બિલ્ડરના 793 ગ્રામ સોનાની હરરાજી કરતુ ઈન્કમટેકસ: 18.74 લાખ વસુલ્યા

10 August 2018 06:39 PM
Rajkot
  • બિલ્ડરના 793 ગ્રામ સોનાની હરરાજી કરતુ ઈન્કમટેકસ: 18.74 લાખ વસુલ્યા

રાજકોટના પરી જવેલર્સનાં માલીકે સૌથી ઉંચી બોલી સાથે સોનું ખરીદયુ: 12 વર્ષ પૂર્વેના કેસમાં આવકવેરા વિભાગે કરેલી વસુલાત: અમદાવાદ, મુંબઈ, જામનગરના ઝવેરીઓએ પણ ભાગ લીધો

Advertisement

રાજકોટ તા.10
રાજકોટના બિલ્ડર પાસેથી ટેકસ વસુલાત માટે આજે આવકવેરા ખાતા દ્વારા તેના જપ્ત સોનાની હરરાજી કરી હતી અને લેણી નીકળતી 18.74 લાખની રીકવરી કરી લીધી હતી. બે ડઝનથી વધુ લોકોએ હરરાજી કાર્યવાહીમાં ભાગ લીધો હતો અને રાજકોટનાં ઝવેરીએ 31550 ના ભાવે સોનું ખરીદ કર્યું હતું.
રાજકોટના ગોંડલ રોડ પર રહેતા બિલ્ડર શ્રી ઠકરાર પર આવકવેરા ખાતા દ્વારા 2006 માં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.દરોડા કાર્યવાહીની સંપૂર્ણ તપાસ થયા બાદ 32 લાખની ટેકસ ડીમાંડ કાઢવામાં આવી હતી. કરદાતા બીલ્ડર દ્વારા અર્ધી રકમ અગાઉ જ ચુકવી દેવામાં આવી હતી. પરંતુ ટેકસ પેટેનાં બાકી નાણા ચુકવવામાં અસમર્થતા દર્શાવી દીધી હતી જેને પગલે આવકવેરા ખાતાએ દરોડા કાર્યવાહીમાં જપ્ત થયેલા 793.66 ગ્રામ સોનાના દાગીનાની હરરાજી કરીને ટેકસ વસુલવાની કાર્યવાહી કરી હતી.
આવકવેરા વિભાગે પૂર્વ નિર્ધારીત જાહેરાત પ્રમાણે આજે સવારે હરરાજી રાખી હતી તેમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, જામનગર, જુનાગઢનાં બે ડઝન જેટલા ઝવેરીઓ લોકો હાજર રહ્યા હતા અને ખરીદીમાં રસ દાખવ્યો હતો. રાજકોટના પરી જવેલર્સ, આરઆર જવેલર્સ, અમદાવાદનાં સિગ્મા ટ્રેડર્સ, મુંબઈની માનસી ગોલ્ડ, રાજકોટના સંજય સોની, અમદાવાદનાં આર.આર.ચોકસી વગેરે હરરાજીમાં બોલી લગાવવામાં સક્રિય રહ્યા હતા.
793.66 ગ્રામ સોના માટે દસ ગ્રામનાં 27550 ના ભાવથી હરરાજીમાં બોલી શરૂ થઈ હતી. અર્ધો કલાક હરરાજી કાર્યવાહીમાં રાજકોટના પરી જવેલર્સનાં કપીલભાઈ પાટડીયાએ સૌથી વધુ 31550 ના ભાવ બોલીને આ સોનું ખરીદી લીધુ હતું.
આવકવેરા કમિશ્નર શ્રી અજીતકુમાર સિંહાના માર્ગદર્શન હેઠળ રીકવરી અધિકારી શ્રી તાહેર ટીનવાલા દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. સોનાના દાગીનામાં ચેઈન, વિંટી, બુટી, કડા સહીતની ચીજવસ્તુઓ હતી શ્રી ટીનવાલાએ કહ્યું કે બિલ્ડર પાસેથી આવકવેરા ખાતાને 18.74 લાખની વસુલાત કરવાની હતી. આજની સોનાની હરરાજીમાંથી સંપૂર્ણ રકમ રીકવર થઈ ગઈ છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં ટેકસ રીકવરી માટે બીજી વખત દાગીનાની હરરાજી કરવામાં આવી છે.


ટેકસ રીકવરી માટે 6 માસમાં બીજી વખત દાગીનાની હરરાજીનો રેકોર્ડ
સોના-ચાંદીના દાગીના કે માલ મિલકત વેચીને ટેકસ રીકવરીનું કદમ અંતિમ શસ્ત્રરૂપે જ થાય છે. આવકવેરા ખાતાનાં રાજકોટના ઈતિહાસમાં આ વર્ષે પ્રથમ વખત આ પ્રકારે હરરાજી થઈ છે. રીકવરી અધિકારી શ્રી ટીનવાલાએ કહ્યું કે ગત ફેબ્રુઆરીમાં ટેકસ રીકવરી માટે ચાંદીની હરરાજી કરવામાં આવી હતી. આજે સોનાના દાગીનાંની હરરાજી કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં બે હરરાજીનો રેકોર્ડ છે.

સોનાના બજાર ભાવ રૂા.30500 હરરાજીમાં 31550 નો ભાવ મળ્યો
સોનાના ભાવોમાં કેટલાંક વખતથી મંદી છે અને અનેકવિધ આંતર રાષ્ટ્રીય કારણોથી ભાવો નીચે સરકી રહ્યા છે. આજે રાજકોટ ખાતે દસ ગ્રામ સોનાનો ભાવ 30500 હતો પરંતુ ઈન્કમટેકસની હરરાજીમાં રાજકોટના ઝવેરીએ 31550 ની બોલી લગાવી હતી. બજાર કરતાં 1050 જેટલો ઊંચો ભાવ બોલાતા ઝવેરી બજારનાં વેપારીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. હરરાજીના નિયમો પ્રમાણે બજારભાવ કરતા 1500 રૂપિયા નીચેની કિંમત અપસેટ પ્રાઈઝ તરીકે રાખવામાં આવી હતી. તેના બદલે બજાર ભાવ કરતાં વધુ 1050 મળ્યા હતા.


Advertisement