પરીક્ષાની કામગીરીમાં ભાગ નહીં લેનારા અધ્યાપકો સામે હવે શિક્ષાત્મક પગલા લેશે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

10 August 2018 06:44 PM
Rajkot

શૈક્ષણીક માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થશે: તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર નીમાશે: સિન્ડીકેટ મેમ્બરોની મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો

Advertisement

રાજકોટ તા.10
પરીક્ષા અંગેની કામગીરીમાં ભાગ નહી લેનારા અધ્યાપકો સામે સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા હવે યુનિ.નાં ઓર્ડીનન્સ અને ઉચ્ચ શિક્ષણ વિભાગનાં સેવાકીય નિયમોને આધીન શિક્ષાત્મક પગલા લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાને લગતા ઠરાવોની ચર્ચા-વિચારણા કરવા માટે યુનિ.નાં કાર્યકારી કુલપતી શ્રી ડો.નીલામ્બરી દવેના અધ્યક્ષસ્થાને મળેલી સીન્ડીકેટ મેમ્બરોની બેઠકમાં પરીક્ષા સંચાલનના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવેલ હતા. જેમાં યુનિ.ની પરીક્ષા સંબંધી કામગીરીમાં ભાગ નહીં લેનારા અધ્યાપકો સામે શિક્ષાત્મક પગલા લેવાનો અને તેઓની શૈક્ષણીક માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવેલ હતો.
આ ઉપરાંત અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા પેપરોની એસેસમેન્ટ તથા રી-એસેસમેન્ટની કામગીરી કેન્દ્રીયકૃત ધોરણે થતી હતી પરંતુ હવે આ કામગીરી ફેકલ્ટીવાઈઝ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાશાખા પ્રમાણે સેમેસ્ટર-5 અને 6 માં તેમજ કાઉન્સીલવાળા તમામ અભ્યાસ ક્રમોનો તમામ સત્રો માટે મોડરેશન સીસ્ટમ કાર્યાન્વીત કરાશે.
આ ઉપરાંત યુનિ.નાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલાથી જ શરૂ કરી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ઓબ્ઝર્વરની નિયુકિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.
નિયુકત થનાર ઓબ્ઝર્વરોએ પોતાનો રીપોર્ટ પરીક્ષા વિભાગને સોંપવાનો રહેશે તેમજ ઉતરવહી ચકાસણીની કામગીરીમાં હવે ગુજરાત અને અંગ્રેજી માધ્યમની ઉતરવહીઓ અલગ પાડી ગુજરાતી માધ્યમમાં અધ્યાપન કરાવતા અધ્યાપકો ગુજરાતમાં તેમની તેમજ અંગ્રેજી માધ્યમમાં અધ્યાપન કરાવતા અધ્યાપકો અંગ્રેજી માધ્યમની ઉતરવહીનું મુલ્યાંકન કરે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
આ ઉપરાંત પરીક્ષા ચોરીને અટકાવવા તાલુકા જીલ્લા કક્ષાએ વિવિધ કોલેજોનાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા સીટ નંબર જમ્લીંગ કરીને ગોઠવાશે જેથી એક કોલેજનાં વિદ્યાર્થી બીજી કોલેજમાં પરીક્ષા આપી શકે તે અંગેનો નિર્ણય લેવામાં આવેલ હતો.


Advertisement