાણો વખતે રાહુલ નાની વયના હતા અને તેથી તેમને જવાબદાર ગણી શકાય નહીં.
ચિદમ્બરમે યાદ અપાવી હતી કે 1984માં જે ભયાનક પ્રકરણ સર્જાયુ એ માટે ડો. મનમોહનસિંહે સંસદની માફી માંગી હતી.પંજાબના મુખ્યપ્રધાન અમરીન્દરસિંહે જણાવ્યું હતું કે એક પક્ષ તરીકે કોંગ્રેસ કયારેય રમખાણોમાં સંડોવાયેલો નહોતો.
1984ના રમખાણ પીડીતોનો કેસ લડી રહેલા આપના નેતા હરવિન્દર સિંહ ફુલકાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને રાજીવ ગાંધીની સંડોવણી બાબતે જાહેર ચર્ચા કરવાનો પડકાર ફેંકયો હતો.
ભાજપ નેતા ઉમા ભારતીએ જણાવ્યું હતું કે રાહુલ માનસિક રીતે માંદા છે અને તેમના પક્ષના નેતાઓ પણ રાહુલના નિવેદનથી દિગ્મૂઢ થયા છે.


Advertisement