ઉપવાસ થશે અને નિકોલમાં જ થશે : હાર્દિકનો હૂંકાર

14 August 2018 06:26 PM
Gujarat
  • ઉપવાસ થશે અને નિકોલમાં જ થશે : હાર્દિકનો હૂંકાર

ગુજરાતના 137 તાલુકાઓમાંથી રોજ હજારો લોકો હાર્દિકના ઉપવાસમાં જોડાશે : છ રાજયોના પ્રતિનિધિઓ પણ આવશે : સરકાર મેદાન ફાળવે કે ન ફાળવે અમારા ઉપવાસ યોજાશે : હજારો બહેનો રાખડી બાંધવા આવશે

Advertisement

રાજકોટ તા.14
પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલે તા.2પથી તેના આમરણાંત ઉપવાસ નિકોલમાં જ થશે તેવો હુંકાર કરતા ઉપવાસના દિવસથી 13 દિવસના કાર્યક્રમની પણ જાહેરાત કરી દીધી છે. આજે તેણે એક મુલાકાતમાં કહ્યું કે રાજય સરકાર મંજૂરી આપે કે ન આપે ઉપવાસ નિકોલમાં જ થશે અને જે કંઇ પરિસ્થિતિ ઉભી થશે તે માટે રાજય સરકાર જવાબદાર રહેશે. હાર્દિકેે કહ્યું કે પ્રથમ 13 દિવસમાં ગુજરાતમાં વિવિધ જિલ્લા અને તાલુકામાંથી પાટીદાર અગ્રણીઓ આ ઉપવાસમાં રોજ જોડાશે. કુલ 137 વિસ્તારોમાંથી પ્રતિનિધિઓ આવશે. એટલું જ નહી અન્ય છ રાજયોના જેમાં હરિયાણા, મઘ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. ત્યાંના પાટીદારો, મરાઠાઓ, જાટ સહિતના અગ્રણીઓ પણ ઉપવાસ છાવણીની મુલાકાત લેશે. હાર્દિકે જાહેર કર્યુ કે તા.26ના રોજ ઉપલેટા-ધોરાજી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો હાર્દિક પટેલને રાખડી બાંધવા આવશે. સમગ્ર ગુજરાતમાંથી ખેડૂત સમાજના અગ્રણીઓ પણ તેમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં પાટીદાર અનામત માટે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. તે આમરણાંત ઉપવાસ પર ઉતરનાર છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે હાર્દિક પટેલને હજુ મેદાન ફાળવ્યું નથી.
નિકોલનું મુખ્ય મેદાન કે જે હાર્દિકે માંગ્યું હતું તેને તથા અનેક મેદાનોને મહાપાલિકાએ ફ્રી પાર્કિંગ ઝોન જાહેર કરી દીધા છે અને તે રીતે આ મેદાન આપવાના ઇન્કાર કર્યો છે. હવે હાર્દિક પટેલ તેના ઉપવાસ માટે કયુ મેદાન પસંદ કરશે તેના પર સૌની નજર છે અને ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાય તેવો ભય છે.


Advertisement