પોરબંદર ન.પા.માં વૃક્ષો વાવવાના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર: તપાસની માંગ

10 August 2018 02:04 PM
Porbandar

કોંગ્રેસના મંત્રી રામદેવભાઈ મોઢવાડિયાનો આક્ષેપ

Advertisement

(બી.બી.ઠકકર)
રાણાવાવ તા.10
પોરબંદર શહેરને હરીયાળું અને લીલુછમ બનાવવાના દિવાસ્વપ્નો બતાવીને ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકાના શાસકો, હોદેદારો અને અધિકારીઓએ સાથે મળી કૌભાંડ આચરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવાની પેરવી કરી હોય, આ કૌભાંડ અંતર્ગત અમુક રકમ પણ ચાઉં કરવાની માંગ કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કરી છે.
કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ આ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડતાં જણાવ્યું હતું કે, માહિતી અધિકારી હેઠળ મળેલ માહિતી મુજબ તા.પ-8ના એટલે કે આજ જુનથી એક વર્ષ પુર્વે પોરબંદર નગરપાલિકાની હદમાં વૃક્ષોનું વાવેતર કરવાનો કોન્ટ્રકટ પોરબંદર નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો હતો.
આ અંગે રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, નવાઈ પમાડે તેવી વાત એ છે કે રોકડિયા હનુમાનથી ત્રણ માઈલ સુધીનો એરીયામાં નગરપાલિકાએ વૃક્ષો વાવેલ છે. એવું દર્શાવેલ છે. હકિકતમાં આ એરીયા નેશનલ હાઈ-વે ઓથોરીટીની હદમાં આવે છે. નેશનલ હાઈ-વે ખુદ તેમની હદમાં ડિવાઈડર પર વૃક્ષો વાવીને ઉછેરે છે. ત્યાં પોરબંદર નગરપાલિકાએ વૃક્ષો વાવીને ઉછેરેલ હોવાનું જણાવ્યું છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે માહિતી અધિકારીના કાયદા હેઠળ માંગેલ માહિતીમાં પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરે એવું જણાવેલ છે કે કેટલાંક વૃક્ષો ઉછરેલ છે. તેની સચોટ માહિતી અમારી પાસે નથી પરંતુ ચકાસણી કરતાં ઘણાં વૃક્ષોનો વિકાસ થયેલ છે એવો લેખિત જવાબ મળેલ છે.
એક તરફ રાજ્યની ભાજપ સરકાર વન મહોત્સવ અને વૃક્ષારોપણની જાહેરાતો પાછળ અને તેના કાર્યક્રમોના ઉદઘાટન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. દરેક જીલ્લાઓમાં વન મહોત્સવ માટે મુખ્યમંત્રીથી શરૂ કરીને મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ પ્રવાસ કરે છે. બીજી તરફ ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકા કાગળ પર વૃક્ષો ઉછેરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહી છે.
કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ વૃક્ષો વાવવાના કૌભાંડની વિગતો એકત્રિત કરીને મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ર્ન ઉઠાવેલ છે. અને વડાપ્રધાન કાર્યાલયના ફરિયાદ વિભાગમાં આ પ્રશ્ર્ન દાખલ કરશે તેમ જણાવ્યું હતું.


Advertisement